પૉવેલ, જી. બી. : આધુનિક તુલનાત્મક રાજનીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતકાર. અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં રહી તેમણે વ્યાપક સંશોધન કર્યાં. 1968માં પીએચ.ડી. થયા. વિકસિત અને વિકાસશીલ દેશોની વિવિધ રાજકીય પ્રથાઓની તુલના કરવા માટે નવીન પ્રકારની વિશ્લેષણપદ્ધતિનું પ્રતિપાદન કર્યું. રાજકીય વ્યવસ્થાના પરિચાલનને સમજવા માટે તેમણે રજૂ કરેલી નિક્ષેપ (input) અન બહિ:ક્ષેપ(output)ની મૌલિક વિભાવના વ્યાપક સ્વીકૃતિ પામી. માનવોના વર્તનની નમૂનારૂપ અભ્યાસ-મોજણી કરી તેના આધારે રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતો રચવાનો પ્રયાસ કરતી શાખા વર્તનલક્ષી અભિગમ તરીકે યા અનુભવવાદી અભ્યાસો તરીકે જાણીતી છે. આવા અભ્યાસો કેમ, શા માટે કરવા તથા અભ્યાસ-મોજણીના આધારે સિદ્ધાંતો કેવી રીતે તારવી શકાય, તે માટે કઈ બાબતો લક્ષમાં લેવી વગેરે અંગે સૂક્ષ્મ સમજ પૂરી પાડનાર પૉવેલ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રેરણાસ્રોત ગણાયેલ છે. વર્તનલક્ષી અભિગમને અનુલક્ષીને તેમણે રાજકીય પક્ષો, લોકશાહી હિત-સંગઠન (interest aggregation) અને હિત-અભિવ્યક્તિ (interest articulation) જેવા રાજ્યશાસ્ત્રના ખ્યાલોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રવાહોને સ્પષ્ટ કરતાં તેમણે ગ્રેબિયલ આલ્મંડ સાથે ‘કમ્પૅરેટિવ પૉલિટિક્સ : અ ડેવેલપમેન્ટલ ઍપ્રોચ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું, જેમાં રાજકીય પ્રથાનો ખ્યાલ તેમણે વિગતે સ્પષ્ટ કર્યો છે. તેમનું આ પુસ્તક તુલનાત્મક રાજ્યશાસ્ત્રનો પાયાનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથ ઉપરાંત વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના ક્ષેત્રમાં તેમણે અન્ય ગ્રંથો પણ લખ્યા છે.
અમિત ધોળકિયા