પૉર્ટ લુઈસ : હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુ-દેશ મૉરિશિયસનું પાટનગર, મોટામાં મોટું શહેર અને એકમાત્ર બંદર. ભૌ. સ્થાન : 20o 10′ દ. અ. અને 57o 30′ પૂ. રે. મુખ્ય ટાપુના વાયવ્ય કિનારા પર નીચાણવાળા ભાગમાં તે આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય (tropical), ગરમ અને ભેજવાળી રહે છે. ડિસેમ્બરથી મે દરમિયાનનું સરેરાશ તાપમાન 30o સે. જેટલું રહે છે, વર્ષના બાકીના મહિનાઓ દરમિયાન આબોહવા ખુશનુમા રહે છે. વર્ષ દરમિયાન સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. જેટલો પડે છે.
શેરડી અહીંની મુખ્ય કૃષિપેદાશ છે, જ્યારે ખાંડ નિકાસ માટેની મુખ્ય ઉત્પાદકીય પેદાશ છે. આશરે 27 જેટલાં કારખાનાંમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન ચોવીસે કલાક ખાંડનું ઉત્પાદન લેવામાં આવે છે. આ શહેરમાં સુતરાઉ કાપડના, ખાદ્યપ્રક્રમણના, વહાણવટાના એકમો આવેલા છે. આ ઉપરાંત અહીં રમ તથા દારૂની અન્ય જાતો, રેસા, ખાંડસરી, સાબુ, તેલ, સિગારેટ તથા દીવાસળી પણ બને છે; આ પૈકીની મોટા ભાગની પેદાશોની યુ.કે. ખાતે નિકાસ થાય છે.
પૉર્ટ લુઈનું બારું વ્યસ્ત વેપારી બંદર તરીકે કાર્યરત રહે છે. અહીં એકસાથે 10 જેટલાં વહાણોનો સમાવેશ થઈ શકે છે. વર્ષ દરમિયાન વહાણો મારફતે આશરે 350 બંદરી સેવાઓની હેરફેર થાય છે. પૉર્ટ લુઈસ ટાપુના અન્ય ભાગો સાથે રસ્તાઓથી જોડાયેલું છે. સાંકડો રેલમાર્ગ નગરો તથા શેરડીનાં ખેતરોને જોડે છે. અહીંથી યુરોપ અને આફ્રિકા તરફની હવાઈ સેવા ઉપલબ્ધ છે.
આ શહેર નીચાણવાળા ભાગમાં વસેલું છે, પરંતુ બ્રિટિશ અને ફ્રેન્ચ-નિવાસી વિસ્તારો ઠંડા, ઊંચાણવાળા ભાગોમાં આવેલા છે. ક્યૉરપાઇપ (Curepipe) નામનો નિવાસી વિભાગ અહીંથી 32 કિમી. દૂર આવેલો છે. 2018 મુજબ અહીંની વસ્તી આશરે 1,47,066 જેટલી છે. મુખ્ય વસ્તી ભારતીય અને ચીની લોકોની છે. કેટલીક વસ્તી બ્રિટિશ અને ફ્રેન્ચ છે. આ શહેરમાંથી ચાર ફ્રેન્ચ-અંગ્રેજી દ્વિભાષી દૈનિક પત્રો તથા ત્રણ ચીની દૈનિક પત્રો બહાર પડે છે. આ શહેરમાં કલાસંગ્રહાલય, રૉયલ કૉલેજ તથા નાના પાયા પર ચાલતું સ્ટૉક એક્સ્ચેન્જ છે. 1812માં બ્રિટિશ લોકોએ દાખલ કરેલી ઘોડદોડની રમત અહીંની મુખ્ય રમત ગણાય છે. ભારતીય મુસ્લિમો દ્વારા શરૂ કરવામાં આવેલો, 1,300 વર્ષ જૂનો મહમ્મદ પયગંબરના અનુયાયીઓની શહીદી પાછળ ઊજવાતો ઘૂન (Ghoon) નામનો તહેવાર તથા મૂળ આફ્રિકી અને માલાગાસી પરંપરામાંથી આવેલો, ગુલામો દ્વારા શરૂ કરવામાં આવેલો સેગાસ (Segas) નામનો તહેવાર અહીંના ગ્રામીણ લોકોના મુખ્ય ઉત્સવો ગણાય છે. તે ચર્ચ અને યુરોપીય-નિવાસી વિસ્તારોથી દૂર ઊજવવામાં આવે છે.
ઇતિહાસ : 18મી સદીના પ્રારંભિક ગાળા દરમિયાન ડચ વહાણોમાંથી નાસી છૂટેલા ‘મુરન્સ’ નામથી ઓળખાતા ગુલામો પહેલવહેલા અહીં આવીને વસેલા, પરંતુ ડચ લોકોને તેની જાણ થતાં તેમણે અહીં આવીને તેમની વસાહતના સ્થળને તારાજ કરી મૂકેલું. ત્યારપછી 1722માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આજના પૉર્ટ લુઈ સ્થળથી 250 કિમી. દૂર નૈર્ઋત્યના સ્થળે વસાહતીઓને મોકલેલા; તેમ છતાં 1735 સુધી તો અહીં કાયમી કે વ્યવસ્થિત કોઈ વસાહતો સ્થપાઈ નહિ. 1736માં ફ્રેન્ચ ગવર્નરે પૉર્ટ લુઈસની અહીં સ્થાપના કરી અને ફ્રાન્સના તત્કાલીન રાજવી લુઈ પંદરમાના માનમાં આ સ્થળને ‘પૉર્ટ લુઈસ’ નામ આપ્યું.
કેટલાક ડચ લોકોએ અગાઉ અહીંના પ્રદેશમાં શેરડીનું વાવેતર શરૂ કરેલું ખરું, પરંતુ ફ્રેન્ચ ગવર્નર માહે દ લેબરદોનાઇસે અહીં વ્યાપારી ધોરણે શેરડીની ખેતી વિકસાવવા ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું. 18મી સદી સુધી આ ટાપુ પર ફ્રેન્ચોની હકૂમત રહેલી.
ત્યારપછી નેપોલિયનના યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ આ ટાપુનો કબજો લઈ લીધો. 1814માં થયેલી પૅરિસની સંધિ પછી અંગ્રેજોને તેનો કાયદેસર કબજો મળ્યો. 1838માં બાંધેલો કિલ્લો (citadel) આ શહેરમાં જોવા મળે છે. 1869માં સુએઝની નહેર ખુલ્લી મુકાઈ ત્યાં સુધી આ શહેર તેમજ બંદર યુરોપ-એશિયા વચ્ચે વહાણોની અવરજવર માટેનું મધ્યમાં આવેલું મુખ્ય મથક રહેલું. ફ્રાન્સની હકૂમત હતી ત્યારથી અહીંના લોકોના જીવન અને રહેણીકરણી પર ફ્રેન્ચ સંસ્કૃતિની અસર એટલી બધી વણાઈ ગયેલી છે કે હજી આજે પણ પૂર્વવત્ પરિસ્થિતિ જ પ્રવર્તે છે.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