પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર કૉલકાતા

January, 1999

પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર, કૉલકાતા : રાષ્ટ્રને વૈજ્ઞાનિક અને નાગરિક હેતુઓ માટે તથા પંચાંગ તૈયાર કરવા જરૂરી આધારભૂત ખગોલીય સામગ્રી પૂરી પાડતી સરકારી કચેરી. ‘ઇન્ડિયા મીટિયરલૉજિકલ ડિપાર્ટમેન્ટ’ અર્થાત ભારતના ઋતુવિજ્ઞાન વિભાગ હેઠળ કામગીરી બજાવતું આ સેન્ટર કૉલકાતામાં આવેલું છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ભારતમાં ખગોળ અને ખગોળ-ભૌતિકીમાં થયેલી પ્રગતિ અને હવે પછી એમાં શું થઈ શકે તે અંગે વિચારણા કરવા ભારતની તત્કાલીન અંગ્રેજ સરકારે એક સમિતિની રચના કરી હતી, જેના અધ્યક્ષપદે પ્રખ્યાત ભારતીય ખગોળ-ભૌતિકશાસ્ત્રી પ્રો. મેઘનાદ સહા(1893-1956)ની નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય ખગોળશાસ્ત્રના વિકાસના ઇતિહાસમાં આ એક મહત્વની ઘટના હતી. આ સમિતિ ‘સહા સમિતિ’ તરીકે જાણીતી બની છે. એમાં કુલ પાંચ સભ્યો હતા અને તેમાં તત્કાલીન ભારતની વેધશાળાઓના ડિરેક્ટર-જનરલ(Indian Director-General of Observatories)નો પણ સમાવેશ થયો હતો. આ સમિતિની પહેલી બેઠક કોડાઇકૅનાલ ખાતે 1945ના ડિસેમ્બરમાં યોજવામાં આવેલી. ભારતમાં ખગોળક્ષેત્રે વધુ વિકાસ કરવા સમિતિએ જે અહેવાલ અને સૂચનો રજૂ કરેલાં એમને ‘ટૂંકા ગાળાનો પ્લાન’ અને ‘લાંબા ગાળાનો પ્લાન’ એમ બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય. આ અહેવાલમાં જે અનેક મહત્વનાં સૂચનો હતાં તે પૈકીનું ‘લાંબા ગાળાના પ્લાન’ – માં આવતું મહત્વનું સૂચન એવું પણ હતું કે ભારતીય નૌકાસેનાના સહયોગથી અને વૉશિંગ્ટનની ‘નેવલ ઑબ્ઝર્વેટરી’ તથા ગ્રિનિચની ‘રૉયલ નેવી ઑબ્ઝર્વેટરી’ જેવી અન્ય રાષ્ટ્રોની નાવિક વેધશાળાઓ (naval observatiories) સાથે સામ્ય ધરાવતી અદ્યતન યંત્રસામગ્રી, સાધન-સરંજામ સહિતની અને સમય-સેવા આપનારી એક રાષ્ટ્રીય નાવિક વેધશાળા એકાદ અનુકૂળ સ્થળે ભારતમાં પણ સ્થાપવી. સમિતિએ મુંબઈમાં આવેલી ‘કોલાબા વેધશાળા’નું સ્થળ આ માટે શ્રેષ્ઠ હોવાનું સૂચવ્યું હતું. વળી એવી પણ ભલામણ કરી હતી કે ભારતે પોતાનો ‘નાવિક પંચાંગ વિભાગ’ (nautical almanac section) નામનો એક અલગ વિભાગ વિકસાવવો અને આ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ સાધવો. આ વિભાગે પોતાનું ‘નાવિક પંચાંગ’ દર વર્ષે તૈયાર કરવું; એટલું જ નહિ, પંચાંગ બાબતે ભારતમાં પ્રવર્તતી અસંગતિ દૂર કરવી. આ માટે સઘળાં ભારતીય કૅલેન્ડરો(પંચાંગો કે તારીખિયાં)નો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો, એમને સંશોધિત કરી સંસ્કારવાં અને ભારતના બધા પ્રદેશોમાં પ્રયોજાતાં સ્થાનિક નાગરિક પંચાંગોને બદલે એકીકૃત (unified) રાષ્ટ્રીય પંચાંગની રચના કરી એને પ્રચલિત કરવું. સમિતિની ભલામણમાં આ માટે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને અન્ય આકાશી પિંડોની સ્થિતિઓ અગાઉથી દર્શાવતા ‘ભારતીય ગ્રહપત્રક અને નાવિક પંચાંગ’ની રચના માટે ભારત સરકારને ઘટતું કરવાનું ભારપૂર્વક જણાવ્યું હતું અને આ કામ માટે આ નામે એક કાયમી સ્થાયી સમિતિની રચના કરવી અને તેને ભારત સરકારના વૈજ્ઞાનિક વિભાગ સાથે સાંકળી દેવી એવી ભલામણ પણ કરી હતી.

