પૉર્ટલૅન્ડ (ઓરેગૉન, યુ.એસ.) : યુ.એસ.ના ઓરેગૉન રાજ્યનું મોટામાં મોટું શહેર, નદીબંદર, ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર. ભૌ. સ્થાન : 45o 31′ ઉ. અ. અને 122o 40′ પ. રે. તે રાજ્યના મલ્ટનોમાહ પરગણાનું મુખ્ય મથક પણ છે. આ શહેર કોલંબિયા અને વિલામેટ નદીસંગમ પર વસેલું છે; વળી આ બંદર રાજ્યની વાયવ્ય સીમા પર વૉશિંગ્ટન(રાજ્ય)ના વાનકુંવરથી તદ્દન નજીક કોલંબિયા નદીને સામે કાંઠે દક્ષિણ તરફ, પૅસિફિક મહાસાગર પરના નદીમુખથી અંદર તરફના નદીમાર્ગે 160 કિમી.ના અંતરે આવેલું છે.
કાસ્કેડ ગિરિમાળા પૂર્વ તરફ નજીકથી જ પસાર થાય છે. અહીંથી 64 કિમી. દૂર અગ્નિકોણમાં માઉન્ટ હૂડ નામનું 3,426 મીટર ઊંચાઈ ધરાવતું હિમાચ્છાદિત શિખર આવેલું છે. આ શહેરમાંથી નજીકના અંતરે આવેલાં માઉન્ટ રેનિયર, માઉન્ટ સેન્ટ હેલેન્સ તથા માઉન્ટ ઍડમ્સ નિહાળી શકાય છે. આ સ્થળની નજીકમાં ગીચ જંગલ પણ આવેલું છે. અહીં નદીસંગમ હોવાથી જૂના અને નવા શહેરને સાંકળી લેવા માટે આઠ પુલ બાંધવામાં આવેલા છે.
અહીં યુનિવર્સિટી તેમજ કૉલેજોની સંખ્યા સારા પ્રમાણમાં છે. મહાનગરની વસ્તી 2021માં આશરે 6.41 લાખ જેટલી હતી. અશ્ર્વેતો, અમેરિકન ઇન્ડિયનો અને પૂર્વ એશિયાઈ વંશના લોકોની વસ્તી 12% જેટલી છે.
અહીં જૂનમાં ગુલાબનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. શરદ ઋતુમાં પ્રત્યેક વર્ષે પૅસિફિક વિસ્તારનાં ઢોરઢાંખર વગેરેનો મેળો ભરાય છે. શહેરની પૂર્વ તરફ નજીકમાં જ 259 મીટર ઊંચો મલ્ટનોમાહ ધોધ અને બોનેવીલેનો બંધ જોવાલાયક છે, ત્યાં કોલંબિયા ધોરીમાર્ગ દ્વારા જઈ શકાય છે. પૉર્ટલૅન્ડ એ માઉન્ટ હુડ રાષ્ટ્રીય વન માટેનું મુખ્ય મથક પણ છે.
1829માં અહીં ઇન્ડિયનો દ્વારા પ્રથમ વસાહત શરૂ થયેલી. 1844માં મેન રાજ્યના પૉર્ટલૅન્ડ બંદરના નામ પરથી નાગરિકોએ આ સ્થળને પણ પૉર્ટલૅન્ડ નામ આપ્યું. ત્યારપછી અહીં થતા ગયેલા સુવર્ણ ધસારાઓ(gold rushes)ને કારણે લોકો આવતા ગયા, વસતા ગયા અને વસ્તીમાં ઉમેરો થતો ગયો. નદીસંગમ તેમજ પુગેટ-કૅલિફૉર્નિયાના ઉત્તર-દક્ષિણના ધોરીમાર્ગ પરના તેના અનુકૂળ સ્થળસંજોગને કારણે અહીં વસ્તી વધતી ગઈ. કાસ્કેડ હારમાળા, વિલામેટ ખીણપ્રદેશ, કોલંબિયા થાળાની ખેતપેદાશો તથા જંગલની પેદાશો માટેનું તે મહત્ત્વનું મથક બનતું ગયું. વહાણોની અવરજવર માટે નદીબંદરનો વિકાસ થતો ગયો. ઉત્તર પૅસિફિક પ્રદેશ તરફથી રેલમાર્ગ બંધાયો. સસ્તી જળવિદ્યુતની વ્યવસ્થા સાથે સાથે રાસાયણિક અને ધાતુશોધન-ઉદ્યોગો વિકસતા ગયા. ખાદ્યપ્રક્રમણ, માંસપ્રક્રમણ, વીજાણુ સાધનો, લાકડા-ઉદ્યોગ અને સુતરાઉ કાપડ-ઉદ્યોગ પણ વિકસ્યાં. આ રીતે આજે આ શહેર ઘણું મોટું બની રહેલું છે.
ગિરીશભાઈ પંડ્યા