પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum)
February, 1999
પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય (Natural History Museum) : સંગ્રહાલયનો એક પ્રકાર, જ્યાં વન્ય જીવો આદિનાં શબને ચર્મપૂરણ કરી તેમની પ્રાકૃતિક પશ્ચાદભૂમાં વિહરતાં હોય તે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓને રસપૂર્વક નીરખતો આવ્યો છે. નગર અને ગ્રામીણ વસાહતોના વિસ્તાર સાથે વન્ય પ્રાણીઓ આત્મરક્ષા માટે વનમાં ઊંડાણમાં ખસતાં ગયાં, આથી માણસનો પ્રકૃતિ સાથેનો પ્રાણી, પાદપ અને એવાં બીજાં સ્વરૂપો દ્વારા થતો સંપર્ક ઘટતો ચાલ્યો. રાજાઓ તથા શ્રીમંતો મૃગયા અર્થે વનમાં જઈ પ્રાણીઓની હત્યા કરીને તેમના નમૂના લઈ આવતા. તેમનાં મૃત શરીરોને પૂરેપૂરાં અથવા તેમનાં કેવળ માથાંને મસાલો ભરીને જાળવી રખાતાં ને પ્રદર્શિત કરાતાં. સામાન્ય જનો માટે પ્રકૃતિદર્શન વિરલ બનતું ચાલ્યું. બીજી બાજુ, વસ્તીવિસ્તારને કારણે પ્રાણીઓ માટે નિવાસયોગ્ય સ્થળો ઘટવાથી તેમની કેટલીક જાતિઓ લુપ્ત થવા લાગી. આવાં બધાં કારણોને લીધે, આ જીવસૃષ્ટિનો જીવંત સ્વરૂપમાં કે તેમના મૃત અવશેષોને મસાલા ભરીને પ્રાકૃતિક પરિવેશમાં જાળવી રાખવાનો ઉપક્રમ શરૂ થયો. એ રીતે પ્રકૃતિવિજ્ઞાનનાં રહસ્યોને જાણવામાં સહાયરૂપ થાય એવી પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલયોનું નિર્માણ કરવાની પ્રવૃત્તિનો આરંભ થયો. ઘણાંખરાં બહુલક્ષી સંગ્રહાલયોમાં પ્રકૃતિવિજ્ઞાનનો વિભાગ રાખવામાં આવે છે, તો કેવળ પ્રકૃતિદર્શન કરાવતાં પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલયો પણ હોય છે. બ્રિટનમાં 1779માં બ્રિટિશ મ્યુઝિયમની સ્થાપના થઈ. તેમાં એક વિભાગ પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય(Natural History Museum)નો બન્યો. 1880માં તેનું સંચાલન બ્રિટિશ સંગ્રહાલયથી સ્વતંત્ર થયું. આ પ્રકારનાં વિશ્વનાં બીજાં જાણીતાં સંગ્રહાલયોમાં અમેરિકાનું સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનનું ‘નૅશનલ મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી’, પેન્સિલ્વેનિયા રાજ્યમાં પિટ્સબર્ગનું, ન્યૂયૉર્કનું, લૉસ ઍન્જિલિસનું, જર્મનીમાં બર્લિનનું અને ન્યૂ મૅક્સિકો રાજ્યમાં ફાર્મિંગટનનું સંગ્રહાલય છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયા, કૅનેડા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પ્રકૃતિવિજ્ઞાનનાં સંગ્રહાલયો આવેલાં છે.
