પેશીનાશ વાતજનક

January, 1999

પેશીનાશ, વાતજનક : ઈજા પછી નસો વગરની અને જીવંત ન રહી હોય એવી પેશીમાં ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓથી થતો વાયુ ઉત્પન્ન કરતો રોગ. તેમાં મુખ્યત્વે ક્લો. પર્ફિન્જિન્સ નામનો જીવાણુ કારણરૂપ હોય છે; પરંતુ ક્યારેક ક્લો. નોવ્યી, ક્લો. હિસ્ટોલિટિકમ અને ક્લો. સેપ્ટિકમ પણ કારણરૂપ હોય છે. આ જીવાણુઓ માટીમાં તથા માનવો અને અન્ય પ્રાણીઓનાં આંતરડાંમાં હોય છે. ઘામાં ક્યારેક મરેલી પેશી, બાહ્ય પદાર્થ કે કચરો હોય છે. ત્યાંની નસોમાં ઈજા કે વિકારને કારણે લોહી વહેતું અટકે છે. આવી પેશીને અલ્પરુધિરવાહિતા-(ischaemia)વાળી પેશી કહે છે. આવો ઘા હોય ત્યારે ત્યાં ઑક્સિજનની ઊણપવાળું (અજારક) વાતાવરણ સર્જાય છે, જેમાં આ પ્રકારના જીવાણુઓ સહેલાઈથી ઊછરે છે અને વિષ(toxin)નું સર્જન કરે છે. ઝેર આસપાસની પેશીમાં પ્રસરીને અજારક વાતાવરણવાળી પેશીનો વધારો કરે છે. ક્લો. પર્ફિન્જિન્સનું આલ્ફાવિષ સ્નાયુતંતુઓના કોષપટલોમાંના ફૉસ્ફોલાયપીડના અણુઓને તોડે છે. તેમાંના શ્વેતતંતુત્સેચકો (collogenases) અને હાયેલ્યુરોનિડેઝ નામના ઉત્સેચકો (enzymes) આવેલા છે. તેઓ કોષોની વચ્ચે આવેલી સંયોજીપેશી(connective tissue)ના માળખાને તોડે છે. આ કારણસર આખા સ્નાયુમાં ચેપ પ્રસરે છે. જો જીવાણુઓ ઓછા રુગ્ણુતાક્ષમ (virulant) હોય તો ફક્ત સ્નાયુઓ પરના તંતુઓના બનેલા આવરણમાં જ ચેપ ફેલાય છે. સ્નાયુઓના તંતુઓને તંતુપડ(fascia) કહે છે. તેમાં ફેલાતા ચેપને તંતુપડશોથ (fasciatis) કહે છે. વધુ રુગ્ણતાક્ષમ જીવાણુ હોય તો સ્નાયુઓમાં ચેપ ફેલાય છે. ત્યારે તેને સ્નાયુશોથ (myositis) કહે છે.

લક્ષણો અને ચિહ્નો : ચેપ લાગ્યા પછી 6થી 48 કલાકે તેનાં લક્ષણો દેખાવા માંડે છે. આ સમયને જીવાણુ-ઉછેરકાળ (incubation period) કહે છે. લક્ષણો ઉદભવ્યા પછી રોગનો વિકાસ ઘણો ઝડપી હોય છે. સૌપ્રથમ ઘાવાળા જે તે અંગમાં ખાલી ચઢે છે અને દુખાવો થાય છે. ઘા લાગ્યો હોય ત્યાં સોજો આવે છે. તેની નીચે પ્રવાહી જમા થવાથી આસપાસની ચામડી ફિક્કી પડે છે. ઘામાંથી ગંધ મારતું લોહીવાળું પ્રવાહી નીકળે છે. તેને રુધિરયુક્ત સતરલ પ્રવાહી (serosanguinous liquid) કહે છે. આસપાસના સ્નાયુઓને હાથથી દબાવવાથી તેમાંના હવાના પરપોટા, કપડાથી ઢંકાયેલા સુક્કાં પાંદડાંને દબાવવાથી જેવો અવાજ આવે તેવો, અવાજ કરે છે, જેને આંગળીઓ તથા હથેળી વડે સ્પર્શીને અનુભવી શકાય છે. તેને ખરખર (crepitus) કહે છે. ક્યારેક ઘામાંથી પરપોટા નીકળે છે. વિષની વ્યાપક ઝેરી અસરને કારણે હૃદયના ધબકારા વધે છે, લોહીનું દબાણ ઘટે છે, દર્દી ઘેનમાં પડે છે અને તેને ઊલટીઓ અને ઝાડા થાય છે. તેથી દર્દી અતિશય ઢીલો પડી જાય છે. થોડાક પ્રમાણમાં તાવ આવે છે.

