પોટૅશિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના 1A) (આલ્કલી ધાતુ) સમૂહમાં સોડિયમની નીચે તથા રૂબિડિયમની ઉપર આવતું તત્વ. તેની સંજ્ઞા K, પરમાણુક્રમાંક 19, પરમાણુભાર 39.102, ગ. બિં. 63.7o સે. અને ઉ. બિં. 774o સે. છે. તેની ઇલેક્ટ્રૉન સંરચના (Ar)3s1 છે. તે વજનમાં હલકી, નરમ, નીચા ગ. બિં.વાળી ચાંદી જેવી ચળકતી સક્રિય ધાતુ છે. સૌપ્રથમ 1807માં હમ્ફ્રી ડેવીએ વિદ્યુત-વિભાજનની રીતથી તે મેળવેલું. તેની ક્રિયાશીલતા તથા રાસાયણિક ગુણધર્મો સોડિયમ ધાતુ જેવાં જ હોય છે. પાણી અથવા બરફ સાથે (-1000 સે.) પણ તે પ્રચંડ વિસ્ફોટ (violent) પ્રક્રિયા કરી શકે છે. પૃથ્વીના પોપડામાં પોટૅશિયમ લવણોનું પ્રમાણ 2.59 % છે. બીજી ધાતુઓના પ્રમાણમાં તેનો ક્રમ સાતમો આવે છે. તેનાથી વધુ પ્રમાણમાં માત્ર O, Si, Al, Fe, Ca તથા Na હોય છે. દરિયાના પાણીમાં તેનું પ્રમાણ 380 ppm હોય છે. ઘણાખરા છોડવાઓમાં સોડિયમ કરતાં પોટૅશિયમનું પ્રમાણ 4થી 6ગણું વધુ હોય છે.
જર્મનીમાં સ્ટ્રાસફર્ટ ખાતે પોટૅશિયમ ખનિજોના નિક્ષેપો મળી આવ્યા છે, જેમાં સિલ્વાઇટ (Kcl), કાર્નેલાઇટ (Mgcl2 .Kcl) મુખ્ય છે. અમેરિકામાં પોટૅશિયમ લવણોના સ્તર (deposits) સિલ્વાઇટ અને પૉલિહૅલાઇટ (2CaSO4·K2SO4·2H2O) તરીકે કૅલિફૉર્નિયામાં તથા ન્યૂ મેક્સિકોના કાર્લ્સબાડ(ગુફાઓ)માં મળે છે. આ ઉપરાંત ફ્રાન્સ, સ્પેન, પોલૅન્ડ, રશિયા વગેરેમાં પણ પોટૅશિયમ લવણોના સ્તર મળે છે.
પોટૅશિયમ ધાતુ (સોડિયમની માફક) પીગળેલા હાઇડ્રૉક્સાઇડના વિદ્યુતવિભાજનથી મેળવવામાં આવે છે. KClનું સોડિયમ સાથે નિસ્યંદન કરવાથી પણ તે મેળવી શકાય છે.
પોટૅશિયમ ક્લોરાઇડ ખાતરમાં તો પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ પ્રવાહી સાબુ બનાવવામાં વપરાય છે. પોટૅશિયમ કાર્બોનેટ (K2CO3) સૉલ્વે વિધિથી બનાવી શકાતો નથી. મૅગ્નેટો હાઇડ્રૉડાયનૅમિક્સમાં દહનવાયુના બીજારોપણ (seeding) માટે તથા ઉષ્માવિનિમયક તરીકે વપરાતી NaK મિશ્રધાતુ બનાવવામાં પણ તે વપરાય છે.
પોટૅશિયમની હાજરી પારખવા જ્યોતકસોટી વપરાય છે, જેમાં જ્યોત વાયોલેટ રંગની દેખાય છે. તેનું ભારાત્મક પૃથક્કરણ સોડિયમ ટ્રાઇફિનાઇલ બૉરોન, સોડિયમ પરક્લોરેટ વગેરે પ્રક્રિયકો દ્વારા કરવામાં આવે છે. સંશ્લેષિત સમઘટક 42K અનુજ્ઞાપક (tracer) અભ્યાસ માટે માધ્યમ તરીકે વપરાય છે.
જ. પો. ત્રિવેદી