પો એડ્ગર ઍલન

January, 1999

પો, એડ્ગર ઍલન (. 19 જાન્યુઆરી 1809, બૉસ્ટન, યુ.એસ.; . 7 ઑક્ટોબર 1849, બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એેસ.) : અમેરિકન કવિ, ટૂંકી વાર્તાના લેખક, સર્જક અને વિવેચક. બાલ્યવયમાં માતાપિતા ગુમાવેલાં. રિશ્મૉન્ડના વેપારી જૉન ઍલન પછીથી તેમને પોતાને ઘેર લઈ ગયા. ઍલન દંપતીએ 1815થી 1820 સુધી સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ગાળેલાં વર્ષો દરમિયાન પોએ ત્યાંની ખાનગી શાળાઓમાં પ્રશિષ્ટ કહેવાય તેવું શિક્ષણ લીધું અને પછી રિશ્મૉન્ડમાં એ રીતે ચાલુ રહ્યું. 1826નું એક વર્ષ યુનિવર્સિટી ઑવ્ વર્જિનિયામાં અભ્યાસ માટે ગાળ્યું, પણ જુગારમાં થયેલા દેવાને કારણે તેમના વાલીએ આગળ ભણવાની મના ફરમાવી. રિશ્મૉન્ડમાં સારા ઍલ્મિરા સાથે વિવાહથી જોડાયા, પણ કોઈ પારિવારિક કજિયાને કારણે ઘર છોડી 1827માં બૉસ્ટન ગયા. ત્યાંના નિવાસ દરમિયાન તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ટૅમરલેન ઍન્ડ અધર પોએમ્સ’ બહાર પડ્યો, જેમાં કેટલાંક કાવ્યો ઍલ્મિરાને ઉદ્દેશીને રચાયાં છે. 1829માં બીજો સંગ્રહ ‘અલ્ અરાફાત, ટૅમરલેન ઍન્ડ માઇનોર પોએમ્સ’ બહાર પડ્યો. થોડો સમય લશ્કરમાં જોડાઈ કામ કર્યા પછી 1831માં ન્યૂયૉર્કમાં ‘પોએમ્સ’ સંગ્રહ પ્રકટ થયો. આ કાવ્યો પર અંગ્રેજી રોમૅન્ટિક કવિઓ શેલી, કીટ્સ વગેરેનો પ્રભાવ જણાય છે. પછી રિશ્મૉન્ડમાં ‘ધ સધર્ન લિટરરી મેસેન્જર’ સામયિકના તંત્રી તરીકે સમીક્ષાઓ વગેરે લખ્યાં, તે પણ દારૂની લત કે કોઈ માનસિક બીમારીને કારણે છોડી દેવાની ફરજ પડી; ત્યારે 14 વર્ષની તેમની પિતરાઈ બહેન વર્જિનિયા ક્લેમ તેમની સાથે લગ્નથી જોડાઈ. મેલ્વિલની કૃતિ ‘મૉબી ડિક’ની પ્રેરણારૂપ બનેલી રચના ‘ધ નેરેટિવ ઑવ્ આર્થર ગૉર્ડન પિમ ઑફ નાન્ટુ ચેટ’ 1938માં પ્રકટ થઈ, જેમાં વાસ્તવ સાથે તરંગલીલા ઉપરાંત ઉટપટાંગ નિરૂપણનું સંમિશ્રણ મળે છે. 1840માં ભયાનકતા, ગુનાખોરી, રુગ્ણતા, ગુનાશોધન જેવા વિવિધ વિષયો પરની વાર્તાઓનો સંગ્રહ ‘ટેલ્સ ઑવ્ ધ ગ્રોટેસ્ક ઍન્ડ ઍરબેસ્ક’ પ્રકાશન પામ્યો. ન્યૂયૉર્કમાં 1845માં ‘ધ રેવન ઍન્ડ અધર પોએમ્સ’ પ્રકટ થઈ. ‘ધ રેવન’ પોની કવિ તરીકેની યશોદાયી કૃતિ છે. 1848માં બ્રહ્માંડ વિશેની વિચારણા આલેખતું ‘Eureka’ નામનું પ્રસિદ્ધ વ્યાખ્યાન પ્રકટ થયું. 1847માં તેમનાં પત્નીના અવસાન પછી તેમનું લખવાનું સાવ ઓછું થઈ ગયું. તેમની મનોવેદના અને વ્યગ્રતા વધી ગયાં અને 1848માં તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો.

