પૉર્ટલૅન્ડ ટાપુ (ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના ડોરસેટ પરગણાના કિનારા પર દક્ષિણ તરફ ઇંગ્લિશ ખાડીમાં ઉત્તર-દક્ષિણ લંબાયેલો દ્વીપકલ્પીય સ્વરૂપનો નાનો ટાપુ. ભૌ. સ્થાન : 50o 47′ ઉ. અ. અને 2o 20′ પ. રે. તેની મહત્તમ લંબાઈ 6 કિમી. અને મહત્તમ પહોળાઈ 2.8 કિમી. જેટલી છે. કુલ ક્ષેત્રફળ 11 ચોકિમી.નું છે. આ ટાપુ ડોરસેટની મુખ્ય તળભૂમિ સાથે ચેસીલની કંઠાર-પટ્ટી દ્વારા જોડાયેલો છે, 9 મીટર ઊંચાઈ અને 180 મીટર પહોળાઈ ધરાવતી ડુંગરધાર સ્વરૂપનું આ ભૂમિસંધાન 16 કિમી. અગ્નિ-વાયવ્ય તરફી એબટ્સબરી સુધી વિસ્તરેલું છે. ટાપુના કિનારાના ઢોળાવો એકાએક ઊંચાઈ પ્રાપ્ત કરતા હોવાથી, દક્ષિણના કેટલાક ભાગને બાદ કરતાં દરિયા તરફથી ત્યાં ઉપર ચઢી શકાતું નથી. ટાપુનું ઊંચામાં ઊંચું સ્થાન 147 મીટર ઊંચાઈવાળી વર્ન ટેકરી છે. પૉર્ટલૅન્ડ બીલ નામથી ઓળખાતા તેના છેક દક્ષિણ છેડા પર પવનના સતત ચાલુ રહેતા મારાથી કંડારાયેલી ગુફાઓ કિનારા પર ઊપસેલા રેતાળ ટેકરાઓ (raised beaches) અને પુલ્પિટ ખડક(Pulpit rock)નાં સુંદર દૃશ્યો જોવા મળે છે.
હેન્રી આઠમા દ્વારા 1520માં બંધાયેલો અહીંનો કિલ્લો પૉર્ટ કેસલ જાહેર જનતા માટે ખુલ્લો છે. 1800માં બંધાયેલા પેન્સિલવેનિયા કિલ્લાની તળેટીમાં તીર-કામઠાના આકારનો નૉમર્નોનો રુફસ (Rufus) કિલ્લો જોવાલાયક છે. ત્યાં એક ‘વર્ન જેલ’ પણ છે. 904 હેક્ટર વિસ્તાર આવરી લેતું અહીંનું બારું બધી બાજુએથી બંધિયાર છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પૉર્ટલૅન્ડ બીલ તરફ રક્ષણાત્મક હેતુ માટે એક નૌકામથક સ્થાપવામાં આવેલું છે. ટાપુની કુલ વસ્તી આશરે 13,417 (2021) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા