પોષણ, નવજાતશિશુ(neonate)નું : નવા જન્મેલા બાળકનું પોષણ. ગર્ભશિશુ (foetus) તેની ઊર્જા(શક્તિ)ની જરૂરિયાત માટે માતાના લોહીમાંના ગ્લુકોઝ પર આધાર રાખે છે. જન્મ પછી થોડાક કલાક માટે નવજાત શિશુ તેના સ્નાયુ અને યકૃત(liver)માં સંગ્રહાયેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવીને ઉપયોગ કરે છે. પરંતુ નવજાત શિશુનું યકૃત હજુ પૂરું વિકસેલું ન હોવાને કારણે તે પ્રોટીન કે ચરબીમાંથી ગ્લુકોઝ બનાવી શકતું નથી. તેથી તેનું ગ્લુકોઝનું લોહીમાંનું સ્તર ઘટીને 30થી 40 મિગ્રા./ડેસિલિટર જેટલું થઈ જાય છે. આ સમયે નવજાત શિશુ તેનામાં સંગ્રહાયેલાં ચરબી અને પ્રોટીનનાં રાસાયણિક પરિવર્તનો કરીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. લગભગ 2થી 3 દિવસમાં તેને માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં મળતું થાય છે. શિશુઓના શરીરમાં પાણીની આવકજાવક પુખ્ત વયની વ્યક્તિ કરતાં સાતગણી હોવાને કારણે તેમનાંમાં પાણીનું સંતુલન જાળવવું મહત્ત્વનું બને છે. માતાના દૂધનું પ્રમાણ પૂરતું પાણી આપી શકે તેટલું વધે ત્યાં સુધીમાં નવજાત શિશુ પ્રથમ 2થી 3 દિવસમાં 5 % કે 10 %થી માંડીને 20 % જેટલું વજન ગુમાવે છે. આ વજનનો ઘટાડો પાણીના ઘટાડાને લીધે થાય છે. બીજા 10 દિવસમાં ફરીથી તેનું વજન વધીને જન્મ સમય જેટલું થઈ જાય છે.
સામાન્ય રીતે નવજાત શિશુ અને બાળકોની ખોરાક પચવવાની, પચેલા ખોરાકનું અવશોષણ કરવાની કે તેનું રાસાયણિક પરિવર્તન (ચયાપચય metabolism) કરવાની ક્ષમતા સરખી હોય છે ? પરંતુ તેમાં મુખ્ય ત્રણ તફાવતો છે : (અ) નવજાત શિશુના આંતરડામાં સ્વાદુપિંડમાં બનતો કાર્બોદિત પદાર્થો(શર્કરા)ને પચવતો ઉત્સેચક ઓછા પ્રમાણમાં હોય છે. આવી સ્વાદુપિંડી શર્કરાપાચક(pancreatic amylase)ની ઊણપને કારણે તે સ્ટાર્ચનું પચન બરાબર કરી શકતું નથી. (બ) નવજાત શિશુ ચરબીનું અવશોષણ બરાબર કરી શકતું નથી. (ક) નવજાત શિશુનું યકૃત પૂરતું કાર્ય કરી શકતું ન હોવાથી લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધઘટ થયા કરે છે. જોકે નવજાત શિશુ પ્રોટીનના મોટા અણુઓ બનાવવામાં (સંશ્લેષણ) અને તેમનો સંગ્રહ કરવામાં પૂરતું સક્ષમ હોય છે. તેથી જે કાંઈ આહાર તે મેળવે તેમાંના 90 % ઍમિનોઍસિડમાંથી તે શારીરિક પ્રોટીન બનાવે છે. પુખ્ત વયે આટલો ઊંચો દર કદી જોવા મળતો નથી. નવજાત શિશુનો ચયાપચયનો દર લગભગ બમણો હોય છે. તેવી રીતે તેના શરીરના દળ (mass) કરતાં સપાટીનું ક્ષેત્રફળ ઘણું વધારે હોય છે. તેથી તે ઝડપથી ગરમી ગુમાવે છે અને ઝડપથી તેના શરીરનું તાપમાન ઘટે છે. આ વિવિધ પરિબળોને કારણે તેની પોષણ અંગેની જરૂરિયાત વધુ હોય છે. જો માતાનો આહાર પૂરતો હોય તો જન્મ-સમયે નવજાત શિશુ પોષણની દૃષ્ટિએ પૂરેપૂરા સંતુલનમાં હોય છે. વળી નવજાત શિશુનો અન્નમાર્ગ પણ પૂરતો અને યોગ્ય આહાર મળે તો તેને પચવવા તથા તેનું અવશોષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે. નવજાત શિશુઓના પોષણમાં ત્રણ મહત્ત્વની સમસ્યાઓ રહે છે :
