પેંગ્વિન : સ્ફેનિસ્કિફૉર્મિસ શ્રેણીના સ્ફેનિસ્કિડે કુળનાં મજબૂત બાંધાવાળાં, નાના પગવાળાં, ઊડવા અસમર્થ પરંતુ કુશળ તરવૈયા તરીકે જાણીતાં, ઠંડા દરિયામાં વાસ કરતાં જળચારી પક્ષી. તે પ્રજનનાર્થે વિષુવવૃત્ત પ્રદેશમાં આવેલ ગેલાપેગૉસ આર્ચિપેલાગો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને તે વિસ્તારમાં આવેલા ટાપુમાં સ્થળાંતર કરે છે. માત્ર એડેલી અને એમ્પરર નામે ઓળખાતાં પેંગ્વિન ઍૅન્ટાર્ક્ટિકા પ્રદેશમાં બચ્ચાં પેદા કરે છે. તેની પાંખ હલેસાં જેવી હોય છે. આંગળીઓ વચ્ચે ચામડી આવેલી હોય છે, જ્યારે પાંખ અરિત્ર (rudder) તરીકે ઉપયોગી નીવડે છે. પીંછાં ભીંગડાં જેવાં હોય છે. મોટે ભાગે તે પૃષ્ઠબાજુએ કાળાં હોય છે. વક્ષ-પ્રદેશ સફેદ રંગનો હોય છે. પેંગ્વિનની 6 પ્રજાતિ અને 18 જાતિ છે. એપ્ટેનોડાયટેસ ફૉર્સ્ટેરી નામે ઓળખાતું એમ્પરર પેંગ્વિન સૌથી મોટું છે. તેની ઊંચાઈ 1.2 મી., જ્યારે વજનમાં 40 કિગ્રા. જેટલું હોય છે.

સમુદ્રકિનારે ટોળામાં વસતાં આ પક્ષીઓ ઊડી શકતાં નથી, પરંતુ આયામ-અક્ષે ચાલતાં આ પક્ષીઓ મનુષ્ય જેવા દ્વિપાદ પ્રાણીની યાદ તાજી કરે છે.

પેંગ્વિનની અલગ અલગ જાતિઓને ચાંચની લંબાઈ, આકાર અને કાર્યપદ્ધતિના આધારે અલગ તારવી શકાય છે; જેમ કે, એમ્પરરની ચાંચ લાંબી, પાતળી અને સહેજ વળેલી હોય છે; જ્યારે યુડિપ્ટેસની ચાંચ ટૂંકી, પરંતુ પહોળી હોય છે. સ્ફેનિસ્કસ પેંગ્વિનની ચાંચ ટૂંકી, મજબૂત અને ચપટી હોય છે.

આ પક્ષીનો પ્રિય ખોરાક માછલી, સેપિયા અને સ્તરકવચી પ્રાણીઓ (ખાસ કરીને ક્રિલ) છે. ભક્ષ્યનો શિકાર કરવા માટે તે પાણીમાં ડૂબકી લગાવે છે અને તેની વિશિષ્ટ ચાંચથી તેને પકડી લે છે. ભક્ષ્યને પકડવા માટે દરિયામાં 260 મી. ઊંડાઈ સુધી તે નીચે ઊતરે છે.

આ નિર્દોષ પક્ષીના કુદરતી દુશ્મનોની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ લેપર્ડ સીલ અને મનુષ્ય તેના મુખ્ય દુશ્મનો કહી શકાય. પેંગ્વિનનું આયુષ્ય અન્ય પક્ષીઓની સરખામણીમાં લાંબું હોય છે. જીવનભર તેઓ તેમના સાથી પ્રાણી તેમજ તેમના નિવાસસ્થાનને વફાદાર રહે છે; અર્થાત્, તેમને બદલવાની વૃત્તિ તેમનામાં નથી હોતી.

શાહી પેંગ્વિન

ખડક-કૂદ પેંગ્વિન

મોટાભાગની પેંગ્વિનની જાતિઓ તેમનો માળો જમીન પર, દરિયા-કિનારે બાંધે છે. તે બાંધવામાં પથ્થરો, ઘાસ, સળીઓ કે અસ્થિઓનો ઉપયોગ કરે છે. લિટલ બ્લૂ જાતિનું પેંગ્વિન તેનો માળો દર, બખોલ કે તિરાડમાં બાંધે છે; પણ સૌથી વિશિષ્ટ માળો તો એમ્પરર પેંગ્વિનનો હોય છે. તે મધદરિયે સરકતા બરફના ટુકડાનો ઉપયોગ માળો બાંધવા માટે કરે છે. આ એક જ પેંગ્વિનની એવી જાતિ છે કે જે કદી જમીનનો સ્પર્શ કરતી નથી !

સામાન્ય રીતે માદા પેંગ્વિન 2થી 3 ઈંડાં મૂકે છે અને તેને સામાન્ય પક્ષીની જેમ નરમાદા વારાફરતી સેવે છે. માદા એમ્પરર પેંગ્વિન માત્ર 1 ઈંડું મૂકે છે; અને તેને બંને પગના પંજાની ત્વચાથી રચાતી કોથળી જેવા સુરક્ષિત સ્થાને સેવે છે. આશરે 64 દિવસના સેવન બાદ તેમાંથી બચ્ચું બહાર નીકળે છે.

પેંગ્વિનની સૌથી મોટી સમસ્યા નિર્મોચનની છે. સાપની કાંચળીની જેમ આ પક્ષી પણ પોતાનું બાહ્યકંકાલ દૂર કરીને વૃદ્ધિ પામે છે. જાણે જૂનો કોટ ઉતારી નવો કોટ પહેરતું હોય ! આ ગાળો એક મહિનાનો કે તેથી વધુ હોય છે. આ સમયે તે જલાભેદ્ય ન હોવાથી દરિયામાં ખોરાક માટે જઈ શકતાં નથી. પરિણામે આ ગાળામાં આશરે 40 % જેટલું શરીરનું વજન તે ગુમાવે છે.

દિલીપ શુક્લ