પોકરણ (પોખરણ) પરમાણુ-વિસ્ફોટ

January, 1999

પોકરણ (પોખરણ) પરમાણુવિસ્ફોટ : રાજસ્થાનની પશ્ચિમે જેસલમેર જિલ્લામાં આવેલા તાલુકાનું મથક. ભૌગોલિક રીતે પોકરણ 26.55 ઉત્તર અક્ષાંશે અને 71.55 પૂર્વ રેખાંશે આવેલું છે.

ઘણા સમય પહેલાં તે જોધપુર જિલ્લામાં હતું, પણ પાછળથી તેનો જેસલમેર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે તે જોધપુર રાજ્યમાં હતું ત્યારે પોકરણના ઠાકુરે મ્યુનિસિપલ બોર્ડ સ્થાપવાની પહેલ કરી હતી.

આકૃતિ 1 : રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોકરણનું ભૌગોલિક સ્થાન

વીસમી સદીના ઉત્તરાર્ધમાં પોકરણ પરમાણુ-વિજ્ઞાનના ક્ષેત્રે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. મે, 1974માં ભારતે પોકરણ ખાતે પ્રથમ ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ કર્યો હતો અને ફરીથી મે, 1998માં એક પછી એક એમ પાંચ ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ કરવામાં આવ્યા. આ પાંચ પરમાણુ-વિસ્ફોટમાં એક થરમૉન્યૂક્લિયર(હાઇડ્રોજન-બૉમ્બ) વિસ્ફોટ હતો.

ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટની આ બે ઘટનાઓ બાદ પોકરણનું નામ વિશ્વના નકશા ઉપર ઝળકવા માંડ્યું. પ્રાયોગિક ધોરણે કરેલ પોકરણ પરમાણુ-વિસ્ફોટ એ ભારતના પરમાણુ-વિજ્ઞાનીઓ અને ઇજનેરોની એક અપૂર્વ સિદ્ધિ અને પરમાણુ-વિજ્ઞાનના ઇતિહાસમાં સીમાચિહન છે. પોકરણ પરમાણુ-વિસ્ફોટ પહેલાં ભારતે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે સિદ્ધ કરેલી સફળતાએ અને વિસ્ફોટ બાદ પશ્ચિમી રાજકારણના એકતરફી આર્થિક પ્રતિબંધોએ ભારતને સ્વનિર્ભરતાની દિશામાં આગેકૂચ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

આકૃતિ 2 : પોકરણ ખાતે પ્રથમ થરમૉન્યૂક્લિયર પ્રયુક્તિના પરીક્ષણનું સ્થળ (11 મે, 1998)

પરમાણુ-વિસ્ફોટથી માનવ અને વનસ્પતિ સહિત જીવસૃષ્ટિને કોઈ પણ પ્રકારની વિપરીત અસર ન થાય તે જોવાનું રહે છે. આ માટે કેટલાક દેશો દૂર સમુદ્રમાં તો કેટલાક દેશો રણવિસ્તારમાં પરમાણુ-વિસ્ફોટ કરે છે. પ્રાયોગિક પરમાણુ-વિસ્ફોટ માટે ભૂગર્ભ-વિસ્ફોટ એ એક ત્રીજો રસ્તો છે અને ભારતે બંને વખતે પોકરણ ખાતે ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ કર્યા છે. તમામ પ્રકારની સલામતીને લક્ષમાં રાખીને પ્રાયોગિક ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ માટે ભારતે પોકરણની પસંદગી કરી. પ્રથમ કારણ તરીકે પોકરણની આજુબાજુનો પ્રદેશ લગભગ નિર્જન ગણી શકાય તેવો છે, ત્યાં બીજી કોઈ ખાસ વનસ્પતિ નથી. એટલે જીવસૃષ્ટિની સલામતી પરત્વે પોકરણ પરમાણુ-વિસ્ફોટના હેતુ માટે યોગ્ય સ્થળ ગણાય. બીજું કારણ એ છે કે પોકરણ વિસ્તારના પેટાળ(ભૂતળ)માં ઘણી ઊંડાઈ સુધી પાણી કે પાણીના પ્રવાહો માલૂમ પડ્યા નથી. એટલે ભૂતળમાં રેડિયો-ઍક્ટિવિટીને કારણે પાણીને પ્રદૂષિત થવાનો કોઈ ભય નથી. આ બંને કારણોને લીધે પ્રાયોગિક ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ માટે પોકરણ આદર્શ સ્થળ રહ્યું છે. તેથી પોકરણનું નામ જગપ્રસિદ્ધ બન્યું છે.

આકૃતિ 3 : 13 મે, 1998ના રોજ પોકરણ ખાતે કરવામાં આવેલ ચોથા પરમાણુ-વિસ્ફોટનું સ્થળ. આ વિસ્ફોટ 0.2 કિલોટનનો હતો. કેટલાંક અનુ-શ્રવણ મથકો આ વિસ્ફોટ નોંધવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

પરમાણુ-વિસ્ફોટ પાછળ પરમાણુ-બૉમ્બની ક્ષમતા નક્કી કરવાનો અને વિસ્ફોટ પછીનાં પરિણામોનો માહિતીસંગ્રહ તૈયાર કરવાનો હેતુ રહેલો હોય છે. આ હેતુના સંદર્ભમાં મે, 1974ના પોકરણ પરમાણુ-વિસ્ફોટનાં પરિણામો અપર્યાપ્ત રહ્યાં. આથી પરમાણુ-વિસ્ફોટની સર્વગ્રાહી માહિતી એકત્રિત કરવા માટે મે, 1998માં પોકરણ ખાતે પાંચ ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ કરવામાં આવ્યા; જેમાં ચાર ધડાકા વિખંડન (fission) પ્રકારના અને એક સંલયન (fusion) પ્રકારનો થરમૉન્યૂક્લિયર ધડાકો હતો. પરમાણુ-વિસ્ફોટ થતાંની સાથે જ ભૂકંપી તરંગો (seismic waves) પેદા થતા હોય છે. આ તરંગોની તીવ્રતાને આધારે પરમાણુ-બૉમ્બની ક્ષમતાનો અંદાજ મળે છે. મે, 1974 અને મે, 1998માં પોકરણ ખાતે કરેલા પરમાણુ-વિસ્ફોટના લીધે પેદા થયેલા ભૂકંપી તરંગોની તુલના આકૃતિ 4માં કરેલી છે.

