પૉમ્પિડુ જ્યૉર્જ જિં રેમન્ડ

January, 1999

પૉમ્પિડુ, જ્યૉર્જ જિં રેમન્ડ (. 5 જુલાઈ 1911 મોન્તબોદીફ, ફ્રાન્સ; . 2 એપ્રિલ 1974, પૅરિસ) : અગ્રણી ફ્રેન્ચ મુત્સદ્દી તથા કુશળ પ્રશાસક. પૅરિસ ખાતે ઇકોલ નોરમાલે સુપીરિયરમાં તેમણે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ શાળાના શિક્ષક હતા. 1944-46 સુધી તેઓ દ’ ગોલના અંગત સ્ટાફમાં અને તેમાંથી રાજીનામું આપ્યા પછી તેમના ‘છાયાપ્રધાનમંડળ’ના સભ્ય રહ્યા હતા. 1946-49 દરમિયાન તેઓ જનરલ કમિશનર ફૉર ટૂરિઝમના મદદનીશ ઉપરાંત 1946-57 દરમિયાન ફ્રાન્સની કૉર્ટનો સૌથી ઉચ્ચ વહીવટી હોદ્દો ધરાવતા હતા.

1955માં તે પૅરિસમાં રૉથ્સચાઇલ્ડ બૅન્કમાં દાખલ થયા અને 1959માં તેના ડિરેક્ટર જનરલ બન્યા હતા. 1958-59 દરમિયાન દ’ ગોલના મુખ્ય અંગત મદદનીશ તરીકે ફ્રાન્સના પાંચમા પ્રજાસત્તાકના બંધારણનો મુસદ્દો ઘડવામાં તથા ફ્રાન્સની આર્થિક વસૂલાત માટેની યોજના તૈયાર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1959-62 દરમિયાન તેઓ ફ્રાન્સની બંધારણીય સમિતિના સભ્ય હતા અને 1962માં ડેબરેના ઉત્તરાધિકારી તરીકે પ્રધાનમંત્રી બન્યા હતા. જ્યારે દ’ ગોલ ફ્રાન્સના પ્રમુખ હતા ત્યારે તેઓ વડાપ્રધાન તરીકે સફળ અને દ’ ગોલના સમર્થક અસરકારક નેતા તરીકે પંકાયા હતા. 1968ના વિદ્યાર્થીઓના અને કામદારોના બળવા પછી તેમણે બળવાખોરો સાથે સફળતાપૂર્વક વાટાઘાટો ચલાવી હતી અને ચૂંટણીઓનું આયોજન કર્યું હતું. ત્યારપછી દ’ ગોલ દ્વારા તેમને દૂર કરવામાં આવ્યા હતા. 1969માં પાંચમા પ્રજાસત્તાકના બીજા પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

વિદેશનીતિના ક્ષેત્રે તેમણે પોતાના પુરોગામીઓની નીતિ ચાલુ રાખી હતી, જેમાં નોંધપાત્ર 1971માં યુરોપિયન આર્થિક સમુદાયના બ્રિટિશ સભ્યપદને આવકારવાની હતી. 1961માં અલ્જિરિયન રાષ્ટ્રીય મુક્તિ મોરચા સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા, જેને અંતે યુદ્ધબંધી થઈ હતી. પ્રમુખ તરીકે દ’ ગોલે શરૂ કરેલી નીતિ તેમણે ચાલુ રાખી હતી.

સરમણ ઝાલા