પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી; પણ 1963માં તેમને ‘લિલીઝ ઑવ્ ધ ફીલ્ડ’ના અભિનય બદલ ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો અને ત્યારથી તેઓ સિનેજગતના સૌપ્રથમ આફ્રિકન-અમેરિકન સુપરસ્ટાર બની ગયા.
તેઓ સોહામણા અને નિરભિમાની હતા. તેમણે ‘હીટ ઑવ્ ધ નાઇટ’ (1967) તથા “ગેસ હુ’ઝ કમિંગ ટુ ડિનર” (1967) જેવાં ચલચિત્રોમાં ઉમદા અને બુદ્ધિમાન પાત્રો ગૌરવપૂર્ણ અદાકારીથી ભજવી બતાવ્યાં. 1970ના દાયકા દરમિયાન તેમણે પોતે જ કેટલીક હળવી કૉમેડીઓનું સફળતાપૂર્વક નિર્દેશનનિર્માણ કર્યું. 10 વર્ષના ગાળા પછી તે ફરીથી અભિનય તરફ વળ્યા અને ‘શૂટ ટુ કિલ’ અને ‘લિટલ નિકિતા’ (બંને 1988) જેવાં ચિત્રોમાં તાજગીભર્યો અભિનય આપ્યો.
મહેશ ચોકસી