પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ જ્વાળામુખીનું પ્રસ્ફુટન થવાથી આ નગર તદ્દન નાશ પામ્યું હતું. ત્યારબાદ તે ફરીથી વસ્યું છે. આધુનિક પૉમ્પી ખંડિયેર પૉમ્પીના પૂર્વ ભાગમાં આવ્યું છે. અહીંના સાન્ટા મારિયા ડેલ રોઝારિયોના દેવળ(basilika)ને કારણે તે યાત્રાધામ બન્યું છે.

ઈ. સ. પૂ.ની આઠમી સદી દરમિયાન નવપાષાણયુગના લોકોના વંશજ ઑસ્કન પ્રજાની અહીં સાર્નો નદીના મુખ પર વસાહત હતી. આ લોકો સંસ્કારી ગ્રીકોના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી સાતમી સદીમાં એસ્ટ્રુસ્કનો અને પાંચમી સદીના અંતભાગમાં લડાયક ઇટાલિક સમનાઈ લોકો આવ્યા. સિરેક્યુઝના રાજા હીરોન પહેલાએ એસ્ટ્રુસ્ક્નોને દરિયાઈ યુદ્ધમાં હરાવ્યા હતા. ત્યારબાદ ફરીથી ગ્રીક અસર પ્રબળ બની હતી. એક સદી પછી ન્યૂસેરિયા શહેર પૉમ્પી વગેરે શહેરોની લીગનું મથક બન્યું હતું. ઈ. પૂ. 310માં રોમન નૌકાસૈન્યે ન્યૂસેરિયા ઉપર નિષ્ફળ હુમલો કર્યો હતો. ત્યારબાદ તે કંપેનિયા રોમન સમવાયતંત્રમાં મિત્રરાજ્ય તરીકે જોડાયું હતું; પરંતુ તેઓ પૂરેપૂરા રોમન બન્યા ન હતા અને રોમ સામેના બળવામાં પૉમ્પિયનો ઇટાલિયનો સાથે જોડાયા હતા. ઈ. સ. પૂ. 89માં રોમન સેનાપતિ લુસિયસ કૉર્નેલિયસ સુલ્લાએ પૉમ્પીને ઘેરો ઘાલ્યો હતો. આ યુદ્ધ પછી તેમને રોમનું નાગરિકત્વ મળ્યું હતું. રોમ વિરુદ્ધ લડાઈમાં ભાગ લેવા બદલ રોમન યુદ્ધવીરોની વસાહત શિક્ષા તરીકે પૉમ્પી ખાતે સ્થપાઈ હતી, પરંતુ થોડા વખતમાં પૉમ્પીવાસીઓ અને રોમન વસાહતીઓ એકબીજા સાથે મળી ગયા. ઑસ્કન ભાષાનું સ્થાન લૅટિન ભાષાએ લીધું. જ્વાળામુખી-પ્રસ્ફુટન થયું તે પહેલાં આ શહેર 66 હેક્ટરમાં ફેલાયેલું હતું અને વસ્તી 20,000 જેટલી હતી, તેથી તેને મ્યુનિસિપાલિટીનો દરજ્જો પણ અપાયો હતો.