ઈ. સ. 1757માં બ્રિટિશ અમલની શરૂઆત થઈ ત્યારથી વહીવટી કામો માટે ભારતમાં મોટા ભાગે ગ્રેગરી-પંચાંગ (Gregorian Calander) વપરાતું. ઐતિહાસિક કારણોસર આજે પણ આ પંચાંગે વિશ્વપંચાંગનું સ્થાન પ્રાપ્ત કર્યું છે; પરંતુ, આ પંચાંગ નાગરિક તેમજ વહીવટી કામો માટે અગવડભર્યું હોવા ઉપરાંત અવૈજ્ઞાનિક પણ છે. તેમ છતાંયે, સ્વરાજ્ય મળ્યા પછી પણ વહીવટી કામો માટે તે ખાસ્સો સમય વપરાયું અને અમુક અંશે હજીયે તે જ ભારતમાં વધુ પ્રચલિત રહ્યું છે. સામા પક્ષે, ભારતમાં પ્રયોજાતાં પંચાંગોને આકાશી અવલોકનો દ્વારા સંસ્કારતા જવાની જે પ્રક્રિયા સદીઓથી અમલમાં હતી, તેમાં ઈસુની લગભગ બારમી સદી પછી ઓટ આવવા લાગી અને છેવટે એક સમય તો એવો આવ્યો કે તે સાવ અટકી જ પડી. આખરે તો કોઈ પણ પંચાંગનો પાયો આકાશ છે એ સત્ય કાલક્રમે વિસારી દેવાયું. આને કારણે વીસમી સદીની શરૂઆતમાં આપણા દેશમાં વપરાતાં પંચાંગોમાં ગણતરી કરીને બતાવેલાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્રોનાં સ્થાન અને આકાશમાં ખરેખર દેખાતા આ પિંડોના સ્થાનમાં ખાસ્સો ફેર પડવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે ભારતીય પંચાંગોનું સામાજિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ ઘટતું ગયું અને તેઓ માત્ર ધાર્મિક તેમજ શ્રદ્ધાનો વિષય બનવા લાગ્યાં. આ પરિસ્થિતિ તરફ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પહેલાં લોકમાન્ય ટિળકનું સૌપ્રથમ ધ્યાન દોરાયું અને પંચાંગ-સંશોધનની સતત ચાલુ રહેવી જોઈતી પ્રક્રિયાની તેમણે શરૂઆત કરી. ગુજરાતમાં પંચાંગને સંસ્કારવાની આ પ્રવૃત્તિ ખગોળશાસ્ત્રી પ્રા. હરિહર પ્રા. ભટ્ટે શરૂ કરી અને ‘પ્રત્યક્ષ-પંચાંગ’ની રચના કરી અને એમાં સારી એવી સફળતા પણ પ્રાપ્ત કરી. ભારતના અન્ય ભાગોમાં પણ આવા પ્રયત્નો ચાલુ જ હતા. પંચાંગ-સંશોધનના આ સઘળા પ્રયત્નોમાં એકરાગતા લાવવાની તથા સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક તેમજ સૂક્ષ્મ હોય તેવું એક ભારતીય પ્રત્યક્ષ-પંચાંગ તૈયાર કરવાની, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક અગત્ય ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આઝાદી પછી થોડાં જ વર્ષોમાં જણાઈ. પરિણામે ‘પંચાંગ સંશોધન સમિતિ’ (Calendar Reform Committee – CRC) તરીકે ઓળખાતી સમિતિની નિમણૂક ભારત સરકારની ‘કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ’ દ્વારા ઈ. સ. 1952ના નવેમ્બર માસમાં કરવામાં આવી. એના અધ્યક્ષપદે પણ પ્રો. સહાની જ પસંદગી કરવામાં આવી. સમિતિમાં અધ્યક્ષ સહા ઉપરાંત અન્ય છ જેટલા સભ્યો લેવામાં આવ્યા. સમિતિને સોંપવામાં આવેલી કામગીરીનો ઉદ્દેશ આવો હતો : હાલના સમયમાં જનતા દ્વારા ઉપયોગમાં લેવાતાં ભારતમાં પ્રચલિત સઘળાં પંચાંગોને તપાસી જવાં અને વૈજ્ઞાનિક પદ્ધતિએ આ વિષયનો અભ્યાસ કરી સમગ્ર ભારત માટે સમાન એવા એક સૂક્ષ્મ પંચાંગની રચના અંગે ભલામણો કરવી.

