પૉર્ચ્યુલેકેસી (Portulacaceae) : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 19 પ્રજાતિઓ અને લગભગ 580 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે વિશ્વના ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 2 પ્રજાતિઓ અને આશરે 7 જાતિઓ થાય છે. Portulaca oleracea L. (લૂણી) હિમાલયમાં 1,650 મી.ની ઊંચાઈ સુધી થતી જોવા મળે છે.
એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય માંસલ અથવા ઉપક્ષુપીય (suffrutescent), દા. ત., Talinum. પર્ણો સાદાં, એકાંતરિક કે સમ્મુખ, ઘણી વાર પર્ણ-ગુચ્છ (rosulate) સ્વરૂપમાં, સામાન્યત: માંસલ; ઉપપર્ણો ઝિલ્લીરૂપ (scarious) કે વજ્રકેશીય (setaceous), Claytoniaમાં તેમનો અભાવ; પુષ્પવિન્યાસ અગ્રસ્થ, એકાકી કે ગુચ્છમાં, પરિમિત કે અપરિમિત, કલગી કે સંયુક્ત કલગી (lalinum), પુષ્પ ત્રિજ્યાસમમિત (actionomorphic), દ્વિલિંગી, અધોજાયી કે પરિજાયી, ઘણી વાર સુંદર; વજ્રપત્રો-2 (Lewisia અને Grahamiaમાં અનેક) લીલા રંગનાં, કોરછાદી (imbricate), મુક્ત કે તલસ્થ ભાગેથી જોડાયેલાં, શીઘ્રપાતી (caducous), અધ:સ્થ; દલપત્રો – 4થી 6 (Calyptridiumમાં 2 અને Montiaમાં 3), મુક્તદલપત્રી અથવા તલસ્થ ભાગેથી, જોડાયેલાં; કોરછાદી, ઘણે ભાગે શીઘ્રપાતી, અધ:સ્થ કે પરિજાયી; પુંકેસરો દલપત્રોની સંખ્યા જેટલાં કે અસંખ્ય, દલપત્ર સમ્મુખ, મુક્ત અથવા કેટલીક વાર દલપત્રો પરથી ઉત્પન્ન થયેલા તંતુઓ લાંબા, પાતળા; પરાગાશયો દ્વિખંડી; સ્ફોટન લંબવર્તી, અંતર્મુખી (introse), montiaમાં ઓછાં પુંકેસરો; સ્ત્રીકેસરો 2થી 3 કે વધારે, યુક્ત; બીજાશય ઊર્ધ્વસ્થ કે અર્ધ અધ:સ્થ (portulaca), એકકોટરીય, બે કે તેથી વધારે વક્રમુખી (campylotropous) અંડકો મુક્ત કેન્દ્રસ્થ (free central) જરાયુ પર ગોઠવાયેલાં, પરાગવાહિની અને પરાગાસનો 2થી 8; ફળ અનુપ્રસ્થ-સ્ફોટી (circumscissile) પ્રાવર અથવા 2થી 3 કપાટો (valve) દ્વારા સ્ફોટન પામતું વિવરીય (loculicidal) પ્રાવર, ભાગ્યે જ અસ્ફોટનશીલ કાષ્ઠ ફળ (nut); બીજ એક કે ઘણાં, ભ્રૂણપોષ પુષ્કળ પ્રમાણમાં; તેમાં ભ્રૂણ ખૂંપેલો.
તખ્તજાને (1980) આ કુળને ઍઇઝોએસી અને કૅક્ટેસીની નજીકનું ગણ્યું છે. બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ પરિદલપુંજ એકચક્રીય ગણાય છે. આ મત પ્રમાણે વજ્રને નિચક્ર, વજ્રપત્રોને નિપત્રો અને દલપુંજને પરિદલપુંજ ગણવામાં આવે છે. હૉફમૅન અને પૅક્સે આ મંતવ્યને અનુમોદન આપ્યું છે.
Portulaca grandiflora અને Talinum portulacifolium બાગમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. P. oleracea મૂત્રપિંડ, મૂત્રાશય અને હૃદયના રોગોમાં અને P. quadrifolia દમ અને કફમાં ઉપયોગી છે.
દીનાઝ પરબિયા
મીનુ પરબિયા