પૉલિ–એક્રિલોનાઇટ્રાઇલ : એક્રિલોનાઇટ્રાઇલ ઉપર આધારિત કાર્બનિક બહુલક કુટુંબના રેઝિનમય, રેસામય અથવા રબર જેવા પદાર્થોનો એક વર્ગ. લગભગ બધું પૉલિએક્રિલોનાઇટ્રાઇલ (પૉલિવિનાઇલ સાયનાઇડ) સહબહુલકો(copolymers)માં વપરાય છે. આવા સહબહુલકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : રેસાઓ (fibres), પ્લાસ્ટિક અને રબર. બહુલકી (polymeric) સંઘટનમાં એક્રિલોનાઇટ્રાઇલ (CH2 = CH-CN)ની હાજરી તેની તાપમાન, વિવિધ રસાયણો, સંઘાત (impact) અને આકુંચનતા (flexing) સામેની પ્રતિકારકતા(resistance)માં વધારો કરે છે. બહુલીકરણની પ્રક્રિયા મુક્તમૂલક (free radical) પ્રક્રિયા છે. તેથી તે પેરૉક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અથવા કિરણન (irradiation) દ્વારા અથવા આલ્કલી ધાતુ ઉદ્દીપક વાપરીને થઈ શકે છે.
લગભગ બધા જ પૉલિ-એક્રિલોનાઇટ્રાઇલ રેઝિન સહબહુલકો છે. તેને એક્રિલોનાઇટ્રાઇલ સાથે મિશ્ર એકલકો(monomers)ની પ્રક્રિયા દ્વારા બનાવાય છે. આવા અન્ય એકલકોમાં બ્યુટાડાઇન, સ્ટાઇરિન, વિનીલિડિન ક્લોરાઇડ અથવા વિનાઇલ સંયોજનોને ગણાવી શકાય.
ઓર્લોન જેવા એક્રિલિક રેસાઓમાં 85% એક્રિલોનાઇટ્રાઇલ હોય છે. આ રેસામાં બીજાં એકલકો ઉમેરવાથી તેની ગુણવત્તા વધે છે (દા. ત., રંગકો પ્રત્યે વધુ સક્રિય બનવું). એક્રિલોનાઇટ્રાઇલ, બ્યુટાડાઇન અને સ્ટાઇરિનનું એકસાથે જ બહુલીકરણ કરવાથી ABS રેઝિન બને છે; જે સખત, મજબૂત અને સંઘાત-પ્રતિકારક હોય છે. બ્યુટાડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલમાં જો એક્રિલોનાઇટ્રાઇલનું પ્રમાણ 15%થી 4૦% જેટલું હોય તો તે elastomer NBR અથવા બ્યુના N રબર બનાવે છે. તે રબર ઘર્ષણ સામે પ્રતિકારવાળું, પેટ્રોલ-હાઇડ્રોકાર્બનની તેના ઉપર અસર ન થાય એવું હોય છે. એક્રિલોનાઇટ્રાઇલ તથા વિનીલિડિન ક્લોરાઇડમાંથી સારાન N નામનું રેઝિન બનાવાય છે. પૉલિ-એક્રિલોનાઇટ્રાઇલ રેસાઓમાંથી વહાણના સઢ, ધાબળાઓ તથા વિવિધ પ્રકારનાં કાપડ બને છે
જ. પો. ત્રિવેદી