પૉઝોલેનિક સિમેન્ટ

January, 1999

પૉઝોલેનિક સિમેન્ટ : જ્વાળામુખીની રાખના થરમાંથી મળતો કુદરતી પદાર્થ. કુદરતી પૉઝોલેનિક સિમેન્ટ એ 80 % ચૂનાવાળી માટી ધરાવતી જ્વાળામુખીની રાખ છે. સુરખી, દાણાદાર સ્લૅગ (ધાતુમળ) અથવા ફ્લાય-ઍશનો ઉપયોગ કરી પૉઝોલેનિક સિમેન્ટ બનાવાય છે. યોગ્ય જાતની માટી (shale) અથવા કેટલાક રેતીના ખડકોનું જ્વલન કરીને કૃત્રિમ પૉઝોલેના તૈયાર કરવામાં આવે છે. પૉઝોલેનામાં સંયોજક-શક્તિ હોતી નથી. પૉઝોલેના સિમેન્ટ એ પૉર્ટલૅન્ડ સિમેન્ટ અને જ્વાળામુખી રાખને સાથે દળીને બનાવેલું મિશ્રણ છે. પૉઝોલેનાનું પ્રમાણ વજનના આધારે 20 %થી 40 % જેટલું રાખવામાં આવે છે. સામાન્ય પૉર્ટલૅન્ડ સિમેન્ટ જામે ત્યારે તેને છૂટો પડેલો ચૂનો ખાસ સામર્થ્ય આપતો નથી; ઉપરાંત તેના પર રસાયણોની માઠી અસર થાય છે. આ મુક્ત ચૂનો પૉઝોલેનિક કૉઁક્રીટમાં પૉઝોલેના સાથે સંયોજાય છે. તેથી આ કૉંક્રીટ રાસાયણિક પરિબળો સામે વધારે ટક્કર ઝીલી શકે છે. પૉઝોલેનિક સિમેન્ટ જામતી વખતે ઓછી ગરમી ઉત્પન્ન કરે છે.

પૉઝોલેનિક સિમેન્ટના ફાયદા આ પ્રમાણે છે : (1) દાબ-સામર્થ્ય સમય જતાં વધતું જાય છે. (2) ગંધકની અસર સામે ટક્કર ઝીલી શકે છે. (3) જામતી વખતે ઓછી ગરમી ઉત્પન્ન કરે છે. (4) જલાભેદ્ય શક્તિ (water-tightness) વધારે છે. (5) સુઘટ્યતા અને કામ કરવાની શક્તિ વધારે છે. (6) પ્રમાણમાં સસ્તો છે. (7) પ્રસરણશક્તિ સામે ટકાઉ છે. (8) તાણસામર્થ્ય વધુ છે.

ગેરફાયદા : (1) શરૂઆતમાં દાબ-સામર્થ્ય ઓછું ધરાવે છે.

(2) ધોવાણ (ઘસારા) અને વાતાવરણની અસર સામે ઓછી તાકાત ધરાવે છે.

નગીન હી. મોદી