પોત્તેકાટ એસ. કે.

January, 1999

પોત્તેકાટ, એસ. કે. (. 14 માર્ચ 1913, કાલિકટ, કેરળ; . 6 ઑગસ્ટ 1982, કાલિકટ, કેરળ) : મલયાળમના અગ્રણી સર્જક. નવલકથા, ટૂંકી વાર્તા, કાવ્યો અને પ્રવાસકથા – એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે તેમનું સર્જન વિપુલ પ્રમાણમાં છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી અભ્યાસ કર્યો અને ત્યારપછી શાળામાં શિક્ષક તરીકેની કામગીરી સ્વીકારી; પરંતુ 1939માં ત્રિપુરા કૉંગ્રેસમાં હાજરી આપવા તેમણે રાજીનામું આપ્યું. તેમણે બે વાર મુંબઈની મુલાકાત લીધી અને દેશ-પરદેશમાં પુષ્કળ પ્રવાસ ખેડ્યો. વસ્તુત: કેરળમાં તે એકમાત્ર એવા લેખક છે જેમણે સવિશેષ પ્રવાસ ખેડ્યો હોય. 1962માં તેઓ નેલિચેરી મતદાર વિભાગમાંથી સંસદમાં ચૂંટાયા હતા.

એસ. કે. પોત્તેકાટ

તેમનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેમના રસ-વિષયો પણ બહુવિધ રહ્યા હતા. સામાજિક અસમાનતા જેવા પ્રશ્નો કરતાં તેમને જીવન-સૌંદર્યમાં ઉત્કટ રસ હતો. તત્વત: તેઓ કવિ હોવાથી તેમની નવલકથાઓ તથા ટૂંકી વાર્તાઓ કાવ્યાત્મક બની છે. એ બધાંનું વાતાવરણ રંગદર્શી હોય છે. તેમાં હાસ્યનો ચમકારો પણ ગૂંથાતો આવે છે.

તેમની મહત્વની નવલકથાઓમાં ‘વિષકન્યકા’, ‘મુડુપટ્ટમ્’, ‘નાદનપ્રેમમ્’, ‘પ્રેમશિક્ષા’, ‘કરમપુ’ તથા ‘ઓરુતેરુવિન્તે કથા’ મુખ્ય છે. દરેક કથામાં શૈલી અને વસ્તુ-માવજત એકબીજાથી ભિન્ન છતાં એકસરખાં રસપ્રદ અને સુંદર છે. ‘વિષકન્યકા’ પર્લ બકની નવલ ‘ગુડ અર્થ’ના વિષયવસ્તુની યાદ અપાવે છે. તેને 1945માં મદ્રાસ સરકાર તરફથી પુરસ્કાર મળ્યો હતો.

તેમની નવલકથાઓ સાદ્યંત રસપ્રદ વાચન પૂરું પાડે છે. તેમની સમગ્ર નવલ-સૃષ્ટિમાં તેમણે તેમના ભરચક પ્રવાસઅનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. ‘કરમપુ’ તથા ‘ઓરુતેરુવિન્તે’માં તે જોવા મળે છે. જિંદગીને જેવી જુએ છે તેવી જ યથાતથ આલેખે છે. આમાંથી બીજી ઉલ્લેખેલી નવલને 1962માં કેરળ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. ‘ઓરુ દેશાથિન્તે કથા’ તેમની સૌથી અનોખી કૃતિ મનાય છે અને તે આત્મકથાત્મક નવલ છે. તેને કેરળ સાહિત્ય અકાદમી ઉપરાંત 1972માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી 1981માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળ્યો હતો.

તેમની રંગદર્શી પ્રકૃતિ અને વલણ ટૂંકી વાર્તાના તેમના સંગ્રહોનાં શીર્ષકોમાં જણાઈ આવે છે; જેમ કે, ‘ઇન્દ્રનીલમ્’, ‘ચન્દ્રકાન્તમ્’, ‘પદ્મરાગમ્’, ‘રાજમલ્લી’, ‘કન્કંબરમ્’, ‘નિશાગંધી’, ‘હિમવાહિની’, ‘મણિમાલિકા’ તથા ‘રંગમંડપમ્’ વગેરે.

તે પ્રવાસસાહિત્યના પણ અગત્યના લેખક છે. તેમણે આફ્રિકા, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સિલોન, મલાયા, સિંગાપોર, ફિન્લૅન્ડ,  રશિયા તથા ચૅકોસ્લોવેકિયાનો વિસ્તૃત પ્રવાસ ખેડીને ડઝનેક ઉપરાંત પ્રવાસવર્ણનોની કૃતિઓ આપી છે. તેમાં મુખ્ય છે  ‘કાશ્મીર’, ‘કપ્પિરી કાબુટે નટ્ટીલ’, ‘નાઇલ ડાયરી’, ‘બાલી દ્વીપ’ વગેરે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘પ્રેમશિલ્પી’ તથા ‘સંચારી યુડે ગીતાંગલ’ મુખ્ય છે.

તેઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા હતા. મલબાર કેન્દ્રકલા સમિતિ, સાહિત્ય પ્રવર્તક કૉ-ઑપરેટિવ સોસાયટી, થુંચન સ્મારક સમિતિ અને કેરળ સાહિત્ય અકાદમી જેવી વિવિધ સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર રહી આપેલું યોગદાન પણ ઉલ્લેખપાત્ર છે.

મહેશ ચોક્સી