પોલિશ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાજૂથની પશ્ચિમની સ્લાવ ભાષાઓ પૈકીની અને તેથી ચેક, સ્લોવાક અને જર્મનીની સૉર્બિયન સાથે નિકટનો સંબંધ ધરાવતી ભાષા. પોલૅન્ડના મોટાભાગના લોકો તે બોલે છે અને અમેરિકા, રશિયા અને તેમાંથી છૂટા થઈને સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક થયેલાં રાજ્યો ચેકોસ્લોવૅકિયા અને કૅનેડામાં વત્તેઓછે અંશે તેનો ઉપયોગ થાય છે. પોલિશ ભાષાની બોલીઓમાં લિટલ પોલિશ, સાઇલેશિયન, મેઝોવિયન અને ગ્રેટ પોલિશનો સમાવેશ થાય છે. ઉત્તર પોલૅન્ડમાં કેશુબિયનને પોલિશ ભાષાની બોલી ગણવામાં આવે છે. જોકે તે સ્વતંત્ર ભાષા છે તેવો મત અને માંગણી ઊભાં થયાં છે.
સોળમી સદીથી પોલિશ રોમન લિપિમાં લખાય છે. પશ્ચિમ પોલૅન્ડના પાઝમૅનની આસપાસની પ્રદેશની બોલીઓમાં તેનાં મૂળ છે. પોપ ઇનોસન બીજા દ્વારા પ્રકાશિત સૌપ્રથમ પોલિશ ભાષામાં લખાયેલ ‘પેપલ બુક’(1136)માં કેટલાંક પોલિશ નામોનો ઉલ્લેખ છે. સૌથી જૂનું પોલિશ ભાષામાં લખાયેલું વાક્ય (127૦) એક અવતરણનો અનુવાદ છે.
પોલિશ ભાષામાં 7 સ્વરો અને 35 વ્યંજનો છે. મૂળ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં દ્વિવચનનો લોપ થયો છે. (મોટા ભાગની સ્લાવ ભાષાઓ માટે પણ આ સાચું છે.) એકવચનના શબ્દ માટે ત્રણ જાતિ છે : નર, નારી અને નાન્યતર. બહુવચનમાં માનવ અને માનવેતર જાતિઓના બે જુદા પ્રકાર પ્રચારમાં છે. પોલિશ ભાષા નામ ઇત્યાદિનું વિભક્તિના પ્રત્યયો લગાડીને રૂપાખ્યાન કરતી ભાષા છે. તેમાં જૂની સ્લાવ ભાષાની વિભક્તિ જળવાઈ રહી છે. નામ, સર્વનામ અને વિશેષણ માટે 6 વિભક્તિઓ છે; જ્યારે સાતમી વિભક્તિ સંબોધનાર્થે, નામ અને સર્વનામ માટે વપરાય છે. ક્રિયાપદો જાતિ, પુરુષ અને વચન પ્રમાણે બદલાય છે. ક્રિયાપદોમાં કાળભેદ છે, પરંતુ તેમાં હ્યસ્તન, અપૂર્ણ ને પૂર્ણ ભૂતકાળ જેવા કાળના ઝીણવટભર્યા પ્રભેદો બિલકુલ નથી. કાળના સંદર્ભમાં ક્રિયાપદોનું માળખું પ્રમાણમાં સાદું છે.
પોલિશ ભાષાનાં આગવાં લક્ષણોમાં (1) શબ્દના છેલ્લા સ્વર ઉપર ભાર મૂકવો, (2) અનુનાસિક સ્વર ‘a’ અને ‘e’ ફ્રેન્ચ ભાષાના ‘on’ અને ‘in’ જેમ ઉચ્ચારવા, (3) વિનયશીલ સંબોધન માટે ત્રીજા પુરુષ એકવચનનો ઉપયોગ કરવો, (4) વિભક્તિના પ્રત્યય લગાડીને શબ્દનું રૂપાખ્યાન, (5) શબ્દરચનાની પરિવર્તનશીલતા, (6) ક્રિયાપદોના અર્થમાં વિવિધતા, (7) અન્ય ભાષાઓ જેવી કે લૅટિન, મધ્યકાલીન ચેક, જર્મન, બિલો-રશિયન અને યુક્રેમિનિયમ તથા ઇટાલિયન, ફ્રેન્ચ અને અંગ્રેજીમાંથી વિવિધ શબ્દોનો સ્વીકાર, (8) દીર્ઘ અને હ્રસ્વ ઉચ્ચારોના ભેદનો વિલોપ વગેરે ગણી શકાય.
