પૉઇન્ટ ફોર પ્રોગ્રામ : એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના વિકાસશીલ દેશો માટે ટૅકનિકલ અને આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ.
20 જાન્યુઆરી, 1949ના રોજ અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમાનના શપથગ્રહણ પ્રસંગે કરવામાં આવેલ ઉદબોધનનો ચોથો મુદ્દો આને લગતો હોઈને પાછળથી આ કાર્યક્રમને ‘પૉઇન્ટ ફોર પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યો. 1950માં અમેરિકન ‘કૉંગ્રેસ’ની અનુમતિ મળતાં આ કાર્યક્રમ અન્વયે નાણાં ફાજલ પાડવામાં આવ્યાં. શરૂઆતમાં કાર્યક્રમનો અમલ ‘વિદેશ મંત્રાલય’ની વિશેષ શાખા મારફતે કરવામાં આવતો, પરંતુ 1953માં તેને અન્ય વિદેશી મદદના કાર્યક્રમો સાથે ભેળવી દેવામાં આવ્યો. આ કાર્યક્રમનો પ્રત્યક્ષ હેતુ વિકાસશીલ દેશોને ટેક્નૉલૉજિકલ અને આર્થિક મદદ પૂરી પાડવાનો હતો; પરંતુ તેનો પરોક્ષ હેતુ આ દેશોમાં અમેરિકન પ્રભાવને વધારવાનો હતો. અમેરિકન નીતિના ઘડવૈયાઓ આ કાર્યક્રમને સામ્યવાદના આક્રમણ વિરુદ્ધના એક સંરક્ષણાત્મક સાધન તરીકે ગણતા. ટેકનિકલ મદદના અન્ય ઘણા કાર્યક્રમોનો તે પુરોગામી કાર્યક્રમ હતો.
નવનીત દવે