પૉર્ટર, જ્યૉર્જ (. 6 ડિસેમ્બર 192૦, સ્ટેઇનફોર્થ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; . 31 ઑગસ્ટ 2૦૦2, કેન્ટરબરી, યુ.કે.) : અલ્પઆયુષ્ય ધરાવતા પ્રકાશરાસાયણિક પદાર્થોની પરખ માટે સ્ફુરપ્રકાશી અપઘટન(flash photolysis)ની પદ્ધતિ વિકસાવનાર બ્રિટિશ ભૌતિકરસાયણવિદ જ્યૉર્જે લીડ્ઝ વિશ્વવિદ્યાલયની થૉર્ન ગ્રામર સ્કૂલ તથા કેમ્બ્રિજની ઇમાન્યુએલ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1945થી કેમ્બ્રિજમાં ડૉ. નૉરિશના હાથ નીચે પ્રકાશરાસાયણિક વાયુ-પ્રક્રિયાઓમાં ઉદ્ભવતા અલ્પઆયુવાળા મધ્યવર્તી મૂલકો (radical intermediates) ઉપર અભ્યાસ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશ લશ્કરમાં નૌકા-અધિકારી (naval officer) તરીકે સેવાઓ આપી હતી.

જ્યૉર્જ પૉર્ટર

વિશ્વયુદ્ધ પછી તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં 1949થી 1952 સુધી ભૌતિકરસાયણના ડેમોન્સ્ટ્રેટર તરીકે કાર્ય કર્યું. 1952થી 1954 દરમિયાન તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર ઑવ્ રિસર્ચ થયા. 1955માં તેઓ શેફિલ્ડ વિશ્વવિદ્યાલયના રસાયણશાસ્ત્ર વિભાગમાં જોડાયા અને 1966 સુધી ત્યાં શિક્ષણ અને સંશોધનકાર્ય કર્યું. 1963થી 1966 દરમિયાન લંડનની રૉયલ ઇન્સ્ટિટ્યૂટમાં રસાયણશાસ્ત્રના ફુલેરિયન પ્રોફેસર તરીકે પણ તેઓ રહ્યા હતા. 1966માં તેઓ ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે નિમાયા હતા. 1972માં તેમને ‘નાઇટ’નો ખિતાબ આપવામાં આવેલો.

જ્યૉર્જ પૉર્ટર તથા રૉનાલ્ડ નૉરિશ બંનેએ ખૂબ ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ માટેની એક નવી ટેક્નીક – સ્ફુરપ્રકાશી અપઘટન – વિકસાવી છે. આ અત્યંત ઉપયોગી સંશોધન માટે જ્યૉર્જ પૉર્ટર, રૉનાલ્ડ નૉરિશ અને માનફ્રેડ આઇગેન(જર્મની)ને સંયુક્ત રીતે 1967નો રસાયણનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1975 સુધીમાં તો આ તકનીક વડે તેઓ એક પિકોસેકન્ડ (1૦-12 સેકન્ડ) જેટલું આયુષ્ય ધરાવતા અણુઓને પારખી શકતા હતા.

પૉર્ટરે ‘કેમિસ્ટ્રી ફૉર મૉડર્ન વર્લ્ડ’ (1962), ‘લૉઝ ઑવ્ ડિસૉર્ડર’ (1965) અને ‘ટાઇમ મશીન્સ’ (1969-7૦) નામનાં પુસ્તકો લખ્યાં છે.

જ. પો. ત્રિવેદી