પ્રકૃતિવાદ (2) : ભારતના સાંખ્યદર્શનનો સૃષ્ટિની ઉત્પત્તિ વિશેનો મત. સાંખ્ય દ્વૈતવાદી છે. તે મૂળભૂત બે તત્વોને માને છે – પ્રકૃતિ અને પુરુષ. પુરુષ ચેતન, નિર્ગુણ, અપરિણામી અને અનેક છે. અહીં ગુણનો અર્થ છે સત્વ, રજસ્ અને તમસ્ – એ ત્રણ ગુણો. પ્રકૃતિ જડ, ત્રિગુણાત્મક પ્રતિક્ષણ પરિણામી અને એક છે. તે જડ હોવા છતાં જ્ઞાનધર્મવાળું બુદ્ધિતત્વ (= મહત્ = ચિત્ત) તેમાંથી આવિર્ભાવ પામે છે. તે ત્રિગુણાત્મક છે એનો અર્થ એ કે સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ દ્રવ્યરૂપ ગુણો તેના સ્વભાવભૂત છે. આ ત્રણ દ્રવ્યરૂપ ગુણો અનુક્રમે સુખાત્મક, દુ:ખાત્મક અને મોહાત્મક છે. વળી, સત્વના ધર્મો પ્રકાશ અને લઘુતા છે, રજસ્ ક્રિયાશીલ અને ચંચલ છે અને તમસ્ અવરોધક અને ગુરુતાયુક્ત છે. પ્રકૃતિ પરિણામી મૂળભૂત તત્વ હોઈ બધાં જ કાર્યોનું તે કારણ છે. સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિના પરિણામરૂપ છે. તેથી પ્રકૃતિનાં બધાં જ કાર્યો પણ ત્રિગુણાત્મક છે. ચિત્ત પણ સુખદુ:ખમોહાત્મક છે અને ઘટ, પટ આદિ કાર્યરૂપ વસ્તુઓ પણ સુખદુ:ખમોહાત્મક છે. નિષ્કર્ષ એ કે સુખ, ઘટ, પટ આદિ વસ્તુગત પણ છે અને ચિત્તગત પણ છે. પ્રકૃતિ એક છે એનો અર્થ એ છે કે મૂલ પ્રકૃતિ અર્થાત્ અવ્યક્ત પ્રકૃતિ એક છે. આ અવ્યક્ત પ્રકૃતિ માટે ‘પ્રધાન’ શબ્દનો પ્રયોગ થાય છે. વ્યક્ત પ્રકૃતિઓ સાત છે  – મહત્તતત્વ, અહંકારતત્વ અને પાંચ તન્માત્રાઓ. આમ અવ્યક્ત અને વ્યક્ત મળીને કુલ આઠ પ્રકૃતિઓ છે. જે તત્વાન્તરને ઉત્પન્ન કરે તે પ્રકૃતિ. એ લક્ષણ આ આઠેય પ્રકૃતિઓને લાગુ પડે છે. પાંચ મહાભૂતોને આ લક્ષણ લાગુ પડતું નથી, કારણ કે તે કોઈ તત્વાન્તરને ઉત્પન્ન કરતાં નથી.

પ્રકૃતિની બે અવસ્થા છે – સામ્યાવસ્થા અને વૈષમ્યાવસ્થા. પ્રકૃતિના સ્વભાવભૂત ત્રણેય ગુણો ચંચલ છે. ગુણોનું પરિણામ ક્ષણ પણ બંધ રહેતું નથી. પ્રલયકાળે પણ પરિણમનક્રિયા ચાલ્યા કરે છે. તે વખતે ગુણો પરસ્પર સંયોજન પામ્યા વિના સ્વતંત્રપણે પરિવર્તિત થયા કરે છે; અર્થાત્ ત્યારે સત્વ સત્વ રૂપે, રજસ્ રજસ્ રૂપે અને તમસ્ તમસ્ રૂપે જ પરિવર્તન પામે છે. તેઓ સાથે મળી તત્વાન્તરને ઉત્પન્ન કરતા નથી. આ અવસ્થામાં ગુણો સમભાવાપન્ન હોય છે, સમબલ હોય છે. એટલે વિસર્દશપરિણામ યા તત્વાન્તરપરિણામ થતું નથી; પરંતુ પ્રલયકાળે પણ પૂર્વ પૂર્વ જન્મોનાં કર્મોના ફલસ્વરૂપ અર્દષ્ટ તો દરેક જીવની સાથે હોય છે. આ અર્દષ્ટ જ્યારે વિપાકોન્મુખ બને છે ત્યારે તમોગુણનો પ્રભાવ ઘટે છે અને પરિણામે સામ્યાવસ્થાનો ભંગ થતાં ક્ષોભ થાય છે. ક્ષોભ એટલે જ ગુણોની વિષમતા, ગુણોનો ગૌણમુખ્યભાવ. પરિણામે ગુણોમાં અભિભાવ્ય–અભિભાવકભાવ થાય છે. આને કારણે ગુણોનું પરસ્પર મિલનરૂપ સંયોજન શક્ય બનતાં તત્વાન્તરપરિણામ યા વિસશપરિણામ થાય છે અને સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.

