પોથોસ : વનસ્પતિઓના એકદળી વર્ગના એરેસી કુળની આરોહી ક્ષુપ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 8  જેટલી જાતિઓનો ભારતમાં પ્રવેશ કરાવાયો છે. તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

તે સદાહરિત આરોહી સુંદર પ્રજાતિ છે અને તેનાં સુશોભિત પર્ણો માટે પ્રખ્યાત છે. તેને થાંભલા પર કે વૃક્ષના થડ પર, કાચઘરમાં કે લોખંડની જાળી પર કે ઘરમાં બાટલીમાં ઉગાડતાં સુંદર દેખાય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. તેનું કંટકારોપણ દ્વારા સહેલાઈથી પ્રસર્જન થાય છે. સૂર્યના પ્રખર તાપથી તેનું રક્ષણ કરવું જરૂરી હોય છે.

Pothos scandens Linn. (અડુની વેલ, money plant)નાં પર્ણો અંડાકાર, ઉપવલયી કે ભાલાકાર લીલાં અથવા લીલામાં આછા પીળા રંગનાં ટપકાંવાળાં; પૃથુપર્ણ (spathe) નૌકાકાર (cymbiform), લીલું; પુષ્પવિન્યાસ માંસલ, શૂકી (spadix), પીળો, વૃન્તી (stipitate), ગોળાકાર, અંડાકાર અથવા લંબચોરસ; ફળ અનષ્ઠિલ, લંબચોરસ, સિંદૂરી લાલ.

પોથોસ

આંદામાનના ટાપુઓમાં તેનું પ્રકાંડ પટ્ટા કે ગળાનો હાર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. મૂળ પર કાપા કરી અને તેલમાં તળી તેને ઘામાં થતા પરુને મટાડવા લગાડવામાં આવે છે. પર્ણોની ભૂકી શીતળાના ફોલ્લા પર ચોપડવામાં આવે છે. પર્ણોનો આસવ આંચકી (convulsion) અને અપસ્માર(epilepsy)માં અપાય છે. પ્રકાંડને કાપી નાખી કપૂર સાથે દમ માટે બીડીની જેમ ફૂંકવામાં આવે છે.

P. argentiusનાં પર્ણો રૂપેરી ચટાપટા કે ધાબાંવાળાં અને કિનારી તેમજ મુખ્ય શિરા ઘેરી લીલી હોય છે.

P. aurcusનાં પર્ણો મોટાં અને આકર્ષક હોય છે. તે લીલા રંગમાં સફેદ-પીળા ચટાપટા ધરાવે છે. કૂંડામાં એક ટેકો રોપીને તેની ઉપર શેવાળ (mose) બાંધીને, વેલ ચઢાવવામાં આવે તો તે સરસ વૃદ્ધિ પામે છે.

P. cathcartii Schott.નાં પર્ણો ઘીમાં તળી દુખાવો મટાડવા ખાવામાં આવે છે. તે ઉષ્ણકટિબંધીય હિમાલયમાં કુમોનથી ભુતાનમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

મ. ઝ. શાહ