વિસુવિયસ જ્વાળામુખીના લાવામાં દટાઈ ગયેલા પ્રાચીન પૉમ્પી નગરના અવશેષો

ઈ. સ. 57માં પૉમ્પીના ઍમ્ફિથિયેટરમાં ન્યૂસેરિયનો અને પૉમ્પિયનો વચ્ચે દંગલ થયેલું. ઈ. સ. 62માં અહીં થયેલા ભૂકંપથી પૉમ્પી અને હરર્ક્યુલેનિયમ શહેરોને ઘણું નુકસાન પહોંચેલું. આ સ્થળોની પુનર્રચનાનું કામ ચાલતું હતું તે દરમિયાન, ભૂકંપનાં 17 વર્ષ બાદ, ઈ. સ. 79ના ઑગસ્ટની 24મી તારીખે વિસુવિયસ ભયંકર ધડાકાઓ સાથે ફાટ્યો. શહેર આખું ખંડિયેરોના ભંગારમાં ફેરવાઈ ગયું; એટલું જ નહિ, તે જ્વાળામુખીની ભસ્મના 6 મીટર જાડા થર હેઠળ દટાયું અને નામશેષ બની રહ્યું. 20,000ની વસ્તી પૈકીના 2,000 માણસો મૃત્યુ પામ્યા; જ્વાળામુખીની રાખ ઠંડી પડ્યા પછી થોડાક બચી ગયેલા લોકોએ પોતાની કીમતી માલમિલકત શોધવા પ્રયાસો કર્યા; અને સમય વીતતાં બધું ભુલાઈ ગયું. વર્ષોનાં વર્ષો સુધી પૉમ્પી ખંડિયેર રહ્યું.

16મી સદી દરમિયાન પાણી માટે ભૂગર્ભ પાઇપલાઇન નાખતી વખતે થયેલા ખોદકામમાંથી જૂના અવશેષો મળ્યા. 1707માં આરસનાં પૂતળાં મળ્યાં. 1738માં હર્ક્યુલેનિયમ શહેરનું અને 1748માં પૉમ્પી શહેરનું ઉત્ખનન-કાર્ય હાથ ધરાયું. 1763માં મળેલ શિલાલેખ પરથી પૉમ્પીના સ્થળની ખાતરી થઈ. 1748થી 1860 સુધીના ગાળામાં આડેધડ છૂટક છૂટક લગભગ 84 હેક્ટર જેટલા વિસ્તારમાં ઉત્ખનન થયેલું છે; હજી આજે પણ ઉત્ખનન-કાર્ય ચાલુ જ છે.

પૉમ્પીનગરનો આલેખ (પ્લાન)

