પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી હતી. તેમના સંગીતથી પ્રભાવિત થયેલા દેશના ઘણા રાજા-મહારાજાઓએ તેમને સુવર્ણચંદ્રકો આપ્યા હતા.

પ્યારેસાહેબ

પ્યારેસાહેબ ઠૂમરી, દાદરા તથા ગઝલના નિષ્ણાત ગાયક હતા. તેમનો અવાજ અત્યંત સુરીલો તથા બારીક હતો. એમની કેટલીક રેકર્ડ સાંભળતાં કોઈ સ્ત્રી ગાઈ રહી હોય તેવો ભાસ સાંભળનારાઓને થયા વગર રહે નહિ. ખમાજ રાગની ‘છબી દિખલા જા બાંકે સાંવરિયા’ – એ ઠૂમરી તથા ‘કર લે સિંગાર’ એ આસાવરીનું ગીત આજે પણ જાણીતાં છે.

હ્રષિકેશ પાઠક