પ્રકાશમ્ : આંધ્ર રાજ્યમાં આવેલો જિલ્લો. તેની ઉત્તરે અને ઈશાનમાં ગુંટુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે નેલોર જિલ્લો, નૈર્ઋત્યમાં કડાપ્પા જિલ્લો, પશ્ચિમે કર્નુલ જિલ્લો તથા વાયવ્યમાં મહેબૂબનગર જિલ્લો આવેલા છે. જિલ્લાનો કુલ વિસ્તાર 17,626 ચોકિમી. જેટલો છે. કિનારાથી અંદર તરફનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિભાગથી બનેલું છે, કિનારાથી પશ્ચિમ તરફ પૂર્વ ઘાટની ટેકરીઓ સુધીનો ઢોળાવ ધીમે ધીમે ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પલ્લેરુ નદી આ વિસ્તારમાં થઈને વહે છે.

જિલ્લાનું અર્થતંત્ર આ મેદાની વિભાગના કૃષિપાકો પર આધારિત છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, બાજરી, શેરડી, તમાકુ અને નારિયેળનો સમાવેશ થાય છે. સુતરાઉ કાપડ અને કપડાં, ચિનાઈ માટીમાંથી બનતી ચીજવસ્તુઓ, પિત્તળ અને ઍલ્યુમિનિયમનાં વાસણો જેવા ઉદ્યોગો અહીં વિકસ્યા છે. આ જિલ્લામાં આવેલાં જિલ્લામથક ઓંગોલે ઉપરાંત ગિડ્ડાલુર, કુંબુમ્, માર્કાપુર, કંડુકુર, વેટાપાલેમ તથા ચિરાલા જેવાં નગરો રસ્તા તેમજ રેલમાર્ગથી જોડાયેલાં છે. 1991 મુજબ જિલ્લાની વસ્તી 23,14,442 જેટલી છે. જિલ્લામથક ઓંગોલેની વસ્તી 1,28,128 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા