પૉવેલ, જૉન ઇનૉક (. 16 જૂન 1912, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી, 1998) : નિર્ભીકપણે પોતાના જાતિવાદી વિચારો વ્યક્ત કરનાર બ્રિટિશ સાંસદ અને રાજદ્વારી નેતા. તેમના પિતા શાળા-શિક્ષક હતા. પૉવેલે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. ત્યાં જ ફેલો નિમાયા (1934-37). 25 વર્ષની વયે ઑસ્ટ્રેલિયાની ‘યુનિવર્સિટી ઑવ સિડની’માં ગ્રીક ભાષાના અધ્યાપક તરીકે જોડાયા (1937-39).

દ્વિતીય વિશ્વયુદ્ધ(1939-45)માં તેઓ બ્રિટિશ સેનામાં સામેલ થયા અને સામાન્ય હોદ્દા પરથી ધીમે ધીમે બ્રિગેડિયરના હોદ્દા સુધી પ્રગતિ સાધી. 1950માં સૌપ્રથમ વાર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહ-હાઉસ ઑવ્ કૉમન્સ-માં રૂઢિચુસ્ત પક્ષના સભ્ય તરીકે ચૂંટાયા. તેમણે તેમની સંસદીય કારકિર્દી દરમિયાન મંત્રીપદ પ્રાપ્ત કર્યું. 1960-63 સુધી તેમની પાસે આરોગ્ય મંત્રાલયનો હવાલો હતો. 1965 અને 1968 – એમ બે વાર પૉવેલે રૂઢિચુસ્ત પક્ષની નેતાગીરી માટે એડવર્ડ હીથ સામે નિષ્ફળ પડકાર ફેંક્યો હતો.

1968માં પૉવેલે ‘રિવર ઑવ્ બ્લડ સ્પીચ’ દ્વારા બ્રિટનમાં જાતિવાદના પ્રશ્નને છેડ્યો. પરદેશી વસાહતીઓના વસ્તી-વિસ્ફોટને કારણે ભવિષ્યમાં ઇંગ્લૅન્ડમાં જાતિવાદી યુદ્ધ થશે અને લોહીની નદીઓ વહેશે  એવો  તર્ક તેમણે રજૂ કર્યો. બ્રિટનમાં આવીને વસેલા ભારતીયો, પાકિસ્તાનીઓ, આફ્રિકનો અને વેસ્ટ ઇન્ડિયનો પોતાના કૉમનવેલ્થ દરજ્જાને લીધે બ્રિટિશ નાગરિકતા મેળવી શકે છે. લંડન અને મિડલૅન્ડના ગીચ વિસ્તારો આ લોકોથી ઊભરાય છે. તેમણે ઇંગ્લૅન્ડ ‘યુરોપિયન ઇકૉનૉમિક કૉમ્યુનિટી’માં જોડાય તેનો પણ વિરોધ કર્યો હતો.

પૉવેલને 1963માં છાયાપ્રધાન-મંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા. 24 વર્ષથી પોતે જે મતદારમંડળનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ‘વૉલ્વર હૅમ્પટન’ની બેઠક તેમણે જતી કરી અને તેઓ ‘અલસ્ટર યુનિયનિસ્ટ’માં જોડાયા. ઑક્ટોબર 1974માં પ્રોટેસ્ટન્ટ નૉર્ધર્ન આયરલૅન્ડ મતદાર વિભાગમાંથી સંસદમાં ચૂંટાયા.

તેમણે પ્રાચીન હસ્તપ્રતોના અનુવાદો સહિત અનેક પુસ્તકો, કાવ્યસંગ્રહો તથા રાજકીય વિવેચનાત્મક લેખો લખ્યાં છે. આ ઉપરાંત તેમણે જીવનચરિત્રો અને ઐતિહાસિક ગ્રંથો પણ આપ્યાં છે. તેમના પ્રમુખ ગ્રંથોમાં ‘કૉમન માર્કેટ’, ‘ધ કેસ અગેન્સ્ટ’ (1977), ‘એ નૅશન ઑર નો નૅશન ? : સિક્સ ઇયર્સ ઇન, બ્રિટિશ પૉલિટિક્સ’ (1979), ‘બાયૉગ્રાફી ઑવ્ એ નૅશન’ (1955) તથા ‘ધ હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ ઇન ધ મિડલ એઇજિઝ : એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લિશ હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ ટુ 1540’ (1968 – સહલેખક)નો સમાવેશ થાય છે.

નવનીત દવે