પ્રકાશભીતિ (photophobia) : પ્રકાશની હાજરીમાં વધુ પડતું અંજાઈ જવાનો કે પ્રકાશને સહન ન કરી શકાવાનો વિકાર. તેને કારણે પ્રકાશની હાજરીમાં વ્યક્તિની આંખો મીંચાઈ જાય છે. તેમાં પ્રકાશ માટે કોઈ પ્રકારનો માનસિક ભય ન હોવાને કારણે તેને પ્રકાશભીતિને બદલે પ્રકાશલક્ષી અસહ્યતા અથવા પ્રકાશઅસહ્યતા (photophobia) કહેવું વધુ યોગ્ય ગણાય. અતિતીવ્ર પ્રકાશ હોય ત્યારે કે પ્રકાશ સહન ન થઈ શકતો હોય ત્યારે પોપચાં (eyelids) બિડાઈ જાય છે તથા કીકીમાં આવેલી કનીનિકા (pupil) નામનું છિદ્ર બંધ થઈ જાય છે. ફક્ત જો પોપચાં જ સતત બંધ થઈ જાય તો તેને પલકીય સતતસંકોચન અથવા પલકીય સતતબિડાણ (blepherospasm) કહે છે.

આંખના ગોળાની અંદર બે ભાગ આવેલા છે. તેમાંના નેત્રમણિની આગળના ભાગને અગ્રખંડિકા (anterior chamber) કહે છે. કીકીમાં જે ભાગ જોવા મળે છે તે ભાગ આંખની અગ્રખંડિકાનો ભાગ છે. તેમાં જ્યારે ચેપ લાગે ત્યારે તે ભાગ લાલ થાય છે, તેમાં સોજો આવે છે તથા તેમાં પીડા થાય છે. તેને શોથજન્ય વિકાર (inflammatory disorder) કહે છે. આવા સમયે આંખ પર પ્રકાશ પડે ત્યારે પોપચાં સતત બિડાયેલાં રહે છે અને દર્દી પ્રકાશની તીવ્રતાને સહન કરી શકતો નથી. ફ્લ્યૂનો ચેપ લાગે, ઓરી કે ચામડી પર ડાઘા પડ્યા હોય એવો સ્ફોટ (rash) કરતા તાવના વિકારો થાય અથવા ‘આંખ આવવી’ એવા નામે ઓળખાતો નેત્રકલાશોથ (conjunctivitis) નામનો વિકાર થાય ત્યારે પણ પ્રકાશઅસહ્યતા થાય છે. આંખની ફાડમાં કોઈ બાહ્ય પદાર્થ પડે ત્યારે પણ આવું જ બને છે. કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. તેમાં ક્યારેક ઈજા થાય છે કે તેમાં પીડાકારક શોથજન્ય વિકાર ઉદભવે છે. કનીનિકાછિદ્રને ગોળ ફરતા આવેલા પડદાને કનીનિકાપટલ (iris) કહે છે. ક્યારેક તેમાં પણ પીડાકારક શોથજન્ય વિકાર થાય છે. ક્યારેક આંખના બીજા અંદરના ભાગોમાં પીડાકારક સોજો (શોથ, inflammation) ઉદભવે છે. આ બધા જ શોથકારી વિકારોમાં પ્રકાશઅસહ્યતા થાય છે. આવા સમયે શોથનો વિકાર આંખમાં ચચરાટ અથવા ક્ષોભન (irritation) કરે છે. તેને કારણે ઉદભવતી સંવેદનાઓ ત્રિશાખી ચેતા (trigeminal nerve) દ્વારા કેન્દ્રીય ચેતાતંત્રને સંદેશા આપે છે. ત્યાંથી ઉદભવતા આવેગો ચેતાકીય પરાવર્તી ક્રિયા રૂપે પોપચાંનું સતત બિડાણ સર્જે છે. આવી રીતે એક રક્ષણાત્મક ચેતાલક્ષી પરાવર્તી ક્રિયા અથવા પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex) ઉદભવે છે, જે આંખનાં પોપચાંને સતત બંધ કરી દે છે. આ ક્રિયામાં પ્રકાશની સંવેદના લઈ જતી બીજા ક્રમાંકની ર્દષ્ટિચેતા (optic nerve) ખાસ કશો ભાગ લેતી નથી. તેને કારણે આવા વિકારો હોય ત્યારે આંખની ફાડમાં ચામડીને બહેરી કરવાની દવા નાંખીને આ પરાવર્તી ક્રિયાને નાબૂદ કરી શકાય છે. તેથી આ પ્રકારના વિકારોને પ્રકાશની અસહ્યતાના વિકારો કહેવાને બદલે પોપચાંના સતત બિડાણના વિકારો કહેવાનું કેટલાક વિદ્વાનો સૂચન કરે છે.

