પેશીનાશ (gangrene) : કોહવાટ (putrefaction) સાથે પેશીનો નાશ. તેને કોથ પણ કહે છે. તેને કોથ પણ કહે છે. કોષો, પેશીઓ તથા અવયવનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. કોઈ વિકાર, ઝેર કે ઈજાને કારણે કોષોને ઈજા થાય અને તે નાશ પામે તો તેને કોષનાશ (necrosis), પેશીનાશ (gangrene) કે અવયવી પ્રણાશ (visceral infarction) અથવા પ્રણાશ (infarction) કહે છે. વિલયનકારી ઉત્સેચકો (વિલયનોત્સેચકો, lysozymes) ઈજાગ્રસ્ત કોષનો નાશ કરે ત્યારે કોષનાશ થયો કહેવાય છે. જો કોષમાંના ઉત્સેચકો આવો નાશ કરે તો તેને સ્વત:નાશ (autolysis) અને જો લોહીના શ્વેતકોષો આવો નાશ કરે તો તેને અન્યકોષીય નાશ (heterolysis) કહેવામાં આવે છે. આવા સંજોગોમાં કોષોના ગઠકા બનાવતો કે તેમને પ્રવાહીરૂપ બનાવતો એટલે કે અનુક્રમે ગુલ્મનકારી (coagulative) કે પ્રવાહીકારી (liquefactive) કોષનાશ થાય છે.

રુધિરાભિસરણમાં રુકાવટ આવે અને મૃતપેશીભક્ષી (saprophytic) જીવાણુઓથી ચેપ લાગે તો વ્યાપક વિસ્તારમાં ફેલાતો જતો નાશ થાય છે. તેને પેશીનાશ કહે છે. કોશનાશ સૂક્ષ્મદર્શક વડે જાણી શકાય છે, પેશીનાશ નરી આંખે દેખાય છે. કોઈ એક અવયવની ધમની ગંઠાઈ જાય અને તેમાં લોહી ફરતું બંધ થાય ત્યારે અવયવનાં કોઈ ભાગનું આંશિક મૃત્યુ થાય છે. તેને પ્રણાશ કહે છે. દા.ત., હૃદયરોગનો હુમલો ખરેખર તો હૃદયના સ્નાયુનું આંશિક મૃત્યુ અથવા હૃદ્-સ્નાયુપ્રણાશ (mayocardial infarction) છે. ક્યારેક લોહીમાં પરુના નાના ગઠ્ઠા ભ્રમણ કરતા હોય અને તે મગજ કે અન્ય અવયવોની નાની ધમનીઓમાં અવરોધ જન્માવીને પ્રણાશ કરે તો તેને સપૂયપ્રણાશ (septic infarcts) કહે છે.

પેશીનાશ : ધમનીઓમાં અવરોધ, પેશીનાશ અને અંગોચ્છેદન(amputation) : (અ અને આ) શુષ્ક પેશીનાશ, (ઇ અને ઈ) અંગની ધમનીમાં થતા રુધિરાભિસરણને માપતું યંત્ર અને તેની વાપરવાની પદ્ધતિ. (ઉ) ધમનીમાં અવરોધ અને પસારનળી વડે રુધિરાભિસરણનું પુન:સ્થાપન, (ઊ) પસારનળીઓ, (એ) પગની આંગળીઓને અંગોચ્છેદન વડે કાપીને કાઢી નાંખેલી સ્થિતિ, (ઐ) વિવિધ સ્થાનેથી કરાતાં અંગોચ્છેદનો. (1) શુષ્ક પેશીનાશ, (2) મહાધમની(aorta), (૩) પગમાં જતી નિતંબીય ધમની (iliac artery), (4) ધમનીમાં અવરોધ, (5) પસારનળી (bypass), (6) જાંઘમાંની જંઘાધમની (femoal artery), (7) દ્વિભાજિત ધમની માટેની ડેક્રોનની પસારનળી, (8) પૉલિટેટ્રાફ્લુયરોઇથિલિનની નળી, (9) નાભિશિરા (umbilical vein), (10) કપાયેલો પાદ, (11) ઢીંચણથી ઉપર અંગોચ્છેદન, (12) ઢીંચણમાંથી અંગોચ્છેદન, (1૩) ઢીંચણની નીચેથી અંગોચ્છેદન, (14) ઘૂંટીમાં અંગોચ્છેદન.

વિકાર, ઝેર કે ઈજા વગર કોષો પોતાની મેળે અથવા શરીરના અંત:સ્રાવોની દેહધાર્મિક ક્રિયાના ભાગ રૂપે મૃત્યુ પામવા માંડે તો તેને કોષીય અપપતન (cellular apoptosis) કહે છે.

