પેસ્ટાલોઝી, જૉન હેનરિક (જ. 12 જાન્યુઆરી 1746, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1827, (Brugg), બ્રગૂ સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના કેળવણીકાર. જૉન હેનરિક પેસ્ટાલોઝીનો, બાળપણમાં જ પિતાના મરણને લીધે, માતાની સંભાળ નીચે ઉછેર થયો. ઝુરિકની શાળામાં વિદ્યાર્થીઓના સુધારક મંડળના અગ્રણી. ‘મેમૉરિયલ’ નામનું મુખપત્ર વિદ્યાર્થીઓ ચલાવતા. તેમાં પેસ્ટાલોઝીનો પ્રથમ લેખ જોવા મળે છે.
તેમને ઍના શૂલ્થેસ સાથે મિત્રતા થઈ. પાછળથી 1769ના સપ્ટેમ્બરમાં તેમણે લગ્ન કર્યાં. તે સમયે પેસ્ટાલોઝીએ કૃષક બનવા માટે વિચાર્યું; પણ તે પ્રયત્નમાં તેમને નિષ્ફળતા મળી. તેમને શિક્ષણ સુધારવાના વિચારો વધારે આવવા લાગ્યા. તેમને લાગ્યું કે કેળવણીથી જ દુ:ખનિવૃત્તિ થઈ શકે છે, આથી તેમણે શિક્ષણ-પ્રયોગો શરૂ કર્યા.
પેસ્ટાલોઝીએ પોતાની આસપાસના ગરીબ ખેડૂતોની વસ્તીમાંથી વીસ વિદ્યાર્થીઓની એક શાળા શરૂ કરી. એ શાળામાં જ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની તથા મફત કપડાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી. આ શાળામાં વિદ્યાર્થિનીઓ પણ હતી. વિદ્યાર્થીઓને ખેતીવાડીની તાલીમ પણ આપવામાં આવતી. વિદ્યાર્થિનીઓને ઘરકામ અને સીવણ-ગૂંથણની તાલીમ પણ મળતી હતી. વણવાના હુન્નરની તાલીમ ઉપરાંત શાળાના અભ્યાસક્રમમાં લેખન, વાચન, ગણિત વગેરે વિષયો પણ હતા. શિક્ષણનો ઝોક હુન્નર શીખવા પર રહેતો. શિક્ષણની પ્રક્રિયા કામ કરતાં કરતાં શીખવાની હતી.
છ વર્ષના અનુભવ પછી પેસ્ટાલોઝીને તે શાળા બંધ કરવાની ફરજ પડી. તેનું મૂળ કારણ પેસ્ટાલોઝીમાં વ્યવસ્થાશક્તિ નહોતી તેથી કરજ થઈ ગયું તે છે. વાલીઓ એવો આક્ષેપ કરતા કે પેસ્ટાલોઝી બાળકો પાસે કામ કરાવીને પૈસા પેદા કરે છે.
રૂસોનાં શૈક્ષણિક અને રાજકીય લખાણો વાંચીને ઉત્સાહિત બનેલા સ્વિટ્ઝર્લૅન્ડના આ શિક્ષણકાર શિક્ષણ-સંસ્કારથી ગરીબ જનતાના જીવનની સપાટી ઊંચી લાવવા ગરીબોનાં ઝૂંપડાં વચ્ચે નિશાળ ખોલીને બેઠા, પરંતુ શિક્ષણપ્રયોગ સફળ ન કરી શક્યા; કારણ કે શિક્ષણને સફળ બનાવવાની ઘટનામાં કે તેના સંગઠનમાં સરકારને રસ ન હતો, પેસ્ટાલોઝીએ શિક્ષણને સફળ બનાવવા માટે આર્થિક સંચાલન જરૂરી ગણ્યું છે.
મુશ્કેલીઓમાં પણ તેઓ પોતાના પ્રયત્નથી ચલિત થયેલા નહિ. આ સમયમાં, 1781માં તેમણે મિત્રોના આગ્રહથી ખેડૂતોની જિંદગીનું ચિત્ર તથા તેમની અધોગતિની નિદાનસહ ચિકિત્સા દર્શાવતું પુસ્તક ‘લિયોનાર્દ ઍન્ડ ગરટ્રૂડ’ લખ્યું. આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય બન્યું. પાંત્રીસ વર્ષની વયે પેસ્ટાલોઝીએ ગ્રંથો લખવાનું કામ શરૂ કર્યું.
પેસ્ટાલોઝીએ સ્વાભાવિક રીતે જ શારીરિક કામનો માનસિક કામ સાથે, ઉદ્યોગનો અભ્યાસ સાથે અને કારખાનાનો નિશાળ સાથે સંબંધ જોડેલો. શીખવવાના સંબંધમાં તેઓ ફરીફરીને કહે છે કે, જ્યાં સુધી મૂળતત્ત્વો પૂર્ણ રીતે સમજાયાં ન હોય ત્યાં સુધી જરા પણ આગળ વધવું નહિ.
1805માં પેસ્ટાલોઝીએ ઇવરડનમાં એક શાળા શરૂ કરી. તેમાં તેમને ઘણી સફળતા મળી. તેમાં યુરોપના દેશોના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવવા લાગ્યા. ફ્રેડરિક ફ્રૉબેલ અને જૉન ફ્રેડરિક હર્બર્ટ તેમની શાળાથી ઘણા પ્રભાવિત થયા. પેસ્ટાલોઝી માનતા હતા કે બધાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર છે અને શિક્ષણમાંથી લાભ મેળવવાની શક્તિ પણ બધાં બાળકોમાં સમાન છે. તેઓ માનતા કે બાળકની આંતરિક શક્તિ વિકસાવવી જોઈએ. શિક્ષણના સિદ્ધાંતોમાં તેમણે વસ્તુઓના, લોકોના તથા પરિસ્થિતિના નિરીક્ષણ પર ઘણો ભાર મૂક્યો. તેમના સમયમાં તેમણે શિક્ષણ વિશેના ક્રાંતિકારી વિચારો દ્વારા યુરોપના દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ખ્યાતિ મેળવી. તે જમાનો કડક શિસ્તનો હતો પણ તેઓ માનતા હતા કે બાળક પ્રેમ અને સ્વતંત્રતાના વાતાવરણમાં વધારે સારું શીખી શકે છે.
સ્ટાન્સનો બાલકાશ્રમ અને બર્ગડૉર્ફની નિશાળના અનુભવે તેઓ કહેતા કે, નિશાળનો ઉદ્દેશ ભણાવવાનો નહિ પણ કેળવવાનો છે. ઈશ્વરે આપણી પ્રકૃતિમાં જે નીતિ, બુદ્ધિ અને શરીરની શક્તિઓનાં બીજ મૂકેલાં છે તે ખીલવવાં જોઈએ.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