ક્યારેક કેટલીક વ્યક્તિઓ ઓછા તીવ્ર પ્રકાશને પણ સહન કરી શકતી નથી. સામાન્ય તીવ્રતાવાળા પ્રકાશની હાજરીમાં પણ તેમના ર્દષ્ટિપટલમાંથી સંવેદનાઓ ઉદભવે છે, જે પ્રકાશલક્ષી અસહ્યતાનો વિકાર સર્જે છે. આ પ્રકારની ચેતાલક્ષી પરાવર્તી ક્રિયામાં કનીનિકાછિદ્રનું પણ સતત બિડાણ થાય છે. તેમાં પ્રકાશની સંવેદના લઈ જતી બીજા ક્રમાંકની ર્દષ્ટિચેતા પણ ભાગ ભજવે છે. આવું ખાસ કરીને ત્વકીય અવર્ણકતા (albinism) નામના એક જન્મજાત વિકારમાં જોવા મળે છે. તેમાં દર્દીની ચામડીમાં રંગના કણો હોતા નથી, તેથી તે ભૂરિયા દેખાય છે.

આંખની રચના. (અ) બાહ્ય દેખાવ, (આ) ઊભો છેદ, (1) ભ્રમર,  (2) અશ્રુગ્રંથિ, (3) પલક (પોપચું), (4) પાંપણ, (5) અશ્રુનલિકા છિદ્ર, (6) અશ્રુપોટી, (7) અશ્રુવાહિની, (8) નાક, (9) નેત્રકલા, (10) કનીનિકા, (11) કનીનિકાપટલ, (12) સ્વચ્છા, (13) કીકી (11થી 12), (14) આંખની ફાડ, (15) અગ્રખંડિકા

હિમ પરથી પરાવર્તિત થઈને આવતો તેજસ્વી પ્રકાશનો પુંજ, વીજચાપ (electric arc) કે અન્ય અતિપ્રકાશિત સાધન કે સપાટી પરથી આવતા પ્રકાશનાં તીવ્ર કિરણો આંખમાં પ્રકાશજન્ય નેત્રવિકાર (photophthalmia) સર્જે છે. પ્રકાશનાં કિરણો તથા પારજાંબલી કિરણોને કારણે થતા આંખોના આ વિકારને પ્રકાશજન્ય નેત્રવિકાર કહે છે. આવા દર્દીમાં પ્રકાશનાં કિરણોની હાજરીમાં તીવ્ર પ્રકારની પ્રકાશ-અસહ્યતા થાય છે. આધાશીશી અથવા અર્ધશીર્ષપીડા (migraine), ત્રિશાખી ચેતાપીડ (trigeminal neuralgia) કે આંખમાં હર્પિસજૂથના વિષાણુથી થતા ચેપજન્ય શોથમાં પણ પ્રકાશઅસહ્યતા થાય છે. ક્યારેક કોઈક વ્યક્તિ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરાવવાના માનસિક વિકારની ભોગ બનેલી હોય છે. તેને ધ્યાનકર્ષણલક્ષી મનોવિકાર (hysteria) કહે છે. તે સમયે અથવા છેતરપિંડી કરવાના હેતુથી (malignering) થતી ક્રિયા રૂપે પણ ક્યારેક પ્રકાશઅસહ્યતાના વિકાર જેવી સ્થિતિ સર્જાઈ હોય એવું જોવા મળે છે.

