પોરબંદર (જિલ્લો)

January, 1999

પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ અરબી સમુદ્ર આવેલા છે. જિલ્લામથક પોરબંદર દરિયાકાંઠે આવેલું છે. આ જિલ્લાને આશરે 105 કિમી. લાંબો દરિયાકિનારો મળ્યો છે.

પોરબંદર

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લામાં આવેલી બરડાની ડુંગરમાળા જામનગર તરફ વિસ્તરેલી છે. બરડાના ડુંગરમાંથી અશ્માવતી નામની નાની નદી દક્ષિણ કિનારા પરની ખાડીને મળે છે, ત્યાં અશ્માવતી ઘાટ આવેલો છે. આ સિવાય સોરતી, કમાન, કાલિન્દ્રી, મીનસર, ભાદર, ઓઝત, સુખભાદર વગેરે નદીઓ વહે છે. જે અંતે અરબી સમુદ્રને મળે છે.

આબોહવા : પોરબંદર જિલ્લો સમુદ્રકાંઠે આવેલો હોવાથી તેની આબોહવા એકંદરે ખુશનુમા રહે છે. ઉનાળામાં મે માસનું સરેરાશ ગુરુતમ તાપમાન 32.3o સે. જ્યારે શિયાળામાં જાન્યુઆરીનું તાપમાન 28.5o સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 500 મિમી. જેટલું રહે છે. ચોમાસાની શરૂઆતમાં કે અંતે જિલ્લામાં ક્યારેક વાવાઝોડાં આવી જાય છે. 1975ના ભયંકર વાવાઝોડાએ અહીંની વનસ્પતિ તેમજ માલ-મિલકતને ઘણું નુકસાન પહોંચાડેલું.

ખેતી – વનસ્પતિજીવન-પ્રાણીજીવન : જિલ્લાની મોટા ભાગની જમીન પથરાળ હોવાથી અહીં ખેતીની પેદાશોનું પ્રમાણ ઓછું રહે છે. અહીંનો મુખ્ય કૃષિપાક બાજરી છે. નાળિયેરી અને લીમડો અહીંનાં મુખ્ય વૃક્ષો છે. વડ અને પારસપીપળો ક્યાંક ક્યાંક જોવા મળે છે. પોરબંદર વિસ્તાર બરડા ડુંગરમાળામાંથી મળતી વનસ્પતિ માટે જાણીતો છે. દરિયાકાંઠે ખાડી વિસ્તારની આજુબાજુ ચેરનાં વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. ગાય અને ભેંસ જેવાં પાલતુ પશુઓનો ઉછેર અહીં મોટા પાયા પર થાય છે; આ કારણે પોરબંદરનું ઘી ગુજરાતભરમાં જાણીતું બનેલું છે. ખાડીને કારણે બારેમાસ જોવા મળતાં પંખીઓમાં સુરખાબ અને બગલા તથા યાયાવર પંખીઓમાં પેણ અને બતક મુખ્ય છે. કિનારા નજીકથી વિવિધ પ્રકારની માછલીઓ મેળવાય છે. તેમાં ખાસ કરીને પૉપ્લેટ, ઝિંઘા, મગરા મોટા પ્રમાણમાં મળતી હોવાથી તેમની પરદેશ ખાતે નિકાસ કરવામાં આવે છે.

પોરબંદરનું વિહંગાવલોકન

ઉદ્યોગ-વેપાર : પોરબંદરની આજુબાજુનો પ્રદેશ ચૂનાખડક, ચૉક (મિલિયોલાઇટ) અને બૉક્સાઇટ જેવા ખડકો અને ખનિજોથી સમૃદ્ધ છે. આ કારણે અહીં સિમેન્ટનું કારખાનું નાખવામાં આવેલું છે. પોરબંદર ખાતે સુતરાઉ કાપડની મિલ, તેલમિલો, વનસ્પતિ ઘી અને સાબુનાં કારખાનાં, સૉડા-ઍશનું કારખાનું, તાપવિદ્યુત-મથક, હોડીઓ બાંધવાનો જહાજવાડો વગેરે આવેલાં છે. આ ઉપરાંત અહીં મત્સ્ય-ઉદ્યોગ તથા મીઠું પકવવાનો ઉદ્યોગ પણ ચાલે છે.

અહીંના બંદરેથી વીજળીનો સામાન, હાર્ડવેર, દવાઓ, ખાંડ, ખજૂર, કપાસિયા, અનાજ, ઇમારતી લાકડાં, ખાતર, કોલસો વગેરેની આયાત તથા માછલીઓ, સિમેન્ટ, ચૉક (ચૂનાખડક), બૉક્સાઇટ અને અનાજની નિકાસ થાય છે.

પરિવહન : પોરબંદર એ ધોળા-જેતલસર-પોરબંદર રેલમાર્ગ પરનું અંતિમ (રેલ)મથક છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગ 8-B મારફતે સૌરાષ્ટ્રનાં રાજકોટ, બામણબોર સાથે, કંઠાર ધોરી માર્ગો મારફતે તે ભાવનગર, માંગરોળ, વેરાવળ અને ઓખા સાથે તેમજ જિલ્લામાર્ગો દ્વારા તે તાલુકામથકો સાથે સંકળાયેલું છે.

પોરબંદર મધ્યમ કક્ષાનું બારમાસી બંદર છે. તરંગરોધ(breakwaters)થી તે આરક્ષિત છે. અહીંની જેટી પર 21,000 ટન વજન સુધીની સ્ટીમરો આવી શકે છે. માછીમારોની સગવડ માટે ઍલ્યુમિનિયમ, લોખંડ અને લાકડાંનો ઉપયોગ કરીને અહીંના જહાજવાડામાં હોડીઓનું સમારકામ થાય છે. આ ઉપરાંત અહીં મત્સ્ય-બંદરનો તેમજ નૌકાદળના મુખ્ય કેન્દ્રનો વિકાસ કરવામાં આવ્યો છે.

હવાઈ મથક, પોરબંદર

પ્રવાસન : પોરબંદર જિલ્લામાં ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે. પોરબંદરની ઉત્તરે ખીમેશ્વર, કાંટેલાનું વિષ્ણુમંદિર તથા મિયાણી બંદર; ઈશાને ચામુંડા, નંદેશ્વર, ક્ધિદરખેડાનું સૂર્યમંદિર, હથાલા-શનીશ્વર, રાણપુરની બૌદ્ધ ગુફાઓ, ઘૂમલી, ભાણવડ ગોપનાં સ્થાનો; પૂર્વે જાંબુવાનનું ભોંયરું, ઝૂડેશ્વર, કોકશિયા અને બીલેશ્વર; અગ્નિકોણમાં છાયાગઢ, ભીમેશ્વર (ધીંગેશ્વર), ચહાડેશ્વર અને ઓડોદર આવેલાં છે. આ ઉપરાંત નવીબંદર, ભાલેજ, પતા, માધવપુર અને આજક પણ જોવાલાયક છે. માધવપુર ખાતે ઓશોનો આશ્રમ તથા કાચબા-ઉછેરકેન્દ્ર પણ છે.

ગાંધીજીનું કીર્તિમંદિર

પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી તે દુનિયાભરમાં પ્રખ્યાત બની રહેલું છે. અહીં ગાંધીજી અને કસ્તૂરબાના પૂર્વજોનાં રક્ષિત મકાનોની નજીક 34.2 મીટર ઊંચું ગાંધીજીનું સ્મારક ‘કીર્તિમંદિર’ તૈયાર કરાયું છે. ત્યાં ગાંધીજીના સાહિત્યનું પુસ્તકાલય, પ્રાર્થનાખંડ, કાંતણખંડ, બાલમંદિર, ગાંધીજી અને કસ્તૂરબાનાં પૂર્ણ કદનાં તૈલચિત્રો તેમજ ગાંધીજીના જીવનનાં દૃશ્યો તથા 79 દીપકોથી યુક્ત મંદિર પણ છે. વળી અહીંનાં પ્લૅનેટેરિયમ (તારામંદિર), પોરમાતા, શાંતિનાથનું મંદિર, રાણાનો મહેલ, સુદામાપુરી તથા ચોપાટી અને દીવાદાંડી પણ જોવાલાયક છે. દર્શન અને મનોરંજનનાં સ્થળોમાં ભારતમંદિર, કમલા નહેરુપાર્ક, રવીન્દ્ર રંગમંચ, પૅરડાઇસ પિક્ચર હાઉસ તથા ભવ્ય ફુવારાનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીનું જન્મસ્થાન (મૂળ ઘર), પોરબંદર અને ગાંધીજી

રાષ્ટ્રપિતા ગાંધીજી

વસ્તી-લોકો : 2011 મુજબ પોરબંદર જિલ્લાની વસ્તી 5,86,062 જેટલી છે. જિલ્લાને ત્રણ તાલુકા(પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ)માં વિભાજિત કરેલો છે. જિલ્લામાં 186 જેટલાં ગામ આવેલાં છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 69 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે; તે પૈકી રામબા ગ્રૅજ્યુએટ ટ્રેનિંગ કૉલેજ, મહાલા પૉલિટૅકનિક કૉલેજ, ગુરુકુળ કન્યા વિદ્યાલય, વિવિધ જ્ઞાતિ-છાત્રાલયો તથા પુસ્તકાલયો આવેલાં છે.

પોરબંદરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, વિદ્વાનો, ભક્તો, કવિઓ અને કેળવણીકારોએ દેશપરદેશમાં સારી પ્રતિષ્ઠા ઊભી કરેલી છે. આઝાદી બાદ પોરબંદર શહેરના નવસર્જનમાં મહારાણા નટવરસિંહજી અને રાજરત્ન નાનજી કાળિદાસ મહેતાનો હિસ્સો વિશેષ રહ્યો છે.

ઇતિહાસ : 1997(2-10-1997)માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને પોરબંદરનો નવો જિલ્લો રચવામાં આવેલો છે. પોરમાતાના મંદિરને કારણે તેનું નામ ‘પોરબંદર’ પડ્યું હોવાનું કહેવાય છે. દસમા સૈકાના દાનપત્રમાં ‘પૌરવેલાકુલ’ તરીકે તથા તેરમા સૈકાના પાળિયા અને શિલાલેખોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. પોરબંદર શહેર, આ રીતે જોતાં, ઓછાંમાં ઓછાં 1000 વર્ષ કે તેથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વળી તે, સૌરાષ્ટ્રનાં પ્રાચીન ગણાતાં શહેરોમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું તે અગાઉ 1785થી 1948 સુધી તો તે સૌરાષ્ટ્રનું બીજા વર્ગનું દેશી રાજ્ય હતું અને જેઠવા વંશના રાજવીઓ ત્યાં રાજ્ય કરતા હતા.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી