પ્રકૃતિ (દર્શન) : માયા અને એના અંચળાથી ઢંકાઈને ઉત્પન્ન થતી ત્રિગુણાત્મક શક્તિ. આ ગુણમય જગત બે સ્પષ્ટ તત્વ ધરાવે છે – પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિને માયા પણ કહે છે. તે પુરુષથી બિલકુલ વિપરીત પરિવર્તનશીલ, નાશવાન અને જડ છે. કેટલાક આચાર્યો પ્રકૃતિ અને પુરુષમાં યોગ્યતા સંબંધ હોવાનું માને છે. કેટલાકનું કહેવું છે વાસ્તવમાં પ્રકૃતિ પુરુષની શક્તિ છે. તેની અલગ સત્તા નથી. મત્સ્યેન્દ્રનાથે શક્તિ અને શિવ (પ્રકૃતિ અને પુરુષ)ને અભિન્ન બતાવ્યાં છે. તેઓ એકબીજા વગર રહી શકે નહિ. ગીતા(9-10)માં ભગવાને પ્રકૃતિ પોતાને આધીન છે એમ કહીને હું અધ્યક્ષ થઈને પ્રકૃતિ દ્વારા સંપૂર્ણ સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન કરાવું છું એમ વિધાન કર્યું છે. સાંખ્યવાદીઓને મતે પ્રકૃતિ પુરુષને પોતાની માયાજાળમાં કે કંચુકોમાં બાંધીને જીવ-જગતની સૃષ્ટિ કરે છે. આ દૃશ્યમાનજગત તેનો વિકાર છે. સત્વ, રજ અને તમ નામના ત્રણ ગુણોની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહી છે. સાંખ્યવાદીઓ જગતને મુખ્યત્વે ચાર ભાગોમાં વહેંચે છે. એમાં ચોથો પુરુષ ‘નિર્વિકાર’ છે. બાકીના ત્રણ(ગુણો)ના વિકારથી 25 તત્વો ઉત્પન્ન થાય છે અને એ તત્વોથી સૃષ્ટિ ગણાય છે. વેદાંતીઓ પ્રકૃતિની અલગ સત્તાને માનતા નથી પણ તેને પુરુષની આશ્રિતા અને એની શક્તિ માને છે. આથી પ્રકૃતિના વિકારથી ઉત્પન્ન થનારાં ઉપરોક્ત તત્વોની સત્તામાં માનતા નથી. વેદાંતીઓને મતે પ્રકૃતિ માયા છે.
તાંત્રિકો પ્રકૃતિને જડ માનતા નથી. તેમને મતે ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે. ‘શારદા-તિલક’ અનુસાર શિવનાં બે રૂપ છે – નિષ્કલ (નિર્ગુણ) અને સકલ (સગુણ). જ્યારે શિવનો શક્તિ (પ્રકૃતિ) સાથે યોગ થાય છે ત્યારે સગુણ શિવનો આવિર્ભાવ થાય છે. નિર્ગુણ શિવ વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, સગુણ શિવ ઉપાધિયુક્ત છે. ઉપાધિયુક્ત શિવમાંથી ઉપાધિયુક્ત શક્તિ ઉત્પન્ન થાય છે અને આ બંનેના સંયોગથી ‘પરનાદ’ પેદા થાય છે. પરનાદથી અપર (વિશેષતાયુક્ત) નાદ, બીજ અને બિંદુ ઉત્પન્ન થાય છે, જે ક્રમશઃ ઇચ્છા, જ્ઞાન અને ક્રિયાનાં પ્રતીક છે. આગળ જતાં એમાંથી વિષ્ણુ, બ્રહ્મા અને રુદ્રનો ઉદભવ થાય છે.
પુરુષ ભોક્તા છે અને પ્રકૃતિ ભોગ્યા છે. સગુણ શિવને પોતાનાં કંચુકો દ્વારા આવૃત્ત કરીને તે જ્યાં એમની શક્તિઓની સીમિત કરે છે ત્યાં એમને સંકુચિત કરવાની સાથે કે પોતે પણ સાથોસાથ ઢંકાઈ (સંકોચાઈ) જાય છે. તંત્રોમાં જે 36 તત્વો સવીકારાયાં છે એમાં પ્રકૃતિ પણ છે. ત્યાં એને અશુદ્ધ તત્વોમાં મૂકેલ છે. વસ્તુતઃ પ્રકૃતિ શિવની ‘શાન્તા’ શક્તિ છે. તે ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા નામની શક્તિઓના સ્થૂળરૂપ સત્વ, રજ અને તમ નામના ગુણોની સામ્યાવસ્થા છે. સૃષ્ટિના નિયોજક અંતઃકરણ, ઇંદ્રિયો અને પાંચ મહાભૂત પ્રકૃતિનાં જ વિભિન્ન રૂપ છે. ગીતા અનુસાર પ્રકૃતિ ‘કાર્ય, કારણ અને કર્તૃત્વનો હેતુ’ છે અર્થાત્ દેહ અને ઇંદ્રિયોના વ્યાપાર પ્રકૃતિ કરે છે. (13-20)
પ્રવીણચંદ્ર પરીખ