પૉર્ટ બ્લેર : આંદામાન-નિકોબાર ટાપુસમૂહનું પાટનગર અને બંદર. તે બંગાળના ઉપસાગરમાં અગ્નિ દિશા તરફ, કૉલકાતાથી દક્ષિણે 1255 કિમી. અંતરે તથા ચેન્નઈથી પૂર્વમાં 1191 કિમી. અંતરે, દક્ષિણ આંદામાન ટાપુના પૂર્વ કિનારા પર આવેલું છે. ભૌ. સ્થાન : 11o 40′ ઉ. અ. અને 92o 46′ પૂ. રે. આંદામાનની પ્રથમ વસાહતના સ્થાપક આર્ચિબાલ્ડ બ્લેરના નામ પરથી આ સ્થાનનું નામ પડેલું છે.
પૉર્ટ બ્લેર વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે આવેલું હોવાથી ગરમભેજવાળી અયનવૃત્તીય આબોહવા ધરાવે છે. અહીંનું ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 38o સે. અને 16o સે. જેટલું રહે છે. નૈર્ઋત્યના તેમજ ઈશાની મોસમી પવનો વર્ષમાં 8થી 10 માસ લગભગ 3,050 મિમી. જેટલો વરસાદ આપે છે.
ટાપુના અંદરના લગભગ 91% વિસ્તારમાં ગીચ જંગલો આવેલાં છે. રેડવૂડ, સાગ જેવું ઇમારતી લાકડું તથા ગુરજન જેવું પોચું લાકડું આપતાં વૃક્ષો અને વાંસ વિશેષ જોવા મળે છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે; આ ઉપરાંત કઠોળ, શાકભાજી, કેરી, નારંગી, પપૈયાં, અનનાસ જેવાં ફળો તથા મરી, જાયફળ, લવિંગ, તજ વગેરે પાકો પણ થાય છે. તે ટાપુઓમાં થતી તમામ ચીજવસ્તુઓનું વેચાણકેન્દ્ર છે.
અહીં પૉલિથીન બૅગ, પી.વી.સી. પાઇપ, રંગ, વાર્નિશ, સાબુ, કાચ, ફાઇબર ગ્લાસ, સ્ટીલનું ફર્નિચર, પ્લાસ્ટિકનાં પીપ, ઍલ્યુમિનિયમનાં બારી-બારણાં, ખાદ્ય પદાર્થો અને પીણાં, તેલ મિલ, ડાંગર ભરડવાની મિલ જેવા ઉદ્યોગો તથા વાંસની ટોપલીઓ, ચટાઈ અને છીપની વિવિધ વસ્તુઓના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.
દરિયાઈ માર્ગ દ્વારા પૉર્ટ બ્લેર કૉલકાતા, ચેન્નઈ અને વિશાખાપટનમ્ સાથે જોડાયેલું છે. આ માર્ગે મુસાફરો અને માલસામાનની અવરજવર-હેરફેર થતી રહે છે. ઇન્ડિયન ઍરલાઇન્સનાં વિમાનો કૉલકાતા ચેન્નઈ-પૉર્ટ બ્લેર વચ્ચે સફર કરે છે; આ ઉપરાંત તે મ્યાનમાર-ભારત-શ્રીલંકા વચ્ચેના જળમાર્ગનું મથક પણ છે. મલાક્કાની સામુદ્રધુની મારફતે ચીન, દૂરપૂર્વના દેશો, ઑસ્ટ્રેલિયા વગેરેનો જળમાર્ગ અહીંથી પસાર થાય છે. કોથળા, કાપડ, અનાજ, દવા, રંગ, રસાયણો, સિમેન્ટ, કટલરી, હાર્ડવેર વગેરે અહીં આયાત થાય છે; જ્યારે કોપરાં, નાળિયેર, માછલી, રેઝિન, લાકડું, છીપો વગેરેની નિકાસ થાય છે.
જેલમાંથી મુક્ત થયેલા કેદીઓ અને જેલના સંત્રીઓના વંશજો અહીં વસેલા છે, તે ઉપરાંત 1950 પછીથી અહીં મ્યાનમાર, બાંગ્લાદેશ તથા ગુયાનાના નિર્વાસિતો આવીને વસેલા છે. બંગાળી, તેલુગુ તેમજ તમિળભાષી લોકો વેપાર અને નોકરી અર્થે પણ આવીને અહીં વસેલા છે. અહીંના સ્થાનિક આગી તથા જારવા લોકો મૂળ નેગ્રીટો જાતિના છે. જારવા લોકો હજી પણ અલિપ્ત રહે છે.
અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કન્યાઓ માટેની ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા કૉલેજો છે.
સેલ્યુલર જેલ, રાષ્ટ્રીય સ્મારક, સામુદ્રિક સંગ્રહસ્થાન, નૌકાસૈન્યનું દરિયાઈ સંગ્રહસ્થાન, સ્મૃતિકા સંગ્રહસ્થાન, હેડ્ડો પ્રાણીશાસ્ત્રીય ઉદ્યાન, જળક્રીડા સંકુલ, બાળટ્રાફિક પાર્ક, ગાંધી પાર્ક, રાધાકૃષ્ણ મંદિર, બૌદ્ધ મંદિર, જાપાનીઝ બંકર, ચોપાટી જેવાં જોવાલાયક સ્થળો અહીં આવેલાં છે. કુદરતી સૌંદર્યને કારણે પૉર્ટ બ્લેરનો પ્રવાસધામ તરીકે પણ વિકાસ થયેલો છે. હિંદી મહાસાગરનું વ્યૂહાત્મક વધુ હોવાથી ભારતે પોતાનું નૌકામથક અહીં ઊભું કર્યું છે. અહીં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય પણ ઊભાં કરાયેલાં છે.
1789માં ભારતના તત્કાલીન ગવર્નર જનરલ કૉર્નવૉલિસની સલાહ અનુસાર આર્ચિબાલ્ડ બ્લેરે અહીં પ્રથમ વસાહત સ્થાપી હતી. મેલેરિયાના ઉપદ્રવને કારણે તે વસાહતનું સ્થાન બદલવામાં આવ્યું હતું. 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામ બાદ 1858થી અંગ્રેજ સરકારે તે સંગ્રામના ભારતીય કેદીઓને દેશપારની કાળાપાણીની સજા રૂપે અહીં જેલમાં રાખ્યા હતા. વીર સાવરકર જેવા રાજકીય કેદીઓ તથા રીઢા ગુનેગારોને પણ દેશપાર કરી અહીં રખાયા હતા. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન 1942માં અહીંની જેલનો કેટલોક ભાગ નાશ પામ્યો હતો. જાપાન સરકારના આદેશથી આઝાદ હિંદની સરકારે તેનો 5મી નવેમ્બર 1943ના રોજ કબજો લીધો હતો. આઝાદી બાદ જેલના સ્થળે હૉસ્પિટલ બંધાઈ છે. આંદામાન-નિકોબાર ટાપુઓનો વહીવટ ભારતની મધ્યસ્થ સરકાર કરે છે. અહીંની વસ્તી 1,40,572 (2011) જેટલી છે.
શિવપ્રસાદ રાજગોર