વિકિરણજન્ય કે કિરણોત્સર્ગી નેત્રવિકાર (radiation induced eye injury) : તે વિવિધ પ્રકારનાં વિકિરણોથી ઉદભવે છે. તેના ત્રણ પ્રકાર હોય છે. તેમાં ઉષ્ણતાજન્ય (thermal) ઈજા, અજૈવી ઈજા (abiotic injury) તથા આયનકારી કિરણોત્સર્ગી ઈજા(ionizing radiation injury)નો સમાવેશ થાય છે. વીજચાપ જેવાં તીવ્ર પ્રકાશ સર્જતાં સાધનોમાંથી નીકળતાં અધોરક્ત (infrared) કિરણો ગરમી (ઉષ્ણતા) ઉત્પન્ન કરીને આંખને ઈજા કરે છે. કાચની ફૅક્ટરીમાં કે ભઠ્ઠીમાં કામ કરતા કામદારોને ક્યારેક આ પ્રકારની ઈજા થાય છે અને મોતિયો વહેલો આવી જવાની સંભાવના ઉદભવે છે. વીજચાપ (electrical arc) કે ઑક્સિએસિટિલીન જ્યોતની મદદથી ધાતુઓને એકબીજી સાથે જોડવામાં આવે છે. તેને ધાતુસંધાન (welding) કહે છે. આ પ્રકારનું કામ કરતા કામદારો જો કામના સમયે યોગ્ય પ્રકારનાં ચશ્માં ન પહેરે તો પારજાંબલી કિરણોને કારણે તેમની આંખને ઈજા થવાનો ભય રહે છે. તેને પ્રકાશજન્ય નેત્રવિકાર (photophtalmia) કહે છે. પહેલાં લગભગ 6થી 9 કલાક સુધી ખાસ કોઈ લક્ષણો કે તકલીફો થતાં નથી. તેને લક્ષણવિહીન કાળ (latent period) કહે છે. તે પછી વિવિધ લક્ષણો કે તકલીફો દેખાવા માંડે છે. સૌપ્રથમ બંને આંખોમાં કશુંક પડ્યું હોય એવું લાગવા માંડે છે. તે સમયે પીડા, આંસુ વહેવાનું તથા પોપચાંનું સતત બિડાણ થવા માંડે છે. આંખની ફાડમાંના પારદર્શક આવરણરૂપ નેત્રકલા (conjuctiva) પર લાલાશ કરતો સોજો થઈ આવે છે. કીકીના સ્વચ્છા નામના પારદર્શક આવરણ પર નાનાં ચાંદાં પડ્યાં હોય છે, જે ફ્લોરેસીન નામના દ્રવ્યને આંખમાં નાંખીને દર્શાવી શકાય છે. નેત્રમણિમાં કોઈ વિકાર થયેલો હોતો નથી. સામાન્ય રીતે 48 કલાકમાં આ વિકાર શમે છે. આયનકારી વિકિરણો લાંબે ગાળે આંખમાં ગાંઠ સર્જે છે. અધોરક્ત કે પારજાંબલી કિરણોથી થતી ઈજા સામે રક્ષણ માટે સાદાં કાળાં ચશ્માં ઉપયોગી છે. આયનકારી વિકિરણોથી રક્ષણ મેળવવા માટે 2 મિમી. જાડા સીસાના પતરાનું આવરણ જરૂરી છે. જો પ્રકાશજન્ય નેત્રવિકાર થાય તો ઠંડા પાણીનાં પોતાં વડે, ઝાયલોકેઇન જેવી ચામડીને બહેરી કરતી દવાનાં આંખમાં નાંખવાનાં ટીપાં વડે તથા કનીનિકાપટલ સ્વચ્છા સાથે ચોંટી ન જાય તે માટે ઍટ્રોપીન તથા કૉર્ટિકોસ્ટિરૉઇડનાં ટીપાં વડે સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