સાહિત્ય : ઈ. સ. 966ના વર્ષથી ખ્રિસ્તી યુરોપમાં પોલૅન્ડ ગણનાપાત્ર સ્થાન પામે છે. જોકે તેના ઊગમકાળે તે ભાષાના સાહિત્યની વિકાસપ્રક્રિયા ધીમી રહે છે. સૌથી જૂનાં લખાણો જેવાં કે પોલિશ નામો અને પુસ્તકના હાંસિયામાં લખાયેલી નોંધ બારમી સદીના લૅટિન દસ્તાવેજોમાં જોવા મળે છે. ત્યારપછી ક્રમશ : પોલિશમાં પાદરીઓએ લખેલાં સંતોનાં ચરિત્રો, કેટલોક ઇતિહાસ અને કેટલીક તવારીખોનાં વૃત્તાંતો મળી આવે છે. ‘ક્રોનિકોન’ (1115), ‘ગૅલસ’, ‘એનાલ્સ સ્યુ ક્રૉનિસી’ અને ‘ઇન્કીતી રૅગ્ની પૉલોની’ (148૦) આ પ્રકારના ગ્રંથો છે. પોલિશમાં લખાયેલ કવિતાની પ્રથમ કૃતિ વર્જિન મેરીને માટે લખાયેલું ગીત ‘બોગુરોદ્ઝિકા’ છે. આ ગીતમાં ભાષા અને પ્રાસનો અદ્ભુત સંયોગ છે. ‘સ્વિતોક્ઝિસ્કી’ (સર્મન ઑવ્ ધ હોલી ક્રૉસ) પોલિશ ભાષાનું જૂનામાં જૂનું, તેરમી સદીમાં લખાયેલું ગદ્ય છે. 1455માં બાઇબલના આંશિક અનુવાદો થયા. ઝેદ્ઝેગે ઑવ્ ઝેસ્કોવિસે રાણી સોફિયા માટે તે કરેલા. કેટલાક સાહિત્યના લખનારા અજ્ઞાત છે. તે પોતાની અભિવ્યક્તિ તીવ્રતાથી કરે છે. પોલિશમાં લખાયેલું તે પાયાનું સાહિત્ય છે. 1364માં મહાન કૅઝિમિર ત્રીજાએ યુનિવર્સિટી ઑવ્ ક્રેકૉની સ્થાપના કરી.
ઇટાલીના રેનેસાંએ પોલિશ સાહિત્ય પર પ્રબળ અસર કરી. એકંદરે શાંતિ અને સ્થિરતાના સમયના પરિણામે, સાહિત્યમાં વિવિધ સ્વરૂપો અને પ્રતીતિકર અભિવ્યક્તિ સાધી શકાયાં. સૌપ્રથમ પોલિશ ભાષાના મૌલિક લેખક નિકોલાઝ રેઝ છે. તેમનાં કાવ્યવસ્તુ અને શૈલી પરંપરાગત હોવા છતાં તેમને નવા યુગના જ્યોતિર્ધર માનવામાં આવે છે. તેમના જ સમકાલીન કવિ ઝાન કૉચેનોવસ્કી રેનેસાંના પ્રતિનિધિ છે. એ જમાનાનું બલવત્તર સાહિત્ય ગદ્યમાં ઉદ્ભવ્યું છે. આમાં લુકાઝનાં બોધવચનો તથા પાયોર સ્કૉન્ઝાનાં નીતિવિષયક વ્યાખ્યાનો, ઑન્દ્રઝેઝનાં રાજકીય લખાણો અને સિમોનાઇડેઝનાં ચિત્રાત્મક વર્ણનો છે. મિકોલજ સેંપ ઝેર્ઝિસ્કીનાં સૉનેટ પ્રસંશનીય છે.
સત્તરમી સદીમાં પોલૅન્ડમાં અતિઆલંકારિક શૈલીવાળું આડંબરી સાહિત્ય સર્જાયું. ધાર્મિક વિસંવાદિતા અને યુદ્ધને પ્રતિબિંબિત કરતા સમયનું દર્શન એમાં મળે છે. ઑન્દ્રઝેઝ મૉર્ઝતીન દરબારી ઊર્મિકવિતા અને ઝિગનીયુ ધાર્મિક કવિતા આપે છે. સેમ્યુઅલ ત્વાર્દોવસ્કી ઐતિહાસિક મહાકાવ્યો રચે છે તો પાઝેક જોરદાર, ઉગ્ર અને રોમાંચક સંસ્મરણો લખે છે. આ બધું ક્ષુબ્ધયુગનું સાહિત્ય છે.
અઢારમી સદીના પૂર્વાર્ધમાં જ્ઞાન અને બોધનું સાહિત્ય પ્રગટ થાય છે. પોલૅન્ડના છેલ્લા રાજવી સ્ટેનિસ્લૉ બીજાના સમયમાં સાંસ્કૃતિક, રાજકીય અને બૌદ્ધિક સ્તરોએ ફરી ઉત્સાહ જગાવતા પુનરુજ્જીવનનું સાહિત્ય રચાયું છે. આ સમયનાં સાહિત્ય, પત્રકારત્વ, પ્રકાશન, રાજકીય અને શિક્ષણ-વિષયક સુધારણા અને રાષ્ટ્રીય રંગભૂમિ (1765) તત્કાલીન પ્રગતિશીલ માનસનું દર્શન કરાવે છે. તેનો ઉત્તમ પ્રતિનિધિ ઈગ્નેસી ક્રાસિકી છે. ફ્રાન્સિસ ચેક કાર્પિન્સ્કી અને નિયાઝ્નિન કવિઓ છે, જ્યારે બોગુસ્લાવસ્કી અને બોહોમોલેક નાટ્યકાર છે. આ બધાંનાં અને જુલિયન નીમસેવિઝનાં લખાણો અઢારમી સદીના પોલિશ સાહિત્યના ઉત્તમ નમૂના ગણાય છે.
ઓગણીસમી સદીના રોમૅન્ટિક મોજાને લીધે ભાવાવેશવાળા સાહિત્યની રચના ઠેર ઠેર થઈ. યુરોપના અન્ય રોમૅન્ટિક યુગનાં લક્ષણોને સ્વીકારીને પોલિશ રોમૅન્ટિસિઝમે પણ રાષ્ટ્રીય અસ્મિતાનું ગૌરવ વધારવા કમર કસી. આ સમયના સાહિત્યમાં 183૦ના બળવામાં તત્કાલીન પેઢીનો વ્યક્ત થયેલ તણાવ દેખાય છે. આ યુગના 3 મુખ્ય રોમૅન્ટિક કવિઓ મિક્યુવિઝ, સ્લોવાકી અને ક્રેશિન્સ્કી છે. શહીદોની રાષ્ટ્રભાવનાને શબ્દસ્વરૂપ આપતા આ પ્રતિનિધિ-કવિઓ છે. ધાર્મિક, તત્ત્વજ્ઞાન અને દેશાભિમાનની માન્યતાઓની સત્ત્વશીલતા પદ્ય અને નાટકમાં દૃષ્ટિગોચર થાય છે. આમાં કવિઓની આધ્યાત્મિકતા અને નૈતિક સમજ દેખાય છે. ત્યારપછી આદર્શવાદને બદલે નવો પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) આવ્યો. વ્યવહારોપયોગી પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો. આની સાથે સામાજિક અને રાજકીય વાસ્તવવાદનાં પગરણ થયાં. હેન્રિક સિન્કીવિઝ, બૉલસ્લૉ પ્રુસ અને એલિઝા ઑઝેસ્ઝૉવાની નવલકથાઓમાં સામાજિક અને સમકાલીન પ્રશ્ર્નોની છણાવટ કરવામાં આવી છે. આ પ્રત્યક્ષજ્ઞાનવાદની વિરુદ્ધ ‘યંગ પોલૅન્ડ મૂવમેન્ટ’ (189૦-1918) શરૂ થઈ. એક રીતે તો આ નવા નવા વિચારોનો યુગ છે. શરૂઆતનાં તેનાં ઉત્સાહપ્રેરક જાહેરનામાંઓએ આધુનિક વિચારસરણીને પ્રેરણાબળ પૂરું પાડ્યું. સાહિત્યમાં અનેક નવાં વહેણો અને શૈલીઓ પ્રગટ થયાં. કવિ કેઝિમીઝ, નાટ્યકાર સ્ટેનિસ્લૉ વિસ્પિઆન્સ્કી અને નવલકથાકાર સ્ટિફન ઝૅરોમસ્કી આ સમયના શ્રેષ્ઠ સર્જકો છે.
આંતરિક યુદ્ધનાં (1918-39) વર્ષો દરમિયાન ટૂંકા સમયની પુન: પ્રતિષ્ઠિત સ્વતંત્રતાએ વિવિધતાવાળું અને તાજગી બક્ષતું સાહિત્ય સર્જ્યું. કેટલાક અગ્રેસર (આવાં ગાર્દ) સર્જકો કળા, સંગીત અને સાહિત્યમાં શોરબકોર મચાવતી નવીનતાઓ લઈ આવે છે. તેડ્યુઝ, પીપર અને જુલિયન ઝિબૉઝની કવિતામાં વિશ્વાસથી ભર્યોભર્યો આશાવાદ દેખાય છે. મારિયા દાબ્રૉસ્કા, વિટોલ્ડ, ઝેર્ઝી અને બ્રુનો સમર્થ ગદ્યલેખકો છે. ઝેર્ઝી ઝાનિયાવસ્કીનાં નાટકો અતિવાસ્તવવાદી છે.
1945 પછી યુદ્ધના અનુભવોના પરિણામે સાહિત્યમાં નવા નવા વિષયો આવે છે. કાં તો આ લેખકો યુદ્ધની કરુણાંતિકાઓમાંથી અર્ક તારવે છે કે આધુનિક વાસ્તવિકતાના અનુભવે તેમને થયેલા ઊર્મિસભર પ્રત્યાઘાતનું બયાન કરે છે. આ લેખકોમાં હર્બર્ટ, કાવિકી, રોઝવિઝ માઝેક અને લેમનાં નામો નોંધપાત્ર છે. આમાં જૂની પેઢીનો નવો પ્રતિનિધિ મિલોસ પણ છે. તેમના સાહિત્યમાં આધુનિક પોલિશ પરિસ્થિતિનું ચિત્ર રજૂ થયું છે. વસ્તુઓ કે ઘટનાઓનું સાપેક્ષ મહત્ત્વ જોઈને તેને અંગે સાચો મત બાંધીને આધુનિક મનુષ્યને તેઓ રજૂ કરે છે.
આમ પોલૅન્ડ પાસે સાહિત્યની વિશિષ્ટ પરંપરા છે. ઍડમ મિક્યુવિઝે (1798-1855) ‘પાન ટૅડ્યુરઝ’ (સર થેડિયસ) મહાકાવ્ય લખ્યું છે. પોલૅન્ડના કેટલાક સાહિત્યકારોને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે : હેન્રિક શેંગક્યેવિચને તેની નવલકથા ‘કૉ વાડી’ (19૦5) માટે; ડબલ્યૂ. એસ. રેમૉન્ટને ‘ધ પીઝન્ટસ’ માટે 1924માં; તથા કવિ ઝેસૉ મીવૉશ(196૦થી અમેરિકામાં રહે છે)ને 198૦માં નોબેલ પુરસ્કાર આપવામાં આવેલા. પોલૅન્ડમાં જન્મેલા પણ અન્ય ભાષાઓમાં સાહિત્ય સર્જતા કેટલાક લેખકો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સન્માન પામ્યા છે. સદીના વળાંકે કોનરેડ તથા સિંગર પોલૅન્ડને છોડીને પરદેશ ચાલ્યા ગયેલા. સિંગરને 1978માં તેમની ટૂંકી વાર્તાઓ માટે નોબલ પુરસ્કાર એનાયત થયો હતો. કોઝિન્સ્કી (1957થી અમેરિકામાં સ્થાયી થયેલ) મોટા ગજાના લેખક છે. સમકાલીન પોલિશ લેખકોમાં, વૈજ્ઞાનિક નવલકથાના લેખકોમાં સ્ટેનિસૉ લૅમ તથા તેડ્યુઝ કોવિકીનાં નામ નોંધપાત્ર છે.
પોલ લોકોનો નાટ્યક્ષેત્રે પણ રસ છે. પોલૅન્ડમાં વિશાળ નાટકશાળાઓ છે. અને મોટી સંખ્યામાં નાનકડાં નાટ્યગૃહો છે. તેના કેટલાંક રેસ્ટોરાં કે ભોજનગૃહોમાં ભોજન વખતે ચાલતા મનોરંજન માટેના કાર્યક્રમો તેમના રાજકીય કટાક્ષ માટે જાણીતા છે.
વિ. પ્ર. ત્રિવેદી