1945ની `સહા સમિતિ’ અને 1952ની ‘પંચાંગ સંશોધન સમિતિ’- (CRC)ની ભલામણોને ધ્યાનમાં લઈને 1955માં કૉલકાતા ખાતે એક નાવિક વેધશાળાની સ્થાપના કરવામાં આવી. સહા સમિતિની આ ભલામણોને કારણે ઉત્તર ભારતમાં અને પાછળથી તમિળનાડુમાં કાવલૂર ખાતે ખગોલીય નિરીક્ષણ-સંશોધન માટે આધુનિક વેધશાળાઓ સ્થાપવાના પ્રયત્નો પણ આરંભાયા. કૉલકાતાના આ કેન્દ્રનું નામ આરંભમાં ‘નૅશનલ આલ્મનૅક યુનિટ’ (National Almanac Unit) આપવામાં આવેલું, પરંતુ પાછળથી, 1979થી ડૉ. રાજા રમન્ના સમિતિની ભલામણોને આધારે એ મૂળ નામ બદલીને ‘પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર’ (Positional Astronomy Centre) એવું નવું નામ એને આપવામાં આવ્યું. 1958માં અહીંથી ભારતનું પ્રથમ ‘દૈનિક જ્યોતિષ્ક પત્રક અને નાવિક પંચાંગ’ (Indian Ephemeris & Nautical Almanac) તરીકે ઓળખાતું રાષ્ટ્રીય-શુદ્ધ-ખગોલીય પંચાંગ પ્રસિદ્ધ થયું. આ પંચાંગ હિંદી અને અંગ્રેજી ઉપરાંત અન્ય 13 ભાષાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું. આ પ્રકાશન હવે ‘ભારતીય ખગોલીય દૈનિક જ્યોતિષ્ક પત્રક કે પંચાંગ’(Indian Astronomical Ephemeris)ના નામે ઓળખાય છે.

દર વર્ષે પ્રસિદ્ધ થતું અને આશરે 600 પાનાં ધરાવતું આ રાષ્ટ્રીય પંચાંગ દુનિયાના ખગોળશાસ્ત્રીઓને ઉપયોગી જરૂરી સઘળી માહિતીઓથી ભરેલું હોય છે. દુનિયાના માત્ર આઠેક દેશો જ આવું પ્રકાશન દર વર્ષે કરે છે. એમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને એનું શ્રેય આ સંસ્થાને જાય છે. આ દળદાર ગ્રંથસ્વરૂપના પંચાંગનું એક વધારાનું આકર્ષણ એ છે કે એમાં ભારતના પંચાંગકારો માટે ઉપયોગી ખગોલીય માહિતીઓથી સભર એક ખાસ પ્રકરણ પણ આપવામાં આવે છે. જેથી પરંપરાગત પંચાંગ બનાવનારા પંડિતો ખગોળશાસ્ત્રના પ્રાથમિક ઘટકોનો ઉપયોગ કરીને પંચાંગને વધુ શુદ્ધ કરીને શાસ્ત્રીય રીતે સંસ્કારી શકે.

