પોતન : સિંધમાં સિંધુ નદીના મુખ ઉપર આવેલું ભારતનું પ્રાચીન બંદર. તેની સ્થાપના મેસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે કરી હતી. ઈ. સ. પૂ. બીજા શતકમાં થઈ ગયેલા અગાથાર ખાઇદીસે તેના રાતા સમુદ્રના વૃત્તાંતના પુસ્તકમાં તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ અપ્રાપ્ય પુસ્તકમાંથી દિયોદોરોસ અને ફોતિયસે પોતન અંગેનાં અવતરણો લીધાં છે. તેમના જણાવ્યા પ્રમાણે મિસરના વહાણવટીઓ રાતા સમુદ્રના મુખથી ચાંચિયાઓના ભયથી ભારતની સીધી સફર ખેડતા ન હતા, પણ તેઓ એડનથી કાંઠે કાંઠે હંકારીને ભારતની સફર કરતા હતા. પરિણામે પશ્ચિમના વેપારીઓ અને ભારતીય વેપારીઓ અર્ધે રસ્તે એડન અને રાતા સમુદ્રના મુખ ઉપરનાં બીજાં બે બંદરોએ અરસપરસ માલની આપલે કરતા હતા. આ આપલે યેમનના સેબિયન આરબો મારફત થતી હતી. અગાથાર ખાઇદીસે અરબસ્તાનના એડન બંદરની સમૃદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. આ સમૃદ્ધિ અંશત: ભારતમાંથી મોટી સંખ્યામાં પોતનથી આવેલા ભારતીય વેપારીઓને કારણે હતી. પ્રાચીન કાળમાં મિસર સાથે ભારતીય વેપારીઓનો સીધો સંપર્ક ન હતો. ‘પેરિપ્લસ ઑવ્ ધી ઇરિથ્રિયન સી’ના લેખકે જણાવ્યા પ્રમાણે, પ્રથમ તબક્કામાં મિસર અને ઇટાલીના રોમન વેપારીઓ નાઇલ ઉપરના બેરોનીસથી નીકળી હોરમોસ બંદરે જમીનમાર્ગે જતા અને ત્યાંથી એડન થઈને દક્ષિણ અરબસ્તાનના કિનારે રાસ મુસડેન કે રાસલ સુધી જઈ એશિયાના દક્ષિણ કિનારાના પ્રદેશ કારમેનિયા અને ગેડ્રોસિયા થઈને સિંધુના મુખ તરફ પહોંચતા હતા. બીજા તબક્કામાં એડનથી સાયગ્રોસ ભૂશિર સુધી કાંઠે કાંઠે વહાણો હંકારતા અને ત્યાંથી સીધા સિંધુ ઉપરના પોતન (પાતાલ) બંદરે પહોંચતા હતા. પોતનથી કાપડ, અકીકના મણકા, સાગનું લાકડું, અનાજ વગેરે અન્યત્ર જતું હતું. મિસરના રાજાઓના પિરામિડમાંથી ‘સિંધુ’ તરીકે મમી ઉપરનું મલમલ મળે છે.
શિવપ્રસાદ રાજગોર