(1) નવજાત શિશુના હાડકાં બનવાનું તથા તેમાં કૅલ્શિયમ જમા થવાનું સતત ચાલુ રહે છે. માટે તેને સમગ્ર શિશુ અવસ્થામાં કૅલ્શિયમની વધુ જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં દૂધ આપવાથી તે જરૂરિયાત સંતોષાય છે, પરંતુ વિટામિન-ડીની ગેરહાજરી હોય તો કૅલ્શિયમ ઓછા પ્રમાણમાં લોહીમાં ભળે છે તેથી જેઓને વિટામિન-ડીની ઊણપ હોય તેઓને થોડાં અઠવાડિયાંમાં સુકતાન (rickets) નામનો રોગ થાય છે. જો યોગ્ય સમય કરતાં શિશુ વહેલું જન્મેલું હોય (કાલપૂર્વ શિશુ, premature infant) તો તેનો અન્નમાર્ગ પણ પૂરતો વિકસેલો હોતો નથી અને તેને કારણે તે કૅલ્શિયમનું અવશોષણ પણ ઓછું કરે છે.
(2) જો માતાએ પૂરતા પ્રમાણમાં લોહ લીધેલું હોય તો નવજાત શિશુના યકૃતમાં લોહનો પૂરતો પુરવઠો સંગ્રહાયેલો હોય છે અને તે જન્મ પછી 4થી 6 મહિના સુધી રક્તકોષો બનાવવા માટે પૂરતો હોય છે. પરંતુ જો માતાને લોહની ઊણપ રહેલી હોય તો શિશુ પણ 3 માસમાં તેની ઊણપ અનુભવે છે અને તેથી તેનું હીમોગ્લોબિન ઓછું રહે છે. તેને પાંડુતા (anaemia) કહે છે. તેવું થતું અટકાવવા શિશુને બીજા કે ત્રીજા મહિનાથી અન્ય રીતે લોહ અપાય છે.
(3) ગર્ભની પેશીમાં વિટામિન-સીનો પૂરતો સંગ્રહ થયેલો હોતો નથી. શિશુનાં અસ્થિ (હાડકાં), કાસ્થિ (cartilage) તથા અન્ય કોષોની વચ્ચેની સંરચનાઓ બનાવવામાં વિટામિન-સીની જરૂર પડે છે. ગાયના દૂધમાં વિટામિન-સીનું પ્રમાણ ઓછું હોય છે અને તે માતાના દૂધ કરતાં લગભગ ચોથા ભાગ જેટલું જ હોય છે. તેથી જીવનના ત્રીજા મહિનાથી સંતરાંના રસ કે દવાનાં ટીપાં રૂપે વિટામિન-સી અપાય છે.
નવજાત શિશુના આહારમાં માતાના દૂધનું ઘણું મહત્ત્વ હોય છે. માતાનું દૂધ લેવાની ક્રિયાને સ્તન્યપાન (breast feeding) કહે છે અને પોતાના શિશુને સ્તન્યપાન કરાવતી માતાની સ્થિતિને પયધારણ (lactation) કહે છે. જીવનના પ્રથમ 4 મહિનામાં માતાના દૂધ સિવાય અન્ય કોઈ પણ રીતે પોષણ આપવાથી તેને ચેપ લાગવાની અને તેને કારણે મૃત્યુ થવાની સંભાવના વધે છે. પ્રથમ 4થી 6 માસ સુધી જો યોગ્ય પૂરક પદાર્થો સાથે માતાનું દૂધ જ મુખ્ય આહાર બને તે કારણે મૃત્યુ થવાની સંભાવના ઘટે છે. પ્રથમ 4થી 6 માસ સુધી જો યોગ્ય પૂરક પદાર્થો સાથે માતાનું દૂધ જ મુખ્ય આહાર બને તો વિશ્વભરમાં 130 લાખ જેટલાં શિશુઓનું મૃત્યુ થતું અટકશે એવી ગણતરી કરાયેલી છે. માનવશિશુ માટે તેની માતાનું દૂધ ઉત્તમ છે, કેમ કે કુદરતે ફક્ત તેને માટે જ તે બનાવ્યું છે. અજ્ઞાનતા, ખોટી માન્યતાઓ તથા વધુ પડતા વ્યાપારિક પ્રચારને કારણે ઘણી વખત માતાઓ બહારના દૂધ કે અન્ય પદાર્થોમાં વધુ વિશ્વાસ મૂકે છે. પરંતુ તે ભૂલભરેલું હોય છે અને શિશુને નુકસાન કરે છે. માટે હાલ વિશ્વ આરોગ્ય સંસ્થા સહિત દરેક બાહ્ય આરોગ્યક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ સ્તન્યપાન પર ભાર મૂકે છે. કાલપૂર્વ શિશુને પણ માતાનું દૂધ ચમચી વડે પિવડાવવું પડે તો તે રીતે પણ આપવામાં આવે તો તેમનો મૃત્યુદર ઘટે છે. સ્તન્યપાન ખર્ચ ઘટાડે છે, સગવડતાપૂર્ણ છે, વાત્સલ્યપૂર્ણ છે તથા તેને કારણે માતાના સ્વાસ્થ્ય તરફ પણ ધ્યાન રહેતું હોવાથી તેની તંદુરસ્તીની જાળવણી પણ વધી શકે તેમ છે. પયધારણની ક્રિયાને કારણે માતાનો ઋતુસ્રાવ મોડેથી શરૂ થાય છે અને તેથી બે બાળકોના જન્મ વચ્ચેનો સમયગાળો પણ લંબાય છે. અન્ય કેટલાક લાભોમાં શિશુમાં ઍલર્જીનો વિકાર થવાની સંભાવના ઘટે છે અને તેને રસીઓ આપવાનું સુગમ રહે છે તેનો પણ સમાવેશ કરાય છે. વળી તેને કારણે પાછળથી હૃદયરોગનો હુમલો થવાની કે લોહીનું ઊંચું દબાણ થવાની સંભાવના ઘટે છે. માતાને સ્તન તથા અંડપિંડનાં કૅન્સર થવાની સંભાવનામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. સ્તન્યપાનને પશ્ચિમી દેશોમાં વધુ પ્રચલિત કરવા માટે વિવિધ પ્રકારના નુસખા, પ્રચાર, યોજનાઓ તથા સહાયકારી જૂથોની રચના પણ કરવામાં આવે છે.
નવા જન્મેલા બાળકને પ્રથમ 4 અઠવાડિયાં માટે નવજાત શિશુ (neonate) કહે છે અને પ્રથમ 1 વર્ષ માટે શિશુ (infant) કહે છે. તેથી 5મા અઠવાડિયાથી અપાતા પોષણના સિદ્ધાંતોને શિશુના પોષણના સિદ્ધાંતો કહે છે. શિશુના પોષણની જરૂરિયાત સારણી-1માં દર્શાવી છે. સામાન્ય રીતે 4થી 6 મહિના સુધી શિશુને માતાનું દૂધ અપાય છે. ઘણી વખત આ સમય પછી માતાનું દૂધ પૂરતા પ્રમાણમાં હોતું નથી. વળી ઘણા આ તબક્કે અન્ય રીતે પણ પોષણ અપાવું જોઈએ એવું માને છે. ઘણી વખતે આવું ન કરવામાં આવે તો બાળકની શારીરિક વૃદ્ધિ તથા વજનમાં વધારો અટકે છે; અન્ય રીતે પોષણ અપાતું હોય ત્યારે પણ માતાનું દૂધ તરત બંધ કરાતું નથી. નવા પ્રકારનો અપાતો આહાર ખરેખર તો સ્તન્યપાનને બંધ કરવાની શરૂઆત રૂપે ગણવામાં આવે છે. સ્તન્યપાન છોડાવવાની ક્રિયાને સ્તન્યપાનથી વિમુખન (weaning) કહે છે.
સ્તન્યપાન-વિમુખન (weaning from breast feeding) અથવા વિમુખનની ક્રિયાનો અર્થ બાળકનું સ્તન્યપાન ક્રમશ: બંધ કરીને તેને કુટુંબના સામાન્ય અથવા પુખ્ત વયની વ્યક્તિ લે તેવા ખોરાક તરફ વાળવું એવો થાય છે. આમ વિમુખનનો અર્થ ફક્ત સ્તન્યપાનને બંધ કરવું એટલો સીમિત નથી.