એડ્ગર ઍલન પો

પોના વ્યક્તિત્વમાં સતત એક પ્રકારનો દ્વિધાભાવ જોવા મળે છે. તેમનાં લખાણોમાં વિષાદ, મૃત્યુવિષયક કલ્પનો, દુ:સ્વપ્નો વગેરેની ભરમાર છે તો બીજી તરફ તે એક આદર્શવાદી દ્રષ્ટાનું દર્શન છે. એમની રચનાઓમાં તેમના આ દ્વિધાભાવભર્યા વ્યક્તિત્વનો પ્રતિઘોષ સંભળાય છે. તેમણે લયાત્મક પદ્ય અને ધ્વન્યાત્મક પ્રાસાદિક ગદ્ય આપ્યું છે તો રુગ્ણ માનસિકતા અને શુષ્કતા આલેખતી રચનાઓ પણ આપી છે. અલબત્ત, પશ્ચાદભૂ અને વિશિષ્ટ વાતાવરણ સ્થાપી, ભયાનકતાના ભાવને સચોટ રીતે ઉપસાવવામાં પો અજોડ છે. વાર્તાકાર તરીકે તેથી તેમને મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે.

વિવેચક તરીકે પોએ ભાષા, છંદ અને સંરચના પર ઘણો ભાર મૂક્યો છે. ટૂંકી વાર્તાના સ્વરૂપની વાત કરતાં તેમણે ત્રણ પ્રાચીન એકતાઓ(unities)ની આવશ્યકતા બનાવી છે. વાર્તામાં પ્રભાવનું એકત્વ જરૂરી છે. સમકાલીન સાહિત્યનું તેમનું વિવેચન અને મૂલ્યાંકન યથોચિત છે. પોનું વિવેચન તેમના પોતાના અનુભવોમાંથી ઉદભવ્યું છે. તેઓ કવિતાને ‘સૌન્દર્યની લયાત્મક રચના’ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે માને છે કે કલાકૃતિમાં નૈતિક ઉપદેશ હોવો જરૂરી નથી, પણ જો તે હોય તો તેમાં વ્યંજનાગર્ભ સૂક્ષ્મ અભિવ્યક્તિ ઇચ્છનીય છે. તેમણે કહ્યું છે કે ‘કાવ્યમાં, કાવ્ય થવા માટે, લાઘવ અનિવાર્ય છે… દીર્ઘકાવ્ય, પ્રભાવની દૃષ્ટિએ, લઘુકાવ્યોની એક શ્રેણી જ બની રહે છે.’ પોની પ્રતિભાનો ઊંડો પ્રભાવ વિશેષે ફ્રેન્ચ કવિઓ ચાર્લ્સ બૉદલેર અને સ્ટીવન માલાર્મે પર પડ્યો હતો. બૉદલેરે પોની વાર્તાઓના અનુવાદ કર્યા; માલાર્મેએ ‘ધ રેવન’નો ગદ્યાનુવાદ આપ્યો, જેનો આધુનિક મુક્ત છંદ પર ઘેરો પ્રભાવ જોવા મળે છે. ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓએ પોના કલ્પન-વિશ્વમાંથી ઘણી પ્રેરણા લીધી છે. તેમણે ‘શુદ્ધ કવિતા’ની તેમની વિભાવના સ્થાપિત કરવામાં પોનાં કાવ્યોનાં ઉદાહરણો ઉપયોગમાં લીધાં છે.

અનિલા દલાલ