પ્યોંગયાંગ (Pyongyang) : એશિયા ખંડની પૂર્વમાં આવેલા ઉત્તર કોરિયા દેશનું પાટનગર. તે 39° 01´ ઉ. અ. અને 125° 45´ પૂ. રે. પર દેશના વાયવ્ય ભાગમાં ગીચ વસ્તીવાળા પ્રદેશમાં આવેલું છે. દેશની પશ્ચિમે આવેલા પીળા સમુદ્રના ભાગરૂપ પશ્ચિમ કોરિયા ઉપસાગરના કિનારાથી તે આશરે 48 કિમી.ને અંતરે અંદરના ભૂમિભાગમાં વસેલું છે. તે તાએડોન્ગ (Taedong) નદીના બંને કાંઠે આવેલા વિશાળ સપાટ મેદાનમાં પથરાયેલું છે. પ્યોંગ એટલે ‘વિશાળ તેમજ સપાટ’ અને યાંગ એટલે ‘મેદાન’ એવો તેનો અર્થ થતો હોવાથી આ શહેરના ‘પ્યોંગયાંગ’ નામની સાર્થકતા સમજાય છે.

આબોહવા : આ શહેર સમુદ્રની નજીક આવેલું ગણાતું હોવા છતાં (વાસ્તવમાં તે 48 કિમી.ને અંતરે અંદરના ભાગમાં છે.) તેની આબોહવા પર સમુદ્રની કોઈ ખાસ અસર વરતાતી નથી. ઉત્તર ચીન અને મંચુરિયાની જેમ અહીં વિષમ આબોહવાની પરિસ્થિતિ રહે છે. શિયાળા અતિશય ઠંડા હોય છે, જાન્યુઆરીનું સરેરાશ તાપમાન
–8° સે. રહે છે; જ્યારે ઉનાળા ગરમ અને ભેજવાળા હોય છે. જુલાઈનું સરેરાશ તાપમાન 21° સે.થી ઊંચું રહે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ જુલાઈ–ઑગસ્ટમાં પડી જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 940 મિમી. જેટલું રહે છે.

પરિવહન : આ શહેર ઉત્તર કોરિયાનું રેલપરિવહન–સંકુલનું કેન્દ્ર છે. તે મૉસ્કો તથા બેજિંગ સાથે પણ સીધી આંતરરાષ્ટ્રીય રેલસેવાથી સંકળાયેલું છે. આ રેલમાર્ગ વીજસેવાથી ચાલે છે. આ શહેરથી આશરે 16 કિમી. દૂર ઉત્તરમાં સુસાન (Susan) હવાઈ મથક આવેલું છે, જ્યાંથી તે હવાઈ માર્ગે બેજિંગ, ઇર્કુટ્સ્ક, મૉસ્કો, ઓમ્સ્ક વગેરે સાથે સંકળાયેલું છે. પૂર્વ કિનારા પર ઈશાન ભાગમાં આવેલા ચોંગ્જીન અને પ્યોંગયાંગ વચ્ચે નિયમિત આંતરિક હવાઈ ઉડ્ડયનની સેવા ચાલે છે. પશ્ચિમ કિનારા પર તાએડૉન્ગ નદીના મુખ પર આવેલા નામ્પો (Nampo) સુધી દરિયાઈ જહાજો અવરજવર કરે છે, જ્યારે નદીના જળમાર્ગે નામ્પો ને પ્યોંગયાંગ સીધી રીતે સંકળાયેલાં છે, જેના દ્વારા મુસાફરોની અવરજવર અને માલસામાનની નિયમિત હેરફેર માટેની સગવડ મળી રહે છે.

