પૉર્ટર, રૉડની રૉબર્ટ (. 8 ઑક્ટોબર 1917, લિવરપુલ, યુ.કે.; . 8 સપ્ટેમ્બર 1985) : પ્રતિપિંડો(antibodies)ની રાસાયણિક સંરચના શોધી કાઢવા માટેના 1972ના નોબેલ પુરસ્કારના જેરાલ્ડ એડલમન સાથેના સહવિજેતા. તેઓ બ્રિટિશ જૈવરસાયણવિદ (biochemist) હતા અને તેમણે લિવરપુલ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીઓ ખાતે શિક્ષણ લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે લશ્કરી સેવા આપી હતી. ત્યારબાદ તેઓ કેમ્બ્રિજમાં બે વખત નોબેલ પુરસ્કારવિજેતા એફ. સેન્ગર સાથે પ્રોટીનવિષયક સંશોધનોમાં જોડાયા અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1948માં તેમણે પ્રતિપિંડોની રચના અંગે સંશોધન શરૂ કર્યું. વચ્ચે થોડા સમય માટે તેઓ એ. જે. પી. માર્ટિન સાથે જોડાયા અને પ્રોટીનના વિઘટન (fractionation) પર કાર્ય કર્યું. તેમણે પ્રોટીનના વર્ણાનુલેખી (chromatographic) વિઘટનમાં વિશેષ રસ દર્શાવ્યો હતો. ફરી પાછું પ્રતિપિંડોની રાસાયણિક સંરચના અંગે સંશોધન શરૂ કર્યું. તેમણે દર્શાવ્યું કે પ્રતિપિંડોનું આંશિક રૂપે વિઘટન કરવામાં આવે તોપણ તેમની પ્રતિજન (antigen) સાથે જોડાવાની ક્ષમતા ઘટતી નથી. પ્રતિજન સાથે જોડાવાની ક્ષમતાને પ્રતિજનબધ્યતા (antigen binding capacity) કહે છે. તેમણે 1958-59માં પ્રતિપિંડના અણુના બે ટુકડા કરી બતાવ્યા.

રૉડની રૉબર્ટ પૉર્ટર

196૦ સુધીમાં તેમણે દર્શાવ્યું કે પ્રતિપિંડના અણુમાં ભારે અને હલકી એમ બે પ્રકારની શૃંખલાઓ હોય છે તથા તેમાં ત્રણ અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાંના બે વિસ્તારો એકસરખા હોય છે, જે બંને પ્રતિપિંડના અણુ સાથે જોડાય છે. તેમણે એડલમનના પ્રયોગોનાં પરિણામોનો તથા વીજાણુ-સૂક્ષ્મદર્શક (electron microscope) દ્વારા મળેલી માહિતીનો ઉપયોગ કરીને પ્રતિપિંડના અણુની સંરચના (structure) અંગે સુંદર કલ્પના કરી હતી. 1962માં તેઓ સેન્ટ મૅરીઝ હૉસ્પિટલમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે પ્રતિપિંડના અણુમાંની પેપ્ટાઇડ સંરચના વિશે સંકલ્પના રજૂ કરી હતી. 1967માં તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે જીવવિજ્ઞાન – વિભાગના વડા બન્યા. 197૦માં તેઓ ઇંગ્લૅન્ડની તબીબી સંશોધન કાઉન્સિલના સભ્ય તથા તેના પ્રતિરક્ષાલક્ષી રસાયણવિભાગના વડા બન્યા. ત્યાં તેમણે પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિન તેમજ પ્રતિરક્ષાલક્ષી કોષોના ગુણધર્મો પર સંશોધન કર્યું. પૉર્ટર 1985માં માર્ગ-અકસ્માતમાં માર્યા ગયા હતા.

મૂળ 19૦8માં નોબેલ પુરસ્કારવિજેતા એર્લિચ દ્વારા પ્રતિપિંડોની આણ્વિક સંરચના (molecular structure) વિશે વિચાર શરૂ કરાયો હતો. તેને 193૦માં નોબેલ પુરસ્કારવિજેતા લૅન્ડસ્ટેઇનર અને પૌલિંગે વિકસાવ્યો હતો. 1972માં પૉર્ટરે એડલમનના પ્રયોગોને આધારે તેના સ્વરૂપ વિશે સંકલ્પના રજૂ કરી, જેને 1984માં નોબેલ પુરસ્કારવિજેતા થયેલા મિલ્સ્ટેઇને પૂર્ણ કરી હતી.

શિલીન નં. શુક્લ