પ્રકટીકરણ (development) : અર્દશ્ય વસ્તુને પ્રકટ કરીને ર્દશ્યમાન કરવું તે. છબીકલાની દુનિયામાં ફિલ્મ કે કાગળ પર ચિત્ર દેખાય તેમ તેના પર ડાર્કરૂમમાં કરવામાં આવતી રાસાયણિક પ્રક્રિયા માટે પ્રયોજાતા ‘ડેવલપમેન્ટ’નો આ પર્યાય છે.
તસવીર ઝડપતી વખતે કૅમેરાની અંદર, પ્રકાશર્દશ્ય ચિત્ર માટેની પૉઝિટિવ ફિલ્મ સિવાયની ફિલ્મ પર અંકિત થયેલ પ્રતિમા પ્રચ્છન્ન અને ઊલટી (નેગેટિવ) હોય છે. ફિલ્મને ડેવલપ કરવા માટે એક તાસકમાં (1) મેટોલ, (2) સોડિયમ સલ્ફાઇટ એન્હાઇડર, (3) હાઇડ્રોક્વિનાઇન, (4) સોડિયમ કાર્બોનેટ એન્હાઇડર, (5) પોટૅશિયમ કાર્બોનેટ અને (6) પોટૅશિયમ બ્રૉમાઇડ જેવાં રસાયણોમાંથી બનાવેલ ડેવેલપર નામનું દ્રાવણ રાખેલું હોય છે. બજારમાં વિવિધ પ્રકારનાં ડેવલપર તૈયાર પણ મળે છે. રાસાયણિક પ્રક્રિયા માટે, ડાર્કરૂમમાં ફિલ્મને ખોલીને સૌથી પહેલાં ઠંડા સ્વચ્છ પાણીથી ભરેલી તાસકમાં આખી ફિલ્મને પલાળવામાં આવે છે. પછી તરત જ તેને ફિલ્મ ડેવલપર ભરેલી બીજી તાસકમાં ડુબાડી દેવામાં આવે છે અને એક છેડાથી બીજા છેડા સુધી ફિલ્મને ડેવલપરની અંદર સતત હલાવતાં રહેવું પડે છે. આશરે 20° સે. તાપમાનમાં દોઢથી બે મિનિટની પ્રક્રિયા દરમિયાન ફિલ્મ પર પ્રતિમા ઊપસી આવે છે. પછી ત્રીજી તાસકમાં ભરેલા ઠંડા પાણીમાં દસેક સેકંડનો સ્ટૉપબાથ આપવાથી પ્રક્રિયા લગભગ અટકી જાય છે. પછી ચોથી તાસકમાં ભરેલા હાઇપોમાં પાંચેક મિનિટ સુધી ડુબાડી રાખવાથી ફિલ્મ પરની પ્રતિમા સ્થાયી થઈ જાય છે. હવે ડાર્કરૂમમાં બત્તી ચાલુ કરાય છે. છેલ્લે, ફિલ્મને ઠંડા સ્વચ્છ વહેતા પાણીમાં પંદરેક મિનિટ સુધી ધોવાથી ફિલ્મ પરનું બધું જ દ્રાવણ નીકળી જાય છે, જેથી ભવિષ્યમાં કોઈ દિવસ નેગેટિવ પીળી પડતી કે બગડતી નથી. ત્યારપછી, ફિલ્મને રજ લાગે નહિ એવી જગ્યાએ સૂકવી દેવામાં આવે છે.
નેગેટિવ પરથી છબી તૈયાર કરવાની પ્રક્રિયાને ‘પ્રિન્ટિંગ’ કહે છે. તેના બે પ્રકાર છે : (1) કૉન્ટૅક્ટ પ્રિન્ટિંગ, અને (2) એન્લાર્જમેન્ટ. આ બંને વિધિમાં છબીકલા માટેના ખાસ કાગળ પર નેગેટિવ-સોંસરવો સફેદ પ્રકાશ અપાય છે. આ માટે ડાર્કરૂમમાં તદ્દન અંધારાને બદલે લાલ બત્તી સતત રાખવાની હોય છે. લાલ પ્રકાશની અસર કાગળ પર થતી નથી અને ઝાંખું પણ બધું જોઈ શકાય છે. કૉન્ટૅક્ટ પ્રિન્ટ્રિંગમાં કાગળને નેગેટિવ સાથે કાચથી દાબીને તેના નેગેટિવ ઉપર પ્રકાશ પાડવામાં આવે છે, જેથી નેગેટિવમાંની પ્રતિમા કાગળ ઉપર પ્રચ્છન્ન રૂપમાં છપાઈ જાય છે, જ્યારે છબી મોટી કરવા માટે એન્લાર્જરમાં લેન્સ અને વિદ્યુત-બલ્બની વચ્ચે નેગેટિવને ગોઠવવામાં આવે છે અને કાગળને ઇચ્છિત માપ મુજબના અંતરે ગોઠવાય છે. એન્લાર્જરના બલ્બથી અપાયેલો પ્રકાશ નેગેટિવ અને લેન્સ-સોંસરવો કાગળ પર પડે છે અને ત્યાં પ્રચ્છન્ન પ્રતિમા છપાઈ જાય છે.
આ બંને વિધિઓમાં પ્રકાશગ્રસ્ત કાગળને ડેવેલપર ભરેલી તાસકમાં ડુબાડવામાં આવે છે અને કાગળ પરની પ્રચ્છન્ન પ્રતિમા ધીરે ધીરે જાદુની જેમ પ્રકટ થાય છે. અર્ધી મિનિટ બાદ એ પ્રતિમાનું વધારે ઊપસવાનું અટકે ત્યારે બીજી તાસકમાં ભરેલ સ્વચ્છ પાણીમાં પાંચેક સેકંડનો સ્ટૉપબાથ આપીને પ્રતિમાને સ્થાયી કરવા ત્રીજી તાસકમાં રાખેલ હાઇપોમાં એને ડુબાડી રાખવામાં આવે છે. પાંચેક મિનિટ પછી બત્તી ચાલુ કરીને તેના અજવાળામાં તૈયાર થઈ ગયેલી તસવીરને નિહાળી શકાય છે. તસવીરને હાઇપોમાં પંદરેક મિનિટ રાખીને વહેતા સ્વચ્છ પાણીમાં 15થી 20 મિનિટ સુધી ધોવાથી કાગળ પરનું બધું રસાયણ નીકળી જાય છે. આમ પ્રકટીકરણ પૂરું થાય છે અને વર્ષો સુધી એ છબી ઝાંખી કે પીળી પડતી નથી.
રમેશ ઠાકર