પોઇન્કારે હેન્રી

January, 1999

પોઇન્કારે, હેન્રી (. 29 એપ્રિલ 1857, નાન્સી, ફ્રાન્સ; . 17 જુલાઈ 1912, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી, સૈદ્ધાંતિક ખગોળવેત્તા અને વૈજ્ઞાનિક તત્વવેત્તા. માધ્યમિક શિક્ષણ નાન્સીમાં મેળવેલું અને 19 વર્ષની વયે સ્નાતક થયેલા. તેમનું કુટુંબ મધ્યમવર્ગનું પણ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થાથી જ તેમને ગણિતશાસ્ત્રમાં રસ હતો. 1872થી 1875 દરમિયાન તેઓ પૉલિટૅકનિકમાં અભ્યાસ અર્થે જોડાયા અને ત્યાં ગણિતશાસ્ત્રમાં સર્વોચ્ચ માન મેળવ્યું. તેઓ અસાધારણ યાદશક્તિ ધરાવતા હતા. બ્લૅકબોર્ડ ઉપર લખેલા ગાણિતિક સંકેતો વગેરે તેઓ સારી રીતે જોઈ શકતા ન હતા. આ કારણને લીધે જ ગણિતની અટપટી ગણતરીઓ તેઓ મનમાં જ કરી લેતા. તેમની ચોકસાઈ એવી હતી કે સંશોધનલેખ એક વાર લખ્યા પછી ફરી વાર સુધારવાની તેમને જરૂર રહેતી ન હતી. ફ્રાન્સ-જર્મન મહાયુદ્ધના સમય દરમિયાન તેઓ જર્મન ભાષા શીખ્યા હતા અને તેના ઉપર પ્રભુત્વ મેળવેલું. 1879માં વિકલ સમીકરણો પર મહાનિબંધ લખીને યુનિવર્સિટીની ઇકોલ (Ecole) રાષ્ટ્રીય સંસ્થામાંથી પીએચ.ડી.ની ઉપાધિ તેમણે મેળવી હતી.

થોડો સમય ડી. કેન યુનિવર્સિટીમાં તેમણે ગાણિતિક વિશ્લેષણ શીખવ્યું. 1881માં તેઓ પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને યંત્રશાસ્ત્ર, પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર, શુદ્ધ અને પ્રયુક્ત ગણિતની વિવિધ શાખાઓમાં તેમજ સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર વગેરે વિષયોમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં. 1909માં ગોટિન્જન ખાતે છ વ્યાખ્યાન આપેલાં, જેમાંથી પાંચ જર્મન ભાષામાં આપેલાં. જર્મન ભાષા પરના તેમના પ્રભુત્વનો એ પુરાવો છે.

