પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો.
આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી જાય છે. અંતે જ્યારે એક પુરુષમાં તેને સાચા પ્રેમનાં કિરણો દેખાય છે ત્યારે તેને બીજા ‘ભવ’માં પામવાનો મત વ્યક્ત કરીને, આદર્શનો કૃત્રિમ આશ્રય લઈને, તેના જીવનમાંથી ખસી જાય છે.
કેટલાક વિવેચકોની ર્દષ્ટિએ લેખકની આ કૃતિ નવલકથા નહિ, પરંતુ લાંબી વાર્તાનાં લક્ષણો ધરાવે છે.
જયંત રેલવાણી