ભારતમાં પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના વિષયોનાં સંગ્રહાલયો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી સ્થપાતાં આવ્યાં છે. જીવશાસ્ત્રની ઘણી મહાશાળાઓ અને વિદ્યાલયોની પ્રયોગશાળાઓમાં અભ્યાસના હેતુથી વનસ્પતિ, પ્રાણી, તેમજ ભૂસ્તર-સૃષ્ટિના નમૂનાઓ સચવાઈ રહ્યા છે. ભારતમાં દિલ્હી, દાર્જીલિંગ, મુંબઈ, તિરુવનંતપુરમ્ તથા અમદાવાદમાં પણ પ્રાકૃતિક સંગ્રહાલયો છે. ભારતમાં પ્રાણીઓને લગતાં સાતેક અભયારણ્યો અને વનસ્પતિવિદ્યાનાં બારેક સંગ્રહાલયો આવેલાં છે. આ ઉપરાંત, કેટલાંક બહુલક્ષી સંગ્રહાલયોમાં પણ પ્રકૃતિવિજ્ઞાનના સમૃદ્ધ સંગ્રહનો વિભાગ છે. વનસ્પતિ-વિષયક સંગ્રહાલયોમાં જે તે વનસ્પતિને ઉગાડીને જીવંત સ્વરૂપે ઉદ્યાનમાં સાચવવામાં આવે છે અથવા તેને વૈજ્ઞાનિક રીતે પ્રયોગશાળામાં જાળવવામાં આવે છે. ત્યાં તેના પર્યાવરણની તેમજ વનસ્પતિના વિવિધ ભાગો, પ્રજાતિ આદિની માહિતી અપાય છે. ભારતનાં નોંધપાત્ર પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલયોમાં નીચેનાંનો સમાવેશ થાય છે :
(1) નૅશનલ નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ, દિલ્હી : ભારતનું આ રાષ્ટ્રીય સંગ્રહાલય છે. 1973માં તેની સ્થાપના થઈ. પ્રાકૃતિક વિજ્ઞાનના ત્રણ વિભાગો – વનસ્પતિવિદ્યા, પ્રાણીવિદ્યા અને ભૂસ્તરવિદ્યાને લગતા વિવિધ નમૂનાઓનો સમૃદ્ધ સંગ્રહ અહીં છે.
(2) બૉમ્બે નૅચરલ હિસ્ટરી સોસાયટીનું મ્યુઝિયમ, મુંબઈ : મુંબઈની આ સંસ્થા 1883માં સ્થપાઈ હતી અને તેના તરફથી પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં 1923માં સંયુક્ત પુરુષાર્થ વડે આ વિષયનો વિભાગ સ્થપાયો તથા વિકસાવાયો. આ સંગ્રહ એશિયામાં આ વિષયનો ઉત્તમ સંગ્રહ ગણાય છે. ભારતનાં મહત્ત્વનાં વૃક્ષો તથા પ્રાણીઓના નમૂનાઓ એકત્ર કર્યા છે. આમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, જળચરો, સરીસૃપો અને જંતુઓની વિવિધ પ્રજાતિઓના હજારો નમૂનાઓ છે.
(3) નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ, દાર્જીલિંગ : 1903માં સ્થપાયેલા આ સંગ્રહાલયમાં હિમાલયમાં જ જોવા મળતા વન્ય જીવોનો સંગ્રહ છે.
(4) નૅચરલ હિસ્ટરી મ્યુઝિયમ, તિરુવનંતપુરમ્ : 1855માં સ્થપાયેલા આ સંગ્રહાલયમાં સ્થાનિક પ્રાણીઓ, ભૂસ્તરવિદ્યા વગેરેને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે.
(5) પ્રકૃતિવિજ્ઞાન સંગ્રહાલય, કાંકરિયા, અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના સંચાલન હેઠળ આ સંગ્રહાલય 1974માં ખુલ્લું મુકાયું, જે પ્રાણીસંગ્રહાલયના ભાગ રૂપે છે. આ સંગ્રહાલયનાં સ્થાપના અને વિકાસ પાછળ પ્રાણી-સંગ્રહાલયના ત્યારના વડા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર પ્રકૃતિવિદ રૂબિન ડેવિડનાં પ્રેરણા અને સક્રિય માર્ગદર્શન હતાં. પ્રાણીબાગમાં કુદરતી રીતે મૃત્યુ પામેલાં પશુપક્ષીઓનાં શબને ચર્મપૂરણ કરી, જીવતાં હોય તેવા રૂપમાં પ્રદર્શિત કરેલાં છે. પશુ-પક્ષીઓના 225 જેટલા નમૂનાઓ છે, જેમાં જીવાશ્મો, ઘોરાડ (great Indian bustard), સિંહ, વાઘ, રીંછ અને દીપડા આકર્ષણરૂપ છે.
જિજ્ઞાસુ મુલાકાતીઓ પ્રકૃતિના વૈભવને ઓળખે, જાણે, તેની કદર કરવાનું શીખે અને તેનો આનંદ માણે, અનુભવે તેમાં પ્રકૃતિવિજ્ઞાનના સંગ્રહાલયની સાર્થકતા ગણાય છે.
સોનલ મણિયાર