પ્રકૃતિવૈચિત્ર્ય (idiosyncrasy) : કોઈ પદાર્થ કે રસાયણ તરફનો વ્યક્તિનો અસામાન્ય પ્રતિભાવ. 1974માં ગોલ્ડસ્ટેઇને દર્શાવ્યું છે તે પ્રમાણે તેની વ્યાખ્યા કરવામાં આવે તો આવો પ્રતિભાવ વ્યક્તિનાં પોતાનાં જનીનો(genes)ને કારણે હોય છે. જે પ્રતિભાવ જોવા મળે છે તે બીજી કોઈ વ્યક્તિમાં થાય તેવો જ હોય છે, પરંતુ તે વધુ તીવ્ર અથવા વધુ પડતો ઓછો હોય છે. તેને કારણે ઘણી ઓછી માત્રા(dose)માં કોઈ રસાયણ, દવા કે ખોરાક લેવાયો હોય તે છતાં તેના તરફનો વ્યક્તિનો પ્રતિભાવ અતિતીવ્ર હોય છે અથવા તો ઘણા વધારે પ્રમાણમાં તે લેવાયાં હોય તોયે તેના તરફનો પ્રતિભાવ અતિઅલ્પ હોય કે ખાસ કંઈ હોય જ નહિ. આ પ્રકારના પ્રતિભાવને ઔષધની ‘એ’ પ્રકારની આડઅસર પણ કહે છે. પરંતુ મોટાભાગના પ્રકૃતિવૈચિત્ર્ય રૂપે લેખાતા અસામાન્ય પ્રતિભાવો વિશિષ્ટ ગુણવત્તાના વિકારો જેવા ગણાય છે. તેને ઔષધની ‘બી’ પ્રકારની આડઅસર કહે છે, જેમ કે જનીનોના વિશિષ્ટ બંધારણને કારણે લગભગ 10% અમેરિકન હબસીઓમાં પ્રાઇમાક્વિન નામની મલેરિયા સામે વપરાતી દવા લેવાથી લોહીના ઘણા રક્તકોષો તૂટી જાય છે. તેને કારણે તેનું હીમોગ્લોબિન ઘણું ઘટે છે. તેને તીવ્ર પ્રકારની રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) કહે છે. આવું અન્ય વ્યક્તિઓમાં જોવા મળતું નથી. આવા અમેરિકન હબસીઓમાં ‘ગ્લુકોઝ-6-ફૉસ્ફેટ ડિહાઇડ્રૉજિનેઝ’ નામના રક્તકોષોમાંના એક ઉત્સેચક(enzyme)ની ઊણપ હોય છે. તેને કારણે તે વિચિત્ર રીતે અતિતીવ્ર પ્રતિભાવ આપે છે. ઉત્સેચકો પ્રોટીનનાં બનેલાં એક પ્રકારનાં રસાયણો છે, જે શરીરમાંની વિવિધ રાસાયણિક ક્રિયાઓને ઝડપી કરે છે. ઉત્સેચકોની આ પ્રકારની ક્રિયાને ઉદ્દીપનક્રિયા કહે છે.
એક અન્ય ઉદાહરણ લઈએ : વૉરફેરિન નામનું એક પ્રતિરુધિરગંઠક ઔષધ (anticoagulant) છે. તે વ્યક્તિની અંદર લોહીની ગંઠાવાની ક્રિયાને ઘટાડે છે કે અટકાવે છે. કોષની અંદર તેનો પ્રવેશ કરાવવા માટે એક સ્વીકારક (receptor) દ્રવ્ય હોય છે. જ્યારે આ સ્વીકારક દ્રવ્યની ખોટ અથવા ઊણપ હોય ત્યારે વૉરફેરિનની અસર ઓછી થાય છે. આમ આવી વ્યક્તિ એક પ્રકારનું પ્રકૃતિવૈચિત્ર્ય દર્શાવે છે, જેને કારણે ભારે માત્રામાં વૉરફેરિન લેવા છતાં તે કોષમાં પ્રવેશી શકતું ન હોવાને કારણે તેની ખાસ કોઈ અસર થતી નથી. ક્યારેક પ્રકૃતિવૈચિત્ર્યને કારણે ઉદભવતો પ્રતિભાવ ઘણો તીવ્ર હોય તો તે જીવનને સંકટરૂપ બની જાય છે. આ પ્રકારના પ્રતિભાવો અંગે સારવાર કરતો તબીબ કે દર્દી પોતે સંપૂર્ણપણે અજાણ હોય છે અને તેથી તેમને માટે ક્યારેક તે બાબત અચાનક આવી પડેલા સંકટ સમાન બની જાય છે.
શાસ્ત્રીય તેમજ લોકવ્યવહારમાં પ્રકૃતિવૈચિત્ર્યની આ સંકલ્પનાનો ઉપયોગ વ્યક્તિના માનસિક, વર્તનલક્ષી કે અન્ય પ્રકારના શારીરિક અસામાન્ય પ્રતિભાવ(દા.ત., ઍલર્જી)ને વર્ણવવામાં પણ થાય છે. ક્યારેક અચાનક અને અતિતીવ્ર સ્વરૂપે જોવા મળતો ઍલર્જીજન્ય પ્રતિભાવ પણ પ્રકૃતિવૈચિત્ર્યરૂપી સંવેદિતા(idiosyncratic sensitivity) તરીકે ઓળખાય છે. તે IgE પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા પ્રતિરક્ષાલક્ષી ગ્લોબ્યુલિન નામનાં રસાયણો વડે ઉદભવે છે. સામાન્ય રીતે તે એક પ્રકારનો કૌટુંબિક વિકાર છે અને તે વારસાગત હોય છે. જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આવી વ્યક્તિઓ કોઈ પ્રકારનો ખોરાક કે કોઈક દવા લે ત્યારે અચાનક જ તેના તરફ ઍલર્જી અથવા અતિસંવેદિતા (hypersensitivity) દર્શાવે છે.
શિલીન નં. શુક્લ