સારણી-1 શિશુઓની દરરોજની આહારીય જરૂરિયાત
|
ઉંમર |
||
પરિમાણ અથવા પદાર્થ |
એકમ | 0થી 6 મહિના |
6થી 12 મહિના |
વજન |
કિગ્રા. | 6 | 9 |
રતલ |
13 |
20 |
|
ઊંચાઈ |
સેમી. | 60 |
71 |
|
ઇંચ | 24 | 28 |
પ્રોટીન |
ગ્રામ | 13 |
14 |
વિટામિન-એ |
માઇક્રોગ્રામ | 375 |
375 |
વિટામિન-ડી |
માઇક્રોગ્રામ | 7.5 |
10 |
વિટામિન-ઈ |
મિ.ગ્રામ | 3 |
4 |
વિટામિન-કે |
માઇક્રોગ્રામ | 5 |
10 |
વિટામિન-સી |
મિ.ગ્રામ | 30 |
35 |
વિટામિન-બી1 |
મિ.ગ્રામ | 0.3 |
0.4 |
વિટામિન-બી2 |
મિ.ગ્રામ | 0.4 |
0.5 |
નિયાસિન |
મિ.ગ્રામ | 5 |
6 |
વિટામિન-B6 |
મિ.ગ્રામ | 0.3 |
0.6 |
ફૉલિક ઍસિડ |
માઇક્રોગ્રામ | 25 |
35 |
વિટામિન-B12 |
મિ.ગ્રામ | 0.3 |
0.5 |
કૅલ્શિયમ |
મિ.ગ્રામ | 400 |
600 |
ફૉસ્ફરસ |
મિ.ગ્રામ | 300 |
500 |
મૅગ્નશિયમ |
મિ.ગ્રામ | 40 |
60 |
લોહ |
મિ.ગ્રામ | 6 |
10 |
જસત |
મિ.ગ્રામ | 5 |
5 |
આયોડિન |
માઇક્રોગ્રામ | 40 |
50 |
સેલેનિયમ |
માઇક્રોગ્રામ | 10 | 15 |
ભારતીય ખોરાકમાં ધાન્ય (cereals), સ્ટાર્ચવાળાં કંદમૂળ, કઠોળના દાણા, તૈલી દ્રવ્યો અને સૂકો મેવો, શાકભાજી, ફળો, તેલ તથા ઘી, ખાંડ અને ગોળ, પ્રાણીજ દ્રવ્યો, દૂધ અને દૂધની બનાવટો વગેરેનો ઉપયોગ કરીને વિમુખન કરી શકાય છે. ચોખા, ઘઉં વગેરે ધાન્યમાંથી ઊર્જા, લોહ અને પ્રોટીન મળે છે. ધાન્યને પાણી, દૂધ કે દૂધ-પાણીના મિશ્રણમાં અપાય છે. કંદમૂળમાં કાર્બોહાઇડ્રેટ્સ પુષ્કળ હોય છે. બટાકા, શક્કરિયાં જેવાં કંદમૂળને પાણીમાં ઉકાળીને અપાય છે. વિવિધ પ્રકારની શિંગો (legumes), કઠોળના દાણા તથા દાળને ધાન્ય સાથે અપાય ત્યારે તે પ્રાણીજ આહારની જેમ પૂરતા પ્રમાણમાં સારી કક્ષાનું પ્રોટીન પણ આપે છે. વળી તે પ્રાણીજ પ્રોટીન કરતાં સસ્તું પડે છે. સિંગદાણા, તેલ અને ઘી ઊર્જા આપે છે. તૈલી દ્રવ્ય ઉમેરવાથી ખોરાક લીસો બને છે અને તે વિટામિન-એના અવશોષણમાં પણ મદદરૂપ થાય છે. લીલાં શાકભાજી વિટામિનો અને ક્ષાર આપે છે; પૂરતા પ્રમાણમાં લોહતત્વ પણ આપે છે. ફળો શાકભાજી કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે અને તેમને રાંધ્યા વગર ખાઈ શકાય છે; તેથી તેમાંનાં વિટામિનો અને અન્ય પોષકદ્રવ્યો જળવાઈ રહે છે અને સીધેસીધાં મળી રહે છે. નાનાં બાળકોને કેળું, જામફળ, તરબૂચ, કેરી અને લીબુ-નારંગી-સંતરાં જેવાં ફળો અપાય છે. તે ઢીલો અને સહેલાઈથી પચી શકે તેવો ખોરાક હોવાથી શિશુના આહારમાં પ્રથમ ફેરફાર તરીકે