આધુનિક તેમજ પ્રણાલિકાગત કોરિયન સ્થાપત્યકલાના સમન્વયસમાં ભવનોથી શોભતો
પ્યોંગયાંગ શહેરનો હાર્દરૂપ ભાગ

સુવિધાઓ અને ઉદ્યોગો : ઉત્તરમાં આવેલી યાલુ (Yalu) નદી દ્વારા આ શહેરને જળવિદ્યુત-પુરવઠો મળી રહે છે. વધારામાં એક તાપવિદ્યુતમથક (5 લાખ કિવૉ.) દ્વારા પણ વીજઉત્પાદન થાય છે. આ શહેરની નજીકમાંથી જ કોલસો મળી આવે છે. તેનો  ઉપયોગ કારખાનાંમાં થાય છે. અહીં ખાદ્ય ચીજવસ્તુઓ પર પ્રક્રિયા કરવાના તથા કાપડને લગતા ઉદ્યોગો આગળ પડતા છે. સુતરાઉ, ગરમ, રેશમી, રેયૉન વગેરે કાપડનાં કારખાનાં દ્વારા અનેક લોકો રોજી મેળવે છે. આ શહેરમાં ખાંડ, રબર અને સિરૅમિકનાં કારખાનાં તેમજ રેલવેની વર્કશૉપ પણ છે. મોટાભાગના શ્રમિકો કોરિયનો જ છે; જાપાનીઓ અને ચીની લોકોનું પ્રમાણ ઓછું છે.

જોવાલાયક સ્થળો : આ શહેરમાંનાં કેટલાંક પ્રાચીન સ્થાપત્યો હજી પણ અકબંધ જળવાઈ રહ્યાં છે, ધ્વસ્ત થયેલાં કેટલાંક સ્થાપત્યોનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. આ પૈકીનું ‘ચોલીમા’ (Chollima) નામે ઓળખાતું પાંખોવાળા ઊડણ ઘોડાવાળું પૂતળું સૌથી વધુ આકર્ષક છે. પાયામાંની પગથી સહિતની પૂતળાની ઊંચાઈ 45.8 મીટર જેટલી છે. આધુનિક બાંધકામો પૈકી ગ્રાન્ડ થિયેટર, વિશાળ ભૂગર્ભ થિયેટર, સ્ટેડિયમ, ઑર્ક્યૂ સભાગૃહ વગેરેનો સમાવેશ થાય છે. અહીં યુનિવર્સિટી, હૉસ્પિટલ, પ્રાણી-સંગ્રહાલય, અસંખ્ય ઉદ્યાનો તેમજ આનંદપ્રમોદનાં કેન્દ્રો પણ છે. શિયાળામાં બરફ સ્કેટિંગ, સ્લેજિંગ અને સરકવાની રમતોની તેમજ ઉનાળાની ઋતુમાં નદીમાં બોટિંગ-નૌકાવિહારની વ્યવસ્થા પણ છે. આ નગરની વસ્તી 26,53,000 (1987) જેટલી છે.

ઇતિહાસ : પૌરાણિક આખ્યાયિકાઓમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર કોરિયાનું આ સ્થળ ઘણું પ્રાચીન હોવાનું મનાય છે. ઈ. પૂ. 2333માં તે તાંગુન (Tangun) રાજવંશનું પાટનગર હતું. આજના આ શહેરના સ્થળની સ્થાપના ઈ. પૂ. 1222માં થયેલી છે. ઈ. પૂ. 108માં ચીને તેના પર આક્રમણ કર્યું અને ત્યારથી ઈ. સ. 313 સુધી તેના પર રાજ્ય કર્યું. ત્યારબાદ નાનાં નાનાં ઘણાં રાજ્યોએ તેના પર શાસન કર્યું. ઈ. સ. 427માં તે કોગુર્યો (Koguryo) રાજવંશનું પાટનગર હતું. 7મી સદીમાં ચીને તેના પર આક્રમણ કરેલું, તે પછી આ રાજવંશનો અસ્ત થયો. ઈ. સ. 918થી 1332 દરમિયાન તેના પર કોર્યો (Koryo) રાજવંશની આણ પ્રવર્તતી હતી. 1359માં જાપાને તેને કબજે કરેલું. 1592માં ફરી વાર તેના પર જાપાને આક્રમણ કર્યું ત્યારે આ નગર સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું. એક વર્ષ પછી કોરિયન અને ચીની લશ્કરો વચ્ચે અહીં લોહિયાળ જંગ ખેલાયેલો. આ નગર પર 34 વર્ષ પછી મંચુ (Manchus) સૈન્યે કબજો મેળવ્યો અને તેને સળગાવ્યું.

