પોયન્ટિંગ-રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના

January, 1999

પોયન્ટિંગરૉબર્ટસન (Poynting-Robertson) ઘટના : બધા જ કણોની ઘનતા સમાન હોય ત્યારે નાના કણોની સૂર્યની નજીક અને મોટા કણોની સૂર્યથી દૂર જવાની ઘટના. આ ઘટના દ્વારા વૈશ્વિક નિગોલક-કણો(spherules)નું ધારા પ્રવાહીમાં વિતરણ થાય છે. સૂર્યની ફરતે લંબવર્તુળાકાર (elliptical) કક્ષામાં પૃથ્વી ગતિ કરતી હોય છે ત્યારે તે દર વર્ષે આવા કણોનો સામનો કરે છે.

સૂર્યમંડળના ગ્રહો પોતપોતાની કક્ષામાં નિયમિત રીતે કોણીય ગતિ કરે છે. સૂર્ય અને આ બધા ગ્રહો વચ્ચેનો અવકાશ લગભગ ખાલી છે. આ અવકાશમાં એટલું દ્રવ્ય નથી, જેથી ગ્રહોની ગતિ ઉપર અસર થાય. સૂર્યમંડળના ગ્રહો અને પદાર્થો વચ્ચેના અવકાશમાં રહેલ દ્રવ્યને આંતરગ્રહીય માધ્યમ કહે છે. આ માધ્યમમાં ગુરુત્વાકર્ષી, ચુંબકીય અને વિદ્યુતબળો પ્રવર્તતાં હોય છે. આ બધાં બળો ઉપર સૂર્યનો ઘણોબધો પ્રભાવ રહેલો છે.

સૂર્યની આસપાસના ગોળાકાર અવકાશમાં સૂર્યની ગુરુત્વાકર્ષી અને વિકિરણીય અસરો જોવા મળે છે. આ અવકાશને સૂર્યની બખોલ (cavity) કહે છે. આ બખોલનો વ્યાસ મોટામાં મોટી ગ્રહીય કક્ષાના વ્યાસ કરતાં વધુ હોય છે.

આ માધ્યમમાં નાના લઘુગ્રહો (asterods) વચ્ચેની અથડામણોને લીધે પેદા થતાં રજકણો અને ઉલ્કાઓ(meteorites)નો સમાવેશ થાય છે. આ કણોના દ્રવ્યની ઘનતા પૃથ્વીના ખડકોની ઘનતા જેટલી છે. ધૂમકેતુમાંથી છૂટા પડેલા દ્રવ્યની ઘનતા પ્રમાણમાં ઓછી છે. આ બધા કણો સૂર્યની આસપાસ કક્ષીય ગતિ કરે છે. આંતરગ્રહીય માધ્યમમાં હાઇડ્રોજનના તટસ્થ કણો, ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતા કણોનો સમૂહ એટલે કે પ્લાઝ્માવાયુ અને ધન વિદ્યુતભાર ધરાવતા કણોવાળાં બ્રહ્માંડ(cosmic)કિરણોનો પણ સમાવેશ થાય છે.

સૂર્યની સપાટી આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. ઉપરાંત આંતરગ્રહીય અવકાશમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણો ચુંબકીય અને વિદ્યુતક્ષેત્ર પેદા કરે છે. સૂર્ય તથા ગ્રહો તીવ્ર ગુરુત્વાકર્ષી બળ ધરાવે છે. કયા બળની કયા કણ ઉપર વિશેષ અસર થાય છે, તે હકીકત કણની પ્રકૃતિ ઉપર આધારિત છે. નાના વિદ્યુતભારિત કણો ઉપર વિદ્યુતચુંબકીય ક્ષેત્રની પ્રબળ અસર થાય છે. આ અવકાશમાં વિદ્યુત-તટસ્થ કણોની ગતિ ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. સૂર્યની નજીક રહેલા નાના (10-5 સેમી. ત્રિજ્યાવાળા) હલકા કણોની ગતિ ઉપર બીજા કણોની પણ ભારે અસર પ્રવર્તે છે. સૂર્યના વિકિરણને લીધે પેદા થતું દબાણ કણોને દૂર ધકેલવા પ્રયત્ન કરે છે. આ દરમિયાન કણોના વેગમાનમાં ઘટાડો થાય છે. પરિણામે પ્રકાશનું પુન: ઉત્સર્જન થાય છે અને કણો સૂર્યની નજીક જવાનું વલણ ધરાવે છે.

પ્રહલાદ છ. પટેલ