હેન્રી પોઇન્કારે

ઉપર્યુક્ત વિષયોમાં તેમણે લગભગ પાંચસો જેટલા સંશોધન-લેખો લખ્યા હતા. તેમણે આપેલાં યુનિવર્સિટી-વ્યાખ્યાનોમાં વક્તવ્યના વિષયો દર વર્ષે બદલાતા. આ વક્તવ્યોમાં તેમણે પ્રકાશિકી (optics), વિદ્યુતશાસ્ત્ર, ખગોળ, ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) અને સંભાવનાશાસ્ત્ર વગેરેના ગાણિતિક સિદ્ધાંતો આવરી લીધા હતા. યુનિવર્સિટીમાં આપેલાં આ વ્યાખ્યાનો ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. બૈજિક સમીકરણો ઉકેલવાના પ્રશ્નેમાં તેમણે ગાણિતિક વિશ્લેષણ પરના તેમના નૈપુણ્યનો ઉપયોગ કરીને સ્વયંસમસ્વરૂપ (automorphic) વિધેયનો ખ્યાલ વિકસાવ્યો. આ વિધેયનો ઉપયોગ કરીને સંમેય બૈજિક સહગુણકોવાળા સુરેખ વિકલ સમીકરણ(linear differential equation)નું સંકલન કેવી રીતે કરવું તે દર્શાવ્યું. કેટલાંક સ્વયંસમરૂપ વિધેયોને જર્મન ગણિતજ્ઞ ફૂખના નામ ઉપરથી તેમણે ફૂખિયન વિધેયો નામ આપ્યું. લેઝારસ ફૂખ સૈદ્ધાંતિક વિકલ સમીકરણના પ્રણેતા હતા. ગણિતશાસ્ત્ર પરના નોંધપાત્ર પ્રદાનને કારણે પોઇન્કારે 1887માં પૅરિસની વિજ્ઞાન અકાદમીમાં સભ્ય તરીકે ચૂંટાયા. અવકાશીય યંત્રશાસ્ત્ર(celestial mechanics)માં ગ્રહોની કક્ષાઓના સંદર્ભમાં પોઇન્કારેએ ઘણું જ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર પ્રદાન કરેલું છે; જે યંત્રશાસ્ત્રમાં ત્રણ અવકાશી પદાર્થો(સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી)ની ઘટના અંગે છે. આ પદાર્થોનાં દળ, વેગ અને તેમની વચ્ચેનાં અંતરો વગેરેને લક્ષમાં લેતાં તેઓ પ્રવર્તમાન અવકાશી ગતિમાર્ગમાં નિશ્ચલ રહેશે કે નહિ અને રહેશે તો ક્યાં સુધી ? – આ અને તેને સંબંધિત અન્ય પ્રશ્નોના ઉકેલ અંગે સ્વિડનના રાજવી ઓસ્કર બીજાએ જાહેર કરેલો પુરસ્કાર 1889માં  હેન્રી પોઇન્કારેને આપવામાં આવેલો. આ જ વર્ષમાં પોઇન્કારેને ‘નાઇટહૂડ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા. પોઇન્કારેએ ખગોળશાસ્ત્રની તેમની આગવી રીતોનો ઉપયોગ અવકાશી યંત્રશાસ્ત્રમાં કર્યો. ભ્રમણ કરતા પ્રવાહી તથા વાયુના સમતુલન વિશેના પ્રશ્નેમાં પણ તેમણે વિશિષ્ટ યોગદાન આપ્યું છે. શનિનાં વલયોના સ્થાયિત્વ અને યુગ્મ તારાઓના ઉદગમ અંગેના ખ્યાલોમાં અને બ્રહ્માંડોત્પત્તિનાં સંશોધનોમાં આનો મુખ્ય ફાળો છે. 1906માં ઇલેક્ટ્રૉનની ગતિવિદ્યા પરના તેમના સંશોધનપત્રમાં તેમણે આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી સ્વતંત્રપણે વિશિષ્ટ સાપેક્ષવાદ(special relativity)નાં કેટલાંક પરિણામો મેળવ્યાં, જોકે આ પરિણામો મેળવવામાં પ્રકાશના પ્રસારણમાધ્યમ તરીકે ઈથરની પૂર્વધારણા લેવામાં આવી હતી.

ગણિતશાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે તેમની સાહિત્યિક પ્રતિભાનો ઉપયોગ વિજ્ઞાનનાં લોકભોગ્ય પુસ્તકો લખવામાં કર્યો. વિજ્ઞાનના પાયારૂપ સિદ્ધાંતો વિશેના તેમના ખ્યાલો ‘વિજ્ઞાન અને પરિકલ્પનાઓ’ (‘સાયન્સ ઍન્ડ હાઇપૉથિસિસ’, 1905), ‘વિજ્ઞાન અને પદ્ધતિઓ’ (‘સાયન્સ ઍન્ડ મેથડ્ઝ’ 1914), ‘વિજ્ઞાનનાં મૂલ્યો’ (‘વૅલ્યૂઝ ઑવ્ સાયન્સ’, 1907) જેવાં પુસ્તકોમાં વર્ણવેલાં છે. તેમના આ ગ્રંથોએ તેમને વિશાળ જનસમુદાયમાં પ્રસિદ્ધિ અપાવી. તેમના ગ્રંથોનું અંગ્રેજી, જર્મન, હંગેરિયન, જાપાની, સ્પૅનિશ અને સ્વીડિશ વગેરે ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. પોઇન્કારેનાં પ્રતિષ્ઠા અને પ્રભાવ ફ્રેંચ જગતમાં વધતાં તેમને 1906માં વિજ્ઞાન અકાદમીના પ્રમુખ ચૂંટવામાં આવ્યા. 1908માં ફ્રેંચ અકાદમીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ફ્રેંચ લેખકને આપવામાં આવતા ઉચ્ચતમ માનથી નવાજવામાં આવ્યા. તેમણે ગણિતના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરેલા છે, જેનો આજ સુધી ઉકેલ મળી શકેલ નથી.

લીલાધર ખેસાભાઈ પટેલ