વિદેશવ્યાપારના હેતુ માટે તાએડોંગ નદીમાં હંકારી લવાયેલા અમેરિકી જહાજને 1866માં અહીંના લોકોએ બાળી નાખ્યું અને તેના પરના વિદેશી નાગરિકોને મારી નાખ્યા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં કોરિયામાં વિદેશીઓને પ્રવેશ માટે છૂટ મળી. ત્યારપછી આ નગર ખ્રિસ્તી ધર્મનું મહત્વનું કેન્દ્ર બન્યું. અહીં લગભગ 100થી પણ વધુ દેવળો (ચર્ચ) બાંધવામાં આવ્યાં. 1880માં અન્ય એશિયાઈ નગરોની તુલનાએ આ નગરમાં પ્રૉટેસ્ટંટ સમાજસેવકો(મિશનરીઓ)નું પ્રમાણ સૌથી વધુ હતું. તે સિનો-જાપાનીઝ યુદ્ધ(1894–95)નું મુખ્ય નિશાન બન્યું, જેમાં તેને ઘણું મોટું નુકસાન વેઠવું પડ્યું. આ યુદ્ધને પગલે પગલે મરકી(પ્લેગ)નો રોગ ફેલાવાથી 1895માં તે લગભગ ખાલી થઈ ગયું. 1910થી 1945 સુધી તે જાપાનના કબજા હેઠળ રહ્યું. આ દરમિયાન તેને ઔદ્યોગિક મથક તરીકે બાંધવામાં અને વિકસાવવામાં આવ્યું. ઉત્તરોત્તર તેની વસ્તીમાં ઝડપથી વધારો થતો રહ્યો. આ નગર ત્યારે બીજા વિશ્વયુદ્ધના વિનાશની અસરમાંથી મુક્ત રહ્યું હતું.

કોરિયન યુદ્ધ (1950–53) દરમ્યાન તે 1950માં યુ.એસ.નાં લશ્કરી દળોના કબજા હેઠળ આવ્યું; પરંતુ ટૂંક સમયમાં જ ફરીથી તેના પર ચીની અને કોરિયન સામ્યવાદી દળોએ કબજો મેળવ્યો. બાકીના યુદ્ધના ગાળામાં તેના પર યુ.એસ. દળોએ ભારે બાબમારો કર્યો, પરિણામે તે લગભગ નષ્ટપ્રાય થઈ ગયું. 1953 પછીથી સોવિયેટ સંઘ અને ચીનની મદદથી ફરીથી આ નગર ઊભું કરવામાં આવ્યું.

મૂળ પ્યોંગયાંગ નગર તાએડોંગ નદીના ઉત્તર કિનારા પર બાંધવામાં આવેલું હતું, પણ પછીથી તો તે ચારે બાજુએ વિસ્તરતું ગયું. આજે તેના નવા આવાસો નદીના દક્ષિણના કાંઠા પર આવેલા છે. આ નદી ઘણા પુલો ધરાવે છે; એટલું જ નહિ, તેના વહેણને ઊંડું અને એકદમ સીધું કરવામાં આવેલું છે. તેની બાજુમાં આવેલી ટેકરીઓ પર ઉદ્યાનો, આનંદપ્રમોદનાં કેન્દ્રો તથા શૈક્ષણિક સંસ્થાઓ ઊભાં કરવામાં આવેલાં છે.

બીજલ પરમાર