પ્રકૃતિમાંથી સૌપ્રથમ મહત્ (= બુદ્ધિ = ચિત્ત) આવિર્ભાવ પામે છે, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી એક બાજુ અગિયાર ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન)  અને બીજી બાજુ પાંચ તન્માત્રાઓ અને પછી પાંચ તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતો આવિર્ભાવ પામે છે. આમ આ ક્રમે મૂળ પ્રકૃતિમાંથી 23 તત્વો આવિર્ભાવ પામે છે. ભોજદેવના ‘તત્વપ્રકાશ’ અનુસાર જે પ્રલયકાળ સુધી અવિચ્છિન્ન પ્રવાહ રૂપે અવસ્થાન કરે છે અને જીવોના ભોગને સાધી આપે છે તે તત્વ કહેવાય છે. તેથી ઘટ, પટ, શરીર વગેરે તત્વ ન કહેવાય. તો પછી અવ્યક્ત પ્રકૃતિને તત્વ કેમ ગણાય ? ખરેખર તો કહેવું જોઈએ કે તે તો પ્રલયકાળેય પ્રવાહ રૂપે અવસ્થાન કરતી હોઈ આ તત્વોથી પણ ચઢિયાતું તત્વ છે, મૂલ તત્વ છે.

મહતતત્વ સત્વગુણપ્રધાન છે. તેને બુદ્ધિ યા ચિત્ત પણ કહેવામાં આવે છે. પ્રત્યેક જીવને પોતપોતાની બુદ્ધિ યા મહત્ હોય છે. જોકે બધાં જ બુદ્ધિતત્વો સત્વપ્રધાન છે, તેમ છતાં કેટલીક બુદ્ધિમાં સત્વ અધિક ઉદભૂત હોય છે અને કેટલીકમાં તમસ્. આમ બુદ્ધિ સાત્વિક યા તામસિક હોય છે. સાત્વિક બુદ્ધિના ધર્મો છે – ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય; એથી ઊલટું, તામસિક બુદ્ધિના ધર્મો છે – અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય. બુદ્ધિના આઠ ધર્મોને ‘ભાવસર્ગ’ કહેવામાં આવે છે. નિશ્ચયાત્મક જ્ઞાન (= અધ્યવસાય) બુદ્ધિનો વ્યાપાર છે. બુદ્ધિ જે વસ્તુને જાણે છે, તેના આકારે પરિણમે છે. આ બુદ્ધિપરિણામને બુદ્ધિવૃત્તિ કહેવામાં આવે છે. તે જ નિશ્ચયાત્મક જ્ઞાન છે.

મહત્તતત્વમાંથી અહંકારતત્વનો આવિર્ભાવ થાય છે. તેનો વ્યાપાર(વૃત્તિ) અભિમાન છે. અહંકારતત્વના ત્રણ પ્રકાર છે – વૈકૃત અર્થાત્ સાત્વિક, તૈજસ અર્થાત્ રાજસ, અને ભૂતાદિ અર્થાત્ તામસ. જ્યારે અહંકારમાં રજોગુણ અને તમોગુણને દબાવી સત્વગુણ પ્રબળ બને છે ત્યારે તેવા અહંકારને વૈકૃત અહંકાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહંકારમાં સત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ પ્રબળ બને છે ત્યારે તેવા અહંકારને ‘ભૂતાદિ’ નામે ઓળખવામાં આવે છે અને જ્યારે અહંકારમાં સત્વગુણ અને તમોગુણ દુર્બળ હોય અને રજોગુણ પ્રબળ હોય ત્યારે તેવા અહંકારને ‘તૈજસ’ નામે ઓળખવામાં આવે છે. ત્રિગુણાત્મક અહંકાર એક તત્વ હોવા છતાં ગુણવિશેષના ઉદભવ અને અભિભવ દ્વારા તેનાં જુદાં જુદાં નામો અને કાર્યો સંભવી શકે છે.

આચાર્ય ઈશ્વરકૃષ્ણના મતે વૈકૃત અહંકારમાંથી સત્વગુણપ્રધાન અગિયાર ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. વિજ્ઞાનભિક્ષુના મતે વૈકૃત અહંકારમાંથી મન આવિર્ભાવ પામે છે અને રાજસ અહંકારમાંથી બાકીની દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોનો વ્યાપાર છે આલોચન. આલોચનનો અર્થ મોટાભાગે નિર્વિકલ્પક જ્ઞાન કરવામાં આવે છે. વાક્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ – એ પાંચ કર્મેન્દ્રિયોનો વ્યાપાર અનુક્રમે વચન, ગ્રહણ, ગમન, ઉત્સર્ગ અને આનંદ છે. મનને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઉભયરૂપ ગણવામાં આવ્યું છે. મનની સહાય વિના કોઈ ઇન્દ્રિય પોતાનું કાર્ય સંપાદન કરી શકતી નથી. મનનો વ્યાપાર છે સંકલ્પ અને વિકલ્પ.

ભૂતાદિ અર્થાત્ તમોગુણપ્રધાન અહંકારમાંથી શબ્દતન્માત્રા, સ્પર્શતન્માત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગન્ધતન્માત્રા – આ પાંચ તન્માત્રાઓનો આવિર્ભાવ થાય છે. તન્માત્રાઓના ગુણો વિશે સાંખ્યાચાર્યોમાં મતભેદ છે. કેટલાક પ્રતિતન્માત્રા એક ગુણ માને છે; શબ્દતન્માત્રાનો ગુણ શબ્દ, સ્પર્શતન્માત્રાનો ગુણ સ્પર્શ ઇત્યાદિ. કેટલાકના મતે પૂર્વ પૂર્વ તન્માત્રાના ગુણની અપેક્ષાએ પરવર્તી તન્માત્રામાં એક ગુણ વધુ હોય છે. પરિણામે ગન્ધતન્માત્રામાં પાંચેય ગુણો હોય છે.

પાંચ તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂતોનો આવિર્ભાવ થાય છે. પ્રતિતન્માત્રા એક ગુણ માનનારના મત અનુસાર શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે, તેથી આકાશમાં શબ્દ ગુણ છે. શબ્દતન્માત્રા સંમિલિત સ્પર્શતન્માત્રામાંથી વાયુની ઉત્પત્તિ થાય છે, તેથી વાયુમાં શબ્દ અને સ્પર્શ બે ગુણો છે. શબ્દતન્માત્રા અને સ્પર્શતન્માત્રાની સાથે મળી રૂપતન્માત્રા તેજને ઉત્પન્ન કરે છે તેથી તેજમાં શબ્દ, સ્પર્શ અને રૂપ ત્રણ ગુણો છે. શબ્દતન્માત્રા, સ્પર્શતન્માત્રા અને રૂપતન્માત્રા સાથે મળી રસતન્માત્રા જળને ઉત્પન્ન કરે છે; તેથી જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ચાર ગુણો છે. શબ્દતન્માત્રા, સ્પર્શતન્માત્રા, રૂપતન્માત્રા અને રસતન્માત્રા સાથે મળી ગન્ધતન્માત્રા પૃથ્વીને ઉત્પન્ન કરે છે. તેથી પૃથ્વીમાં શબ્દ વગેરે પાંચેય ગુણો હોય છે. પૂર્વ પૂર્વ તન્માત્રાની અપેક્ષાએ પરવર્તી તન્માત્રામાં એક ગુણ વધુ હોય છે એ મત અનુસાર જે તન્માત્રામાં જે અને જેટલા ગુણ હોય તે તન્માત્રામાંથી ઉત્પન્ન અનુરૂપ મહાભૂતમાં તે અને તેટલા ગુણ હોય છે.

અવ્યક્ત મૂલ પ્રકૃતિ સિવાય સાત વ્યક્ત પ્રકૃતિઓ છે. અવ્યક્ત પ્રકૃતિ પ્રતિપુરુષ ભિન્ન નથી; જ્યારે સાત વ્યક્ત પ્રકૃતિઓ પ્રતિપુરુષ ભિન્ન છે. મહત્(= બુદ્ધિ)થી માંડી પાંચ તન્માત્રા સુધીનાં અઢાર તત્ત્વો સૂક્ષ્મ શરીરનાં ઘટકો છે. આ સૂક્ષ્મ શરીર પ્રતિપુરુષ ભિન્ન  છે અને સૃષ્ટિના પ્રારંભથી માંડી પ્રલય સુધી તેનો અવિચ્છિન્ન પ્રવાહ ચાલે છે; અર્થાત્ તે પ્રતિજન્મ ભિન્ન નથી.

પુરુષનો ભોગ અને અપવર્ગ સાધી આપવો એ પ્રકૃતિની પ્રવૃત્તિ છે. અષ્ટાધીન પુરુષના સાન્નિધ્યને લઈને પ્રકૃતિની સામ્યાવસ્થાનો ભંગ થાય છે. લોહચુંબક કેવળ પોતાના સાન્નિધ્યથી લોહશૂળોને ગતિ કરાવે છે, પરંતુ તે સ્વયં ગતિ કરતું નથી; પુરુષ પણ તેવી રીતે સ્વયં સ્થિર રહી કેવળ પોતાના સાન્નિધ્યથી પ્રકૃતિને કાર્યોન્મુખ કરે છે. પરિણામે, પ્રકૃતિનું તત્વાન્તર પરિણામ થાય છે. ઈશ્વરકૃષ્ણ પંગુ અને અંધના સહકારની ઉપમા દ્વારા પ્રકૃતિની સાથેના પુરુષના સંયોગની ઉપયોગિતા વર્ણવે છે. દેખતો હોવા છતાં પંગુ ચાલી શકતો નથી. બીજી બાજુ, ચાલવાની શક્તિ હોવા છતાં આંધળો રસ્તો જોઈ શકતો નથી; પરંતુ પંગુને જો આંધળાના ખભા ઉપર બેસાડી દઈએ તો પંગુ આંધળાને રસ્તે ચાલવાની દોરવણી આપી શકે. પંગુ અને અંધ પરસ્પર મિલન દ્વારા જે એક સમાન પ્રયોજન સાધે છે તે પ્રયોજન તે બેમાંથી કોઈ એક સ્વતંત્ર રીતે સાધવા શક્તિમાન નથી. આ જ રીતે પુરુષ નિષ્ક્રિય હોવા છતાં ચેતન છે અને પ્રકૃતિ સક્રિય હોવા છતાં અચેતન છે. બંને મળી એક ક્રિયાશીલ ચેતન વ્યક્તિની જેમ કાર્ય કરે છે. એ કાર્ય છે મહતતત્વ વગેરેની ઉત્પત્તિ. ચેતન-નિષ્ક્રિય-પુરુષ અચેતન-પરિણામી પ્રકૃતિને દોરવણી આપે છે, કાર્યોન્મુખ કરે છે. પ્રકૃતિને દોરવણી આપનાર તેની સાથે સંયુક્ત અષ્ટાધીન પુરુષ છે. સ્વયં ક્રિયાશીલ પ્રકૃતિની ક્રિયાને ભોગ તરફ વાળવી કે કૈવલ્ય તરફ વાળવી તે અષ્ટાધીન પુરુષના હાથમાં છે. પુરુષને અષ્ટાધીન એટલા અર્થમાં કહ્યો છે કે તેને અષ્ટ(પૂર્વકર્મ)નું ફળ ભોગવવું પડે છે, પણ ફળ ભોગવતાં મનની સમતા–સ્થિરતા જાળવવી કે નહિ, પ્રાપ્ત પરિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપવો વગેરેમાં પુરુષ સ્વતંત્ર છે.