બંને વખતે એક જ મથકેથી એટલે કે કર્ણાટક રાજ્યના ગૌરીબિદનુર ભૂકંપી અનુશ્રવણ (Gauribidanur seismic monitoring) મથકેથી પરિણામો નોંધવામાં આવ્યાં હતાં. તેથી આ પરિણામો વિશ્વસનીય ગણી શકાય.

પરમાણુ-બૉમ્બ કે થરમૉન્યૂક્લિયર બૉમ્બની રચના કરીને તેની ક્ષમતાનો સૈદ્ધાંતિક અંદાજ તૈયાર કરવામાં આવે છે અને વિસ્ફોટ બાદ પ્રાપ્ત પરિણામો સાથે સરખાવવામાં આવે છે. આ સંદર્ભમાં પોકરણના મે, 1998ના પરમાણુ-વિસ્ફોટની એક લાક્ષણિકતા એ રહી છે કે પરમાણુ-વિસ્ફોટ પહેલાં કરેલી સૈદ્ધાંતિક ગણતરીઓ અને વિસ્ફોટ બાદ મળેલાં પરિણામોનો મેળ સધાય છે.

આકૃતિ 4 : મે, 1974 અને મે, 1998ના રોજ કરેલા પરમાણુ-વિસ્ફોટને લીધે પેદા થયેલા ભૂકંપી તરંગોની તુલના

પરમાણુ-વિસ્ફોટ સાથે રેડિયો-ઍક્ટિવ વિકિરણ પેદા થાય છે, જે જીવસૃષ્ટિ માટે જોખમકારક હોય છે. પોકરણમાં કરેલા ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ બાદ તે વિસ્તારનાં જુદાં જુદાં સ્થળેથી રેડિયો-ઍક્ટિવ વિકિરણની વૈજ્ઞાનિક ચકાસણી કરતાં માલૂમ પડ્યું છે કે વાતાવરણને રેડિયો-ઍક્ટિવિટીની કોઈ વિપરીત અસર થઈ નથી.

યુ.એસ. દ્વારા બિકિની ટાપુ ઉપર થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ થયો હતો ત્યારે રેડિયો-ઍક્ટિવિટીના જોખમકારક પ્રમાણના લીધે ત્યાંના લોકોને આ ટાપુ છોડી દેવાની ફરજ પડી હતી. બિકિનિયનો યુ.એસ. સામે આ બાબતે કાનૂની મુકદ્દમો લડ્યા અને જીતી ગયા. પરિણામે યુ.એસ.ને આ ટાપુના લોકોને ભારે વળતર ચૂકવવાની ફરજ પડી હતી. આવી પરિસ્થિતિ પોકરણ ખાતે થઈ નથી તે ભારતના વિજ્ઞાનીઓની દીર્ઘદૃષ્ટિ તથા બહુમૂલ્ય સિદ્ધિ ગણાય. આ ષ્ટિએ પરમાણુ-સત્તાઓનો પોકરણ પરમાણુ-વિસ્ફોટ સામેનો વિરોધ ભાગ્યે જ ટકે.

સર્વગ્રાહી પરીક્ષણરોધ સંધિ (Comprehensive Test Ban Treaty – CTBT) પ્રમાણે પરમાણુ-વિસ્ફોટની અસરો માટે એક લક્ષ્મણ-રેખા તૈયાર કરી છે. કોઈ પણ વિસ્ફોટ માટે પેદા થતા ન્યૂટ્રૉનની સંખ્યાનો ગુણક-આંક 1(એક)થી વધવો જોઈએ નહિ. CTBT ઉપર હસ્તાક્ષર કરનાર કોઈ પણ રાષ્ટ્રને આ મર્યાદારેખા ઓળંગવાનો અધિકાર નથી. પોકરણના પરમાણુ-વિસ્ફોટ દરમિયાન ભારતે આ મર્યાદારેખાનું અક્ષરશ: પાલન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય ધોરણોની સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવી છે. આથી પોકરણ પરમાણુ-વિસ્ફોટથી કોઈ પણ પ્રકારના પ્રદૂષણની સમસ્યા ઊભી થઈ નથી.

પોકરણ પરમાણુ-વિસ્ફોટથી વિશ્વશાંતિ જોખમાશે તેવો વિવાદ કેટલાંક રાષ્ટ્રોએ ઉપાડ્યો છે. આ પહેલાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, રશિયા અને ચીને લગભગ બે હજારથી વધુ પરમાણુ-વિસ્ફોટ કર્યા છે. જો આ બધા પરમાણુ-વિસ્ફોટ વિશ્વની શાંતિના ભંગનું કારણ ન બન્યા હોય તો પોકરણના પાંચ ભૂગર્ભ પરમાણુ-વિસ્ફોટ વિશ્વશાંતિને શી રીતે હાનિ કરે ? વિશ્વશાંતિના સિદ્ધાંતોને વરેલ ભારત સામે પરમાણુ-સત્તાઓએ જગાવેલ વિવાદ તે સંદર્ભમાં અન્યાયકારી ઠરે છે.

પ્રહલાદ છ. પટેલ