ક્યારેક ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાયો હોય ત્યારે ગર્ભાશયમાં આ પ્રકારનો ચેપ ઉદભવે છે. સામાન્ય પ્રસૂતિ વખતે તેમાં વપરાતાં સાધનો અને આસપાસની બધી વસ્તુઓમાં સૂક્ષ્મજીવો ન રહે તેવી ચોખ્ખાઈ કરાય છે તથા સૂક્ષ્મજીવોનો નાશ કરે એવી દવાઓ વપરાય છે. તેને સૂક્ષ્મજીવનાશન કહે છે. જો સામાન્ય પ્રસૂતિસમયે અપૂરતું સર્વસૂક્ષ્મજીવનાશન (sterilization) થયું હોય તોપણ વાતજનક પેશીનાશ થાય છે; જોકે આવું જવલ્લે જ બને છે. ગર્ભાશયના વાયવી પેશીનાશના દર્દીમાં ચેપ શરીરમાં ઝડપથી ફેલાય છે. તેને સપૂયરુધિરતા (septicaemia) કહે છે. તે સમયે લોહીની નસોમાં વ્યાપકપણે લોહી જામી જાય છે. તેને વ્યાપક અંતર્વાહિની રુધિરગુલ્મન (disseminated intravascular coagulations, DIC) કહે છે. DIC થવાનું મુખ્ય કારણ આલ્ફાવિષ છે. DICને કારણે નસોની અંદર રક્તકોષો તૂટે છે, જેમાંથી રક્તવર્ણક (haemoglobin) છૂટું પડે છે. આવું છૂટું પડેલું રક્તવર્ણક પેસાબમાં વહી જાય છે. તેને રક્તવર્ણકમૂત્રમેહ (haemoglobinuria) કહે છે. તેને કારણે તીવ્ર કમળો, રક્તવર્ણકમૂત્રમેહ અને ઉગ્ર પ્રકારની મૂત્રપિંડી નિષ્ફળતા થાય છે.

નિદાન : વાતજનક પેશીનાશનું નિદાન શારીરિક તકલીફોની નોંધ અને શારીરિક તપાસ વડે થાય છે. એક્સ-રે ચિત્રણોમાં જે તે પેશીમાં વાયુના પરપોટા દર્શાવી શકાય છે. ઘાવની પેશીમાંથી નીકળતા પ્રવાહીમાં જીવાણુઓની હાજરી છે તેવું સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. અજારક સ્ટ્રૅપ્ટોકોકાઈ નામના જીવાણુના ચેપમાં પેશીમાં વાયુ બને છે; પરંતુ શરીરમાં વ્યાપક વિકાર થતો નથી. આ રીતે તેને ક્લોસ્ટ્રિયમ જૂથના જીવાણુથી થતા વાયવી પેશીનાશથી અલગ પાડી શકાય છે.

સારવાર : વાયવી પેશીનાશની સારવારમાં શસ્ત્રક્રિયા, પેનિસિલીન, પ્રતિજીવાણુવિષ (anti-toxin) તથા અતિદાબ ઑક્સિજન (hyper baric oxygen) વપરાય છે. મુખ્ય સારવાર રૂપે જે સ્નાયુઓમાં ચેપ ફેલાયો હોય તેમને શસ્ત્રક્રિયા વડે દૂર કરાય છે. તેની સાથે ભારે માત્રામાં પેનિસિલિન અપાય છે. જીવાણુના વિષ સામે પ્રતિરક્ષાલક્ષી ક્રિયા માટે પ્રતિજીવાણુવિષ રૂપે બહુક્રિયક રુધિરરસ (polyvalent serum) નસ વાટે અપાય છે. જોકે તેની અસરકારકતા શંકાસ્પદ છે. જો સગવડ ઉપલબ્ધ હોય તો વાતાવરણના દબાણ કરતાં ત્રણગણા વધારે દબાણ સાથે અતિદાબ ઑક્સિજન અપાય છે. સામાન્યરીતે દિવસમાં 2થી ૩ વખત 60થી 120 મિનિટ સુધી તે અપાય છે. તેના વડે શરીરમાં જોવા મળતાં વ્યાપક લક્ષણો અને તકલીફો શમે છે. જોકે તેને કારણે મૃત્યુદરમાં કોઈ ઘટાડો થતો નથી.

પૂર્વનિવારણ (prevention) : માટી કે મળથી દૂષિત અથવા ગુદાછિદ્રની પાસેના ઘામાં વાતજનક પેશીનાશ કરતા જીવાણુનો ચેપ લાગવાનો સંભવ રહે છે, માટે આવા ઘામાંથી મૃત પેશીને તથા બાહ્ય દૂષણકારી પદાર્થોને દૂર કરાય છે. ઈજાગ્રસ્ત ભાગનું રુધિરાભિસરણ જળવાઈ રહે તે ખાસ જોવાય છે. જેમાં વધારે જોખમ હોય એવી શસ્ત્રક્રિયા કરતાં પહેલાં પેનિસિલિન અપાય છે.

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