પૉલ, પૉટ (જ. 19 મે 1925, કૉમ્પાગ થોન પ્રાંત, કંબોડિયા; અ. 15 એપ્રિલ 1998, ઍન્લાગ વેંગ, કંબોડિયા) : કંબોડિયાનો નૃશંસ, કુખ્યાત રાજનીતિજ્ઞ. તેનો જન્મ ધનવાન ખેડૂત પરિવારમાં થયો હતો. એ સમયનું કંબોડિયા ફ્રેંચ રાષ્ટ્રસંઘનું સભ્ય હોવાથી તેને પૅરિસમાં અભ્યાસ કરવાની તક મળી હતી; પરંતુ તેને અભ્યાસમાં બિલકુલ રસ ન હોવાથી કોઈ પણ શૈક્ષણિક પદવી મેળવ્યા વિના તે 1953માં કંબોડિયા પાછો ફર્યો હતો. તે પહેલાં, 194૦ના દસકા દરમિયાન વિયેટનામી નેતા હો-ચી-મિન્હના ફ્રાંસવિરોધી પ્રતિકાર સંગઠનનો તે સભ્ય હતો.
પૅરિસમાં અભ્યાસકાળ દરમિયાન સામ્યવાદી સાહિત્યનો પરિચય કેળવીને તે સામ્યવાદના રંગે રંગાયો. કંબોડિયામાં પાછા ફરીને ‘ખ્મેર પીપલ્સ નૅશનલ લિબરેશન ફ્રંટ’ નામનો ક્રાંતિકારી સામ્યવાદી પક્ષ સ્થાપ્યો, જે સંક્ષિપ્તમાં ‘ખ્મેર રુજ’ તરીકે જાણીતો થયો હતો. સામ્યવાદી વિચારોમાં તે ચીનના નેતા માઓ-ત્સે-તુંગના વિચારોથી વિશેષ પ્રભાવિત થયો હતો. 1963માં તે ખ્મેર રુજ પક્ષનો સર્વસત્તાધીશ બની ગયો. સત્તાપ્રાપ્તિ એ જ તેનું ધ્યેય હોવાથી કંબોડિયાના ઈશાન વિસ્તારમાં આવેલાં ઘેરાં જંગલોમાં સંતાઈને તેણે સશસ્ત્ર ક્રાંતિકારી સેનાની સ્થાપના કરી. લગભગ દસ વર્ષ સુધી તેણે જંગલમાં ગુપ્તવાસ કર્યો અને કંબોડિયાની કુલ વસ્તીનો 91 % હિસ્સો ધરાવતી ખ્મેર પ્રજા, જે મુખ્યત્વે ખેતીના વ્યવસાયમાં રોકાયેલી હતી તેનો સહયોગ મેળવ્યો. ચીનના સામ્યવાદી નેતા માઓના વિચારોના પ્રભાવ હેઠળ કૃષિજીવનને તે શ્રેષ્ઠ માનતો હતો. તેણે કંબોડિયાના આંતરિક રાજકારણની નબળાઈઓનો લાભ ઉઠાવી, 1975માં લેફ્ટનન્ટ જનરલ લોન-નોલને પદભ્રષ્ટ કરી સત્તા હાંસલ કરી. 1975થી 1978 સુધી ખ્મેર રુજ પક્ષના વડા તરીકે ખેડૂતલક્ષી આત્યંતિક માઓવાદી સામ્યવાદી કાર્યક્રમો અલમમાં મૂક્યા; જેના ભાગ રૂપે શાળા, કૉલેજો, વિશ્વવિદ્યાલયો અને કારખાનાંઓ બંધ કરી દેવામાં આવ્યાં. તેની નજરે શિક્ષણનું કાર્ય બિનઉત્પાદક હતું. બુદ્ધિજીવીઓ, કલાકારો, સંગીતકારો અને ચિત્રકારોને ખેતીના કામની સોંપણી કરવા અંગે તેણે ખાસ નિયમો બનાવ્યા હતા. આવા કૃષિક્ષેત્રના બિનઅનુભવી લોકોને ખેતીકામમાં સામેલ કરવાથી ખેતપેદાશોમાં એકંદરે ઘટાડો થયો, જેની સજા રૂપે આવા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ખેતીની આ પદ્ધતિ ‘કિલિંગ ફીલ્ડ્ઝ’ને નામે જાણીતી બની. શિક્ષિત અને મધ્યમ વર્ગો પરનો પાશ્ર્ચાત્ય પ્રભાવ જડમૂળથી નાબૂદ કરવા તે કૃતનિશ્ર્ચયી હતો. તેના શાસનનાં વર્ષો દરમિયાન લગભગ વીસ લાખ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનો અંદાજ છે.
આવે સમયે આ વિકટ પરિસ્થિતિ જોઈને કંબોડિયાના પડોશી દેશ વિયેટનામે પોતાના સૈનિકો કંબોડિયામાં મોકલીને ત્યાં ચાલી રહેલા નરસંહારને સમાપ્ત કર્યો. 1978માં પૉલ પૉટને પદભ્રષ્ટ કરવામાં આવ્યો.
ફરીને તે જંગલોમાં સંતાઈ ગયો અને લશ્કરનો સામનો કરવા સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. 1994માં તેના ‘ખ્મેર રુજ’ પક્ષને ગેરકાનૂની સંગઠન જાહેર કરવામાં આવ્યું તથા 1997માં પૉલ પૉટને જંગલમાં ઘેરી લેવામાં આવ્યો. તેના પર કામ ચલાવવાની બાબત વિચારણા હેઠળ હતી; પરંતુ, આ અંગેની કોઈ વાતચીત શરૂ થાય તે પહેલાં જ તેનું અવસાન થયું.
રક્ષા મ. વ્યાસ