પેશીનાશના 4 પ્રકારો છે : (1) શુષ્ક (dry) પેશીનાશ, (2) આર્દ્ર (wet) પેશીનાશ, (૩) વાયવી પેશીનાશ (gas gangrene) તથા (4) પ્રકીર્ણ પ્રકારો. પેશીનાશનાં મુખ્ય કારણો સારણી 1માં દર્શાવ્યા છે :

(1) શુષ્ક પેશીનાશ : પગની ધમનીની દીવાલ જાડી થવાથી જો તેમનું પોલાણ નાનું થઈ જાય તો તેને અવરોધકારી વાહિનીવિકાર (occlusive vascular disorder) કહે છે. લોહીમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધે ત્યારે તે ધમનીની દીવાલ પર જામે છે. તેને કારણે મેદચકતીજન્ય ધમનીકાઠિન્ય(atherosclerosis)નો વિકાર થાય છે. તેવી રીતે ધૂમ્રપાન તથા તમાકુનું લાંબા સમયનું સેવન કરવામાં આવે ત્યારે ધમનીની દીવાલમાં શોથજન્ય વિકાર થાય છે. તે જાડી થઈ જાય છે, તેનું પોલાણ ઘટે છે અને તેમાં લોહી જામે છે. તેને ગુલ્મવાહિનીશોથજન્ય વહનરોધ(thromboangiitis obliteraus, TAO)નો વિકાર કહે છે. આ બંને પ્રકારના વિકારોમાં પગની આંગળીઓની ટોચથી માંડીને પગના અન્ય ભાગોમાં પૂરતું લોહી પહોંચતું નથી. આમ ધમનીની દીવાલમાં મેદચકતીજન્ય ધમનીતંતુકાઠિન્ય થાય કે અવરોધકારી ગુલ્મવાહિનીશોથ(TAO)નો વિકાર થાય ત્યારે ધમનીમાં અવરોધકારી વાહિનીવિકાર થાય છે.

અસરગ્રસ્ત થયેલો ભાગ સૌપ્રથમ ઠંડો પડે છે અને ત્યાંની નાડીમાં ધબકારા ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. ધીમે ધીમે પગનો તે ભાગ સુક્કો, ગાઢા રંગનો થાય છે અને કાળો પડી જાય છે. તે ચીમળાઈ (shrivelled) જાય છે અને પગ જાણે શુષ્કમૃતદેહ (mummy) જેવો થઈ જાય છે. તેને શુષ્ક પેશીનાશ કહે છે. ધીમે-ધીમે જ્યાં પૂરતો લોહીનો પુરવઠો મળતો હોય તે પેશી સુધી તે ફેલાય છે. અસરગ્રસ્ત ભાગની નસોમાંના રક્તકોષો તૂટે છે અને તેને કારણે તેમાંથી લોહ(iron)ના અણુઓ છૂટા પડે છે. મૃતપેશીમાંના જીવાણુઓ હાઇડ્રોજન પેરૉક્સાઇડ બનાવે છે. તે આ લોહના અણુઓ સાથે પ્રક્રિયા કરીને આયર્ન સલ્ફાઇડ બનાવે છે, જે મૃતપેશીવાળા ભાગને કાળા રંગનો કરે છે. પેશીનાશવાળી કાળી મૃત પેશી અને સામાન્ય રુધિરાભિસરણવાળી જીવંત પેશી વચ્ચે એક સુસ્પષ્ટ ભેદરેખા હોય છે. આ સુસ્પષ્ટ ભેદરેખામાં શોથકારી દાણાદાર પેશી (inflammatory granular tissue) હોય છે.

સારણી 1 : પેશીનાશનાં મુખ્ય કારણો

જૂથ નોંધ ઉદાહરણ
1. અવરોધકારી વાહિની-વિકાર (અ) ધમનીમાં અવરોધ મેદચકતીજન્ય ધમનીકાઠિન્ય  (atherosclerosis)
શલ્યસ્થાનાંતરતા (embolism)
મધુપ્રમેહમાં થતો ધમનીશોથ (arteritis)
(arteritis)
અવરોધકારી ગુલ્મવાહિનીશોથ (TAO અથવા બર્જરનો રોગ)
રેયનોડનો રોગ
અર્ગટની ઝેરી અસર
ધમનીની અંદર અપાયેલું ઇન્જેક્ષન
(આ) શિરામાં અવરોધ તીવ્ર પ્રકારના શિરારોધ-(venous obstruction)થી ધમનીરોધ (arterial obstruction) થાય ત્યારે ક્યારેક ઉદભવતો પેશીનાશ
(ઈ) શિરાધમનીમાં સંયુક્ત અવરોધ આર્દ્ર પેશીનાશ કરતા આંતરડાંના વિકારો

 

2. ચેપ અજારક (anaerobic) અને મૃતપેશીભક્ષી (saphrophytic) જીવાણુઓનો ચેપ પીઠગડ અથવા પાઠું (carbuncle)
વાયવી પેશીનાશ
વૃષણકોથળી(scrotum)નો પેશીનાશ
કપોલછિદ્રણ (cancrum oris)
૩. ઈજાજન્ય સીધેસીધી ઈજા પેશીનું કચરાઈ જવું, દબાણવાળી જગ્યાએ પડતું ચાંદું, રુદ્ધ સારણ-ગાંઠ (stragnulated hernia)
આડકતરી ઈજા ધમનીને થતી ઈજાને કારણે થતો પેશીનાશ; દા.ત., હાડકું ભાંગે ત્યારે ધમની દબાય કે ચિરાઈ જાય.
4. ભૌતિક પરિબળો વિવિધ ભૌતિક પરિબળોને કારણે દાહ (burns), બાષ્પદાહ (scals), શીતદાહ (frostbite), રસાયણો કે વિદ્યુતથી થતી પેશીને ઈજા સંક્ષોભન (irritiation)

ધમનીમાં અવરોધ ઉદભવ્યો હોય પણ પેશીનાશ શરૂ ન થયો હોય તેવી શરૂઆતની સ્થિતિનાં મુખ્ય 5 લક્ષણો છે. જો મહાધમનીમાં અવરોધ થયો હોય તો પગની અંદર પીડા, પક્ષાