પોપ્લે જ્હૉન એ. (Pople John A.)

January, 1999

પોપ્લે, જ્હૉન . (Pople John A.) (. 31 ઑક્ટોબર 1925, સમરસેટ; . 15 માર્ચ 2004, શિકાગો) : બ્રિટનના સૈદ્ધાંતિક રસાયણના જ્ઞાતા અને 1998માં વૉલ્ટેર કોહ્ન સાથે રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. તેમને ક્વૉન્ટમ રસાયણની ગણતરીઓ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

જ્હૉન પોપ્લેનો જન્મ સમરસેટમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બ્રિસ્ટૉલ ગ્રામર સ્કૂલમાં લીધું હતું. 1943માં ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં તેમને શિષ્યવૃત્તિ મળી હતી. 1946માં તેઓ સ્નાતક થયા. 1945થી 1947 દરમિયાન તેમણે બ્રિસ્ટૉલ ઍરોપ્લેન કંપનીમાં કામ કર્યું. પછી તેઓ યુનિવર્સિટી ઑવ કેમ્બ્રિજમાં સંશોધનકાર્ય માટે જોડાયા. 1951માં તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેમનું પાણીના સંયોજનમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રૉન અંગેનું  આંકડાકીય સંરચના અંગેનું સંશોધનપત્ર વર્ષો સુધી આધારભૂત ગણાતું રહ્યું.

જ્હૉન પોપ્લે

પીએચ.ડી.ની પદવી મેળવ્યા પછી ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં તેમણે સંશોધનકાર્ય કર્યું હતું. તેમને ગણિત વિષયમાં પીએચ.ડી.ની પદવી મળી હોવાથી કેમ્બ્રિજમાં જ ગણિતવિભાગમાં 1954માં તેમને લેવામાં આવ્યા. 1958માં લંડન પાસેની નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીમાં નવા ઊભા થયેલા પાયાના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં તેઓ જોડાયા. 1964માં તેઓ અમેરિકા ગયા. બાકીની જિન્દગી તેઓ ત્યાં જ રહ્યા.

જ્હૉન પોપ્લે પોતાની જાતને રસાયણશાસ્ત્રી કરતાં ગણિતશાસ્ત્રી તરીકે વધારે માનતા. સૈદ્ધાંતિક રસાયણશાસ્ત્રના નિષ્ણાતો તેમણે આપેલા પાયાની ગણતરીના સિદ્ધાંતોને લીધે પોતાના ગણે છે. 1964માં તેઓ કાર્નેગી મેલોન યુનિવર્સિટી, પેન્સિલ્વેનિયામાં જોડાયા. 1993માં તેઓ નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, ઇવાન્સ્ટોન, ઇલિનૉઈસ ગયા. ત્યાં તેઓ જીવનના અંત સુધી રસાયણશાસ્ત્રના માનાર્હ પ્રાધ્યાપક રહ્યા.

તેમનું મુખ્ય કાર્ય અણુકક્ષકવાદના સિદ્ધાંતમાં આવતી તરંગ વિધેયના ફલનની ગણતરીઓનું હતું. 1959માં તેમણે સ્નાઇડર અને બર્નસ્ટાઈન સાથે એન.એમ.આર. અંગેનું પાઠ્યપુસ્તક લખ્યું હતું. 1970માં  ડેવિડ બેવૅરીઝ સાથે લખેલા અણુકક્ષકવાદના સિદ્ધાંત અંગેના પુસ્તકમાં તેમણે પોતાની ગણતરીઓ અંગેની રીત પણ દર્શાવી છે.

તેઓ 1961માં રૉયલ સોસાયટીના સભ્ય બન્યા. 2003માં બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ‘નાઇટ કમાન્ડર’નો ખિતાબ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ એકૅડેમી ઑવ્ ક્વૉન્ટમ મૉલેક્યુલર સાયન્સના તેઓ સ્થાપક સભ્ય હતા.

1952માં તેમનાં લગ્ન જૉય બૉવૅર્સ સાથે થયાં, જેમનું 2002માં કૅન્સરની બીમારીને લીધે અવસાન થયું. તેમની ઇચ્છાનુસાર દીકરી હિલેરી અને દીકરા એડ્રિયન, માર્ક અને એન્ડ્ર્યૂએ જ્હૉન પોપ્લેનો નોબેલ પુરસ્કાર કાર્નેગી મૅલોન યુનિવર્સિટીને 5 ઑક્ટોબર, 2009ના રોજ આપ્યો હતો.

કિશોર પંડ્યા