ઉત્ખનનમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર પૉમ્પી શહેર અંડાકારમાં વિસ્તરેલું હતું. શહેરને ફરતો 10,236 મીટર લાંબો કોટ હતો. કોટને સાત દરવાજા અને અગિયાર ટાવર હતાં. શહેરના મધ્ય ભાગમાં બજાર (ફૉરમ, market place) હતું. બજારમાં ફરતા સ્તંભોની હારમાળા હતી. મુખ્ય મંદિરના સ્થળ પર જ્યુપિટર, જુનો અને મિનર્વાને અર્પણ કરાયેલાં મંદિરો હતાં. જાહેર મકાનો પૈકી કાઉન્સિલ-ચેમ્બર, મ્યુનિસિપલ સભાસ્થાન, કચેરીની ઇમારતો, દેવળ (basilika) તથા ખોરાકી ચીજો વેચવાનું સ્થળ વગેરે હતાં. શહેરના દક્ષિણ ભાગમાં આવેલા ફોરમમાંથી ઈ. સ. પૂ. છઠ્ઠી સદીનું ડૉરિક શૈલીનું મંદિર, ગ્રીક શૈલીના સ્તંભોવાળો ઓરડો, કુસ્તી માટેના અખાડાનો ખંડ, કુસ્તીબાજો(gladiators)ના રહેઠાણની બરાકો, ખુલ્લું નાટ્યગૃહ (open air theatre), સંગીતના જલસા માટેનું ગૃહ તથા યુમેશિયા (Eumachia) નામની ધનિક સ્ત્રીએ બંધાવેલું ગરમ કાપડ-ઉદ્યોગનું ભવન વગેરેના અવશેષો મળી આવેલા છે. શહેરના દક્ષિણ ભાગમાં કૅપિટોલિયમ તરીકે ઓળખાતા સ્થાનમાં નગરસમિતિ મળતી હતી. આ ઉપરાંત અહીં મૅજિસ્ટ્રેટોની કચેરીઓ પણ હતી. શહેરની પશ્ચિમે નગરરક્ષક દેવી વિનસ પૉમ્પિયાનાનું મંદિર હતું. સૌથી જૂનું ઍપૉલોનું મંદિર પણ મળ્યું છે. રહેઠાણનાં ઘરોની અંદરની દીવાલો તથા ફર્શ (ભોંય) પર સુંદર ભિત્તિચિત્રો અને મોઝેઇકથી બનાવેલાં સુશોભનો હતાં. સિકંદર અને ઈરાનના સમ્રાટ દરાયસ વચ્ચે થયેલાં યુદ્ધ દૃશ્યોનાં ચિત્રો પણ મળી આવ્યાં છે. આ ઉપરાંત આરસનાં પૂતળાં, ચોક, સભાસ્થાનો મળ્યાં છે. શહેરમાં છૂટાંછવાયાં અનેક જાહેર સ્નાનાગરો તેમજ ધનિકોનાં સ્વતંત્ર વૈભવદ્યોતક સ્નાનાગારો મળી આવ્યાં છે. સામાન્ય માનવીઓના વસવાટનાં ખાનગી ઘરો પણ શોધી કાઢવામાં આવ્યાં છે. પૉમ્પી ખાતે ઈ. સ. પૂ. ચોથીથી ત્રીજી સદી સુધીના ગાળાના સમનાઇટ લોકોના કાળના સ્થાપત્યના નમૂનાઓ મળેલા છે. સૌથી વધુ વૈભવશાળી મકાનો ઈ. પૂ. 200થી 80ના સમયગાળામાં હતાં. આ કાળ દરમિયાન અહીં વેપારવૃદ્ધિ થઈ હતી. સાંસ્કૃતિક સંપર્કોને કારણે ગ્રીક લોકો જેવી સંસ્કારિતા અહીં અસ્તિત્વ ધરાવતી હતી. નાયકનું ઘર બે મુખ્ય ઓરડા, ચાર ભોજનખંડો તથા બે બગીચા ધરાવતું હતું; સુંદર ભોજન(banquet)ઘર ઉપરાંત કુટુંબનાં બાળકો માટે શાળાની ગરજ સારે એવું અલાયદું મકાન પણ હતું. લ્યુક્રેસિયસ ફોન્ટોનું ઘર નાનું અને નાજુક હતું. જ્વાળામુખીના પ્રસ્ફુટન અગાઉ અહીં ભૂકંપ થયેલો. તે પૂર્વે, ઇજિપ્તની અસર સૂચવતાં કેટલાંક મકાનો પણ બંધાયાં હતાં. વિવિધ પ્રકારના આ અવશેષો તત્કાલીન સંસ્કૃતિ, સમાજજીવન અને રહેણીકરણીનો વાસ્તવિક ખ્યાલ આપે છે.

નેપલ્સ ખાતેના અંગ્રેજ એલચી વિલિયમ હૅમિલ્ટન અને તેમની બીજી પત્ની એમ્પા હૅમિલ્ટન (1764-1800) આ સ્થળની ઘણી વિગતવાર માહિતી ધરાવતાં હતાં; અને પ્રવાસીઓને માર્ગદર્શક પણ થતાં હતાં. કલાકારો, સ્થપતિઓ, ચિત્રકારો અને ફર્નિચરના ઘડવૈયા તથા અન્ય જિજ્ઞાસુઓ માટે પૉમ્પી પ્રેરણાના અખૂટ સ્રોત સમાન બની રહેલું. 18મી સદીના ઇંગ્લૅન્ડના અને ફ્રાન્સના કલાકારો તથા 16મા લુઈ અને નેપોલિયનના શાસન દરમિયાન આ દેશના કલાકારોએ પૉમ્પીના પ્રદાનનો ઉલ્લેખ કર્યો છે. ટૂંકમાં, વેપાર, ઉદ્યોગ, સ્થાપત્ય, ચિત્રકલા, વાસ્તુકલા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પૉમ્પીનું પ્રદાન મહત્વનું બની રહેલું છે.

શિવપ્રસાદ રાજગોર