લેવામાં સુગમતા રહે છે. ખાંડ અને ગોળ મીઠાશ અને ઊર્જા આપે છે. ગોળમાંથી લોહ પણ મળે છે; પ્રાણિજ આહાર લેતાં કુટુંબોમાં પ્રાણિજ દ્રવ્યો પણ આહારમાં ભેળવાય છે. તેમાં માંસ, માછલી તથા ઈંડાંનો સમાવેશ થાય છે. તે પ્રથમ કક્ષાનું પ્રોટીન, વિટામિન B12 અને લોહ આપે છે. તે સહેલાઈથી પચી શકે છે, પરંતુ તેને બગડતું અટકાવવા વિશેષ કાળજી લેવી પડે છે. જો તેનું પરિરક્ષણ (preservation) બરાબર ન થયેલું હોય તો બાળકને ચેપ લાગવાનો સંભવ રહે છે. ભારતમાં ગાય, ભેંસ, બકરી તથા ડેરીનું દૂધ વપરાય છે. આ ઉપરાંત દહીં, છાશ, ઘી, માખણ, પનીર તથા દૂધની વિવિધ મીઠાઈઓ – એમ અનેક પ્રકારે દૂધનો વપરાશ થાય છે. તે સૌની પોષણલક્ષી ગુણવત્તા ઘણી રહેલી છે. શરૂઆતમાં બાળકને મસાલા વગરનો ખોરાક અપાય છે. બાળકને અલગ પાત્રમાં અલગ ચમચીથી ખોરાક આપવાનું સૂચન કરાય છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને તેને અપાતી માત્રાનું ધ્યાન પણ રહે, વળી તે પદ્ધતિ બાળકને જાતે ખાવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
કઈ ઉંમરે કેવો ખોરાક કેટલા પ્રમાણમાં આપવો જરૂરી છે તે માટે વ્યાપક સૂચનો ઉપલબ્ધ છે. 4થી 6 મહિને ધોયેલાં કેળાં જેવાં ફળો અને સોજીના રૂપમાં ધાન્ય અપાય છે. શીરા જેવો ઢીલો ખોરાક અપાય છે. જેમાં ઘઉં કે ચોખાનો લોટ, ખાંડ અને ઘી ઉમેરાય છે. શરૂઆતમાં 1થી 2 ચમચી જેટલો જ ખોરાક અપાય છે જે ધીમે ધીમે વધારી શકાય છે, જેથી 3થી 4 અઠવાડિયાંમાં તે અર્ધા પ્યાલા (50થી 60 ગ્રામ) જેટલો શીરો લઈ શકે. 6થી 9 મહિને બાળક ઘરમાં બનતો મસાલા વગરનો ખોરાક લઈ શકે તેવા ઇરાદાથી તેના ખોરાકમાં ફેરફાર કરાતો જાય છે. તે સમયે તે મોળાં દાળ-ભાત કે ખીચડી અને શાક (ઢીલાં) લઈ શકે તેવી નેમ રખાય છે. તે સાથે દૂધ પણ અપાય છે. ઘરમાં બનાવેલો તાજો ખોરાક આપવાનો આગ્રહ રખાય છે. આ ઉંમરે તે દિવસમાં 4થી 6 વખત થોડું થોડું ખાય છે, કેમ કે તેનું જઠર નાનું હોય છે.
9થી 12 મહિનાની ઉંમરે તેને થોડા દાંત આવેલા હોય છે. માટે તે મોટા ટુકડા કે કોળિયા લઈ શકે છે. તેથી તેને દિવસમાં 5થી 6 વખત ઘરમાંની વિવિધ બનાવટો આપી શકાય છે. દાળ, ભાત, ખીચડી, શાક, ઘઉંની ચોળેલી રોટલી વગેરેનું પ્રમાણ વધારાય છે. તેને ઈંડાં, ખીર, દાળિયા કે પાઉં વગેરે પણ અપાય છે. આમ બાળક ઘરમાં બનતી અને ખવાતી બધી જ ચીજો ખાઈ શકે છે. 1થી 2 વર્ષે બાળક સામાન્ય રીતે તેની માતા કરતાં અર્ધો કહી શકાય એટલો ખોરાક લે છે.
શિલીન નં. શુક્લ
નિકીતા શાહ