પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction)

February, 1999

પ્રક્રિયા-ઉષ્મા (heat of reaction) : કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રણાલીનું પ્રારંભનું જે તાપમાન હોય તે જ તાપમાન અંતિમ અવસ્થાનું રાખવા માટે પ્રણાલી દ્વારા શોષાતી અથવા ઉત્સર્જિત થતી ઉષ્મા. પ્રક્રિયા જેમાં થાય તે પાત્રમાંનું દબાણ જો અચળ રાખવામાં આવે તો પ્રક્રિયા-ઉષ્માનું માપેલું મૂલ્ય પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્થાલ્પી (enthalpy) અથવા ઉષ્માસંચય (heat content) તરીકે એટલે કે પ્રક્રિયાને અંતે ઉદભવેલ નીપજોની કુલ એન્થાલ્પી (H2) અને પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોની કુલ એન્થાલ્પી(H1)ના તફાવત (ΔH) તરીકે ઓળખાય છે.

            ΔH = H2 – H1

જો  ΔHનું મૂલ્ય ધન (+) હોય તો પ્રક્રિયાને ઉષ્માશોષક તથા ઋણ (–) હોય તો તેને ઉષ્માક્ષેપક કહે છે; દા.ત.,

H2 + ½ O2 —-> H2O (વાયુ) ΔH = – 241751 J 18° સે.એ અને

H2O (વાયુ) —–> H2 + ½ O2 ΔH = + 241751 J 18° સે.એ

રાસાયણિક ફેરફારો સાથે સંલગ્ન ઉષ્મા-અસરોનું માપન કે આગાહી એ રાસાયણિક પ્રક્રિયા સમજવા તથા તેનો ઉપયોગ કરવા માટે અગત્યનાં છે. બંધ પાત્રમાં થતી પ્રક્રિયા દરમિયાન ઘણી વાર ગરમી ઉત્પન્ન થતી હોવાથી રાસાયણિક પ્રવિધિઓમાં વપરાતાં સાધનોની યોગ્ય ડિઝાઇન માટે પ્રક્રિયા-ઉષ્માનાં ચોક્કસ મૂલ્યો જાણવાં આવશ્યક છે. આવે વખતે પ્રક્રિયા-ઉષ્માનાં મૂલ્યો માનક (standard), સંભવન-ઉષ્મા (heats of formation) અને દહન-ઉષ્મા (heat of combustion) ઉપરથી મેળવવામાં આવે છે.

સંયોજનનો 1 મોલ તેનાં ઘટકતત્વોમાંથી રચાય ત્યારે 25° સે. તાપમાને તથા 1 વાતાવરણ દબાણે શોષાતી કે નીપજતી ઉષ્માને પ્રમાણિત સંભવન-ઉષ્મા કહે છે. અહીં દરેક સંયોજન તેના કુદરતી ભૌતિક સ્વરૂપમાં (વાયુ, પ્રવાહી કે ઘન) હોય તેમ માની લેવાનું હોય છે. કોઈ પણ તત્વ માટે સંભવન-ઉષ્માનું મૂલ્ય સ્વૈર રીતે (arbitrarily) શૂન્ય લેવામાં આવે છે. 1 વાતાવરણ દબાણે તથા 25° સે. તાપમાને 1 મોલ પદાર્થનું ઑક્સિજનના આધિક્યમાં દહન કરતાં નીપજતી ઉષ્માને પ્રમાણિત દહન-ઉષ્મા કહે છે. સંભવન-ઉષ્મા તથા દહન-ઉષ્માનાં મૂલ્યો ઉપરથી પ્રક્રિયા-ઉષ્માની ગણતરી કરવાની રીત હેઝના અચળ ઉષ્મા-સરવાળાના નિયમ ઉપર આધાર રાખે છે.

જ. પો. ત્રિવેદી