પ્રકૃતિવાદ (naturalism) (1) : પશ્ચિમી સાહિત્યમાં થયેલું એક વિશિષ્ટ આંદોલન. ‘પ્રકૃતિવાદ’ માટે ‘નિસર્ગવાદ’ શબ્દપ્રયોગ પણ થાય છે. તે આંદોલન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી (પહેલાં ફ્રાન્સમાં, પછી તરત જર્મનીમાં) આરંભાઈને વીસમી સદીના પૂર્વાર્ધ સુધી વિસ્તર્યું ને પછી વિરમી ગયું.
આ વાદના મહત્વના પ્રવર્તક ગણાયેલા એમિલ ઝોલાનો નિબંધ ‘ધી એક્સપેરિમેન્ટલ નૉવેલ’(1880) આ વાદનું ઘોષણાપત્ર બની ગયો. એમાં કહેવાયું કે અત્યાર સુધી નવલકથાસર્જક ઘટનાઓનું તદ્રૂપ બનીને આલેખન કરતો હતો; પરંતુ સાચો પ્રયોગશીલ સર્જક તો જે તે ઘટનાનું તાટસ્થ્યપૂર્વક નિરીક્ષણ કરી તેનું આલેખન કરે. તે ઘટનાગત પાત્રોની લાગણીઓનું વસ્તુલક્ષી ર્દષ્ટિએ આલેખન કરે. એક રસાયણશાસ્ત્રી જેમ પદાર્થોને તપાસે, ચકાસે એમ સર્જક પણ પાત્રો-સંવેદનોને, અળગો થઈને તપાસતો રહે. ઘણા અનુગામી સર્જકો એમિલ ઝોલાને અનુસર્યા. પાત્ર કોઈ માઇક્રોસ્કોપ પાછળ મૂકેલી ચીજ તરીકે જોવાતું હોય એવી મોપાસાંની ‘ધ નેકલેસ’ વાર્તા આવા પ્રકૃતિવાદી સાહિત્યનું મહત્વનું ષ્ટાંત ગણાય છે.
એ જ ગાળામાં (1880 આસપાસ) જર્મન સાહિત્યમાં પણ આ વાદનું પ્રવર્તન થયું. કાર્લ હેન્કેલ નામના લેખકે એક કાવ્યસંચયના સંપાદનની પ્રસ્તાવનામાં નવી કવિતાને એના સમયની સર્વ યાતનાઓને – ઝુરાપો અને સંઘર્ષને લાક્ષણિક રીતે ‘રૂપબદ્ધ’ કરતી કવિતા તરીકે ઓળખાવી. એમાં પેલી વૈજ્ઞાનિક તટસ્થતાનું ર્દષ્ટિબિંદુ કેન્દ્રમાં હતું.
જોકે પ્રકૃતિવાદી સિદ્ધાન્ત જેટલો કવિતામાં નહિ એટલો નવલકથા-નાટક જેવાં સ્વરૂપોમાં વધુ સ્પષ્ટતાથી ને ક્ષમતાથી ચરિતાર્થ કરી શકાયો હતો. એમિલ ઝોલાની નવલકથાઓ ઉપરાંત પૅરિસમાંના ‘ધ થિયેટર લાઇબર’નાં પ્રકૃતિવાદી પદ્ધતિએ રજૂ થયેલાં નાટકો, ટૉલ્સ્ટૉયનું ‘પાવર ઑવ્ ડાર્કનેસ’, ઇબ્સનનું ‘ઘોસ્ટ્સ’ આદિ નાટકો એનાં ર્દષ્ટાન્તરૂપ ગણાયાં છે.
નૈસર્ગિક વિજ્ઞાનની – ખાસ કરીને ડાર્વિનના નિસર્ગવિષયક ર્દષ્ટિકોણની – પદ્ધતિઓને સ્વીકારીને પ્રકૃતિવાદે ખરેખર તો વાસ્તવવાદની પરંપરાને જ વિસ્તારી, વધુ શ્રદ્ધેય કરી. આમ છતાં વાસ્તવવાદથી નિસર્ગવાદ એ રીતે જુદો પડે છે કે એમાં તટસ્થ વૈજ્ઞાનિક ર્દષ્ટિબિંદુ કેન્દ્રમાં છે, જે મનુષ્યની આકસ્મિક ભૌતિક સ્વાભાવિકતા ઉપર મદાર બાંધે છે — એની નૈતિક-બૌદ્ધિક ક્ષમતા ઉપર નહિ. મૂલ્યનિર્ણયને એમાં સ્થાન નથી.
આ કારણે પ્રકૃતિવાદી કૃતિઓ મનુષ્યના મૂળભૂત આવેગોને આલેખે છે. એ કૃતિઓમાંનાં પાત્રો આનુવંશિક અને પ્રાકૃતિક સર્જનો તરીકે લાચાર અને અવશ આલેખાય છે. આંતરિક ચિત્તવૃત્તિઓને જ અનુસરતાં આ પાત્રો આર્થિક-સામાજિક દબાણોનો ભોગ બને છે. એથી એક પ્રકારનો નિયતિવાદ આ કૃતિઓમાંથી વ્યંજિત થાય છે. કહી શકાય કે પ્રકૃતિવાદી સર્જકોનું ર્દષ્ટિબિંદુ જીવન અને જગતસંદર્ભે એકંદરે નિરાશાવાદી હતું. આવેગ-અભિવ્યક્તિમાં અ-નિયંત્રિત રહેતાં પાત્રોના નિરૂપણે તેમજ યંત્રવાદે સહજ જીવનમાં જે વિકૃતિ ઊભી કરી એના સ્પષ્ટ આલેખને પ્રકૃતિવાદી સાહિત્યને અનૈતિકતા પ્રસારતું પણ ઠેરવ્યું હતું.
સંપૂર્ણ પરલક્ષિતાનો – વસ્તુલક્ષિતાનો દાવો કરતા પ્રકૃતિવાદી સાહિત્યમાં નિયતિવાદી સિદ્ધાંતોથી ઊભી થયેલી મુશ્કેલીઓ ઓછી નથી. એમાંથી જન્મેલા પૂર્વગ્રહોનો પણ એ ભોગ બન્યું હતું.
આ બધાંને કારણે એ લાંબું ન ચાલ્યો પણ વાસ્તવવાદને વધુ શુદ્ધ ને સમૃદ્ધ કરવામાં તેમજ વિષયોનાં નવાં ક્ષેત્રો રચવામાં એનું મહત્વનું પ્રદાન રહ્યું. કળા કરતાં જીવન સાથે એનું નૈકટ્ય વધારે હતું, એથી આધુનિકતાવાદી આંદોલનોએ પ્રકૃતિવાદનો વિરોધ કર્યો ને વીસમી સદીના ઉત્તરાર્ધના આરંભ લગીમાં તો એ વિરમવા પણ માંડ્યો.
રમણ સોની