પ્રકૃતિ નિત્ય પ્રવૃત્તિશીલ હોવા છતાં તેનું સૃષ્ટિકાર્ય બધા પુરુષો માટે સર્વદા ચાલતું નથી. તેના સૃષ્ટિકાર્યનું એક મહત્વનું પ્રયોજન છે, પ્રત્યેક પુરુષને મુક્તિ પ્રાપ્ત કરાવી આપવી. પોતાનું પ્રયોજન સિદ્ધ થતાં પુરુષ તેને ફરીથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો નથી એ હકીકત છે. તેવી જ રીતે પ્રકૃતિ પણ નિત્ય પ્રવૃત્તિશીલ હોવા છતાં જે પુરુષને મુક્તિ સાધી આપે છે તેના પ્રતિ ફરીથી પ્રવૃત્ત થતી નથી. પ્રત્યેક પુરુષનું સૂક્ષ્મ શરીર જુદું છે. પ્રકૃતિ બીજા પુરુષો માટે સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરવા છતાં જે પુરુષે મુક્તિ સંપાદન કરી છે તેને માટે ફરીથી સૂક્ષ્મ શરીર ઉત્પન્ન કરવામાંથી વિરમે છે. નર્તકી જેમ રંગસભામાં નૃત્યપ્રદર્શન કરી નૃત્યમાંથી વિરત થાય છે તેમ પ્રકૃતિ પણ પુરુષ સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી નિવૃત્ત થાય છે. પ્રકૃતિ પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળી છે એવું પુરુષને ભાન કરાવવું તે પ્રકૃતિના સ્વસ્વરૂપપ્રકાશનનો અર્થ છે. નર્તકી તો નૃત્યપ્રદર્શન કરી રંગમંચ પરથી ચાલી ગયા પછીય પ્રેક્ષકોની તેને ફરી જોવાની પ્રબળ ઇચ્છાને વશ થઈ પુન: રંગમંચ પર પ્રવેશ કરે છે; પરંતુ પ્રકૃતિ સામાન્ય નર્તકી જેવી નથી અને પુરુષ સામાન્ય પ્રેક્ષક જેવો નથી. પ્રકૃતિ કુલવધૂથીય વધુ લજ્જાશીલ છે. એટલે જે પુરુષ સમક્ષ તેનું સ્વરૂપ એક વાર પ્રગટ થઈ જાય છે તેની સમક્ષ તે ફરી કદી ઉપસ્થિત થતી નથી અને પુરુષ પણ જેવો એક વાર તેને તેના ખરા  રૂપમાં નિહાળી લે છે એટલે તેની બધી જ તૃષ્ણાઓનો આત્યંતિક વિચ્છેદ થઈ જાય છે. સામાન્ય પ્રેક્ષકની જેમ તે તૃષ્ણાયુક્ત રહેતો નથી.

કેટલાક પ્રકૃતિમાંથી આવિર્ભૂત બુદ્ધિ યા ચિત્તની વૃત્તિઓનું પ્રતિબિંબ પુરુષમાં માને છે. કેટલાક તેમ માનતાં પુરુષના કૂટસ્થ નિત્યત્વને હાનિ થશે એમ ધારી એવું માનતા નથી; પરંતુ બધા જ પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં માને છે. બુદ્ધિરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થઈ કે બુદ્ધિનું પ્રતિબિંબ ઝીલી પુરુષ બુદ્ધિની વૃત્તિઓનો (ખાસ દુ:ખરૂપ વૃત્તિનો) આરોપ પોતાના ઉપર કરે છે. આરોપિત દુ:ખસંયોગ એ બંધન છે. વિવેકજ્ઞાન થતાં અને વૃત્તિનિરોધ થતાં આરોપિત દુ:ખસંયોગ દૂર થાય છે, તે મુક્તિ છે.

ઈશ્વરકૃષ્ણ એક સ્થાને કહે છે : પુરુષ મારો સ્વામી છે એટલે મારે પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થ સાધી આપવા જોઈએ એવા અવળા જ્ઞાનને કારણે પ્રકૃતિ જ પોતાને પોતાના ધર્મ, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અવૈરાગ્ય, ઐશ્વર્ય અને અનૈશ્વર્ય – આ સાત ભાવોથી બાંધે છે; પરંતુ પ્રકૃતિને (પ્રકૃતિના આવિર્ભાવ બુદ્ધિ યા ચિત્તને) જ્યારે વિવેકજ્ઞાન થાય છે કે પુરુષ તો નિર્ગુણ, નિષ્ક્રિય, ઉદાસીન, અસંગ, કેવળ છે ત્યારે તે તેના માટે પોતાને પોતાના સાત ભાવોથી બાંધવાનું છોડી દે છે અને બધા પ્રપંચમાંથી મુક્ત થાય છે. આમ ખરેખર બંધ અને મોક્ષ પ્રકૃતિનો થાય છે, પુરુષનો નહિ.

નગીનભાઈ જીવણલાલ શાહ

વસંત પરીખ