પંચાંગ-પ્રકાશન કરવા ઉપરાંત આ કેન્દ્ર ખગોળને લોકભોગ્ય કરવાના પ્રયત્નો પણ કરે છે. જાહેર જનતા માટે અવારનવાર આકાશ-દર્શનના કાર્યક્રમો પણ તે યોજે છે. 1965થી આ સંસ્થા દર મહિનાના ખગોલીય તારા-નકશા (monthly star-charts) તૈયાર કરે છે. એમાં ગ્રહોની સ્થિતિ, ચંદ્ર અંગેની વિગતો, સૂર્યના ઊગવા-આથમવાના સમયો વગેરે તથા એ મહિનામાં થનાર કોઈ વિશિષ્ટ ખગોલીય ઘટનાને આવરી લેતી નોંધો સમાવી લેવામાં આવે છે. જાણીતાં દૈનિકોમાં દર મહિનાની પહેલી તારીખે તથા લોકપ્રિય સામયિકોમાં દર મહિને આ તારા-નકશા પ્રસિદ્ધ કરવામાં આવે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ(USA)ની મદદથી 36 સેમી.નું એક અને 28 સેમી.નું એવું બીજું એક, એમ બે સિલેસ્ટ્રૉન-ટેલિસ્કોપ અહીં વસાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, 20 સેમી.નું એક શ્મિટ દૂરબીન (Schmidt Camera) અને ઘન-અવસ્થા પ્રકાશમાપક(solid-state photometer) વગેરે જેવાં ખગોલીય સંશોધન માટેનાં અને છબીઓ ઉતારવા માટેનાં ઉપકરણો પણ અહીં વસાવવામાં આવ્યાં છે.

16 ફેબ્રુઆરી, 1980 અને 24 ઑક્ટોબર, 1995નાં પૂર્ણ સૂર્યગ્રહણોનો વૈજ્ઞાનિક અભ્યાસ તથા હૅલીના ધૂમકેતુના 1985-86ના આગમન સમયે એની છબીઓ પાડવા ઉપરાંત 6 મહિના સુધી એને લગતાં વૈજ્ઞાનિક પ્રયોગો અને અવલોકનો અહીંથી કરવામાં આવ્યાં હતાં. ફેબ્રુઆરી, 1987માં ‘સુપરનોવા-1987-A’ તરીકે ઓળખાતી ભારતની નજદીક આવેલા મોટા મેગેલન તારાવિશ્વમાં ઘટેલી તારાની પરમસ્ફોટક ઘટનાનો અભ્યાસ પણ આ કેન્દ્ર દ્વારા 1988માં મૉરિશિયસથી કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે, માઉન્ટ આબુથી શનિનાં વલય અને લઘુ ગ્રહનું પિધાન (occultation) પણ આ સંસ્થા દ્વારા અવલોકવામાં આવેલું. 1990માં માઉન્ટ આબુથી જ અત્યંત નિસ્તેજ ધૂમકેતુ ઑસ્ટિન(Austin)ની સારી છબીઓ પાડીને એનો પણ અભ્યાસ આ કેન્દ્રે કરેલો. ‘શુમેકર-લેવી-9’ (Shoemaker-Levy-9) તરીકે જાણીતા બનેલા ધૂમકેતુની 1994માં ગુરુ ગ્રહ સાથેની અથડામણ જેવી ઘટનાનો પણ અહીંથી અભ્યાસ થયો હતો. 1994માં થયેલા બુધના અધિક્રમણ(transit)ની છબીઓ પણ આ કેન્દ્રમાંથી જ પાડવામાં આવેલી. તેવી જ રીતે, 1997માં દેખાયેલા ‘હેલ-બૉપ્પ ધૂમકેતુ’ના ફોટાઓ પણ ખડગપુરના આઇઆઇટી (IIT) પરિસર(campus)માંથી આ કેન્દ્ર દ્વારા જ પાડવામાં આવેલા. એક છેલ્લા સમાચાર મુજબ ખડગપુરના આ પરિસરમાં જ, ‘પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર’ની એક અદ્યતન ખગોલીય વેધશાળા પણ સ્થાપવાનાં ચક્રો ગતિમાન થયેલાં છે.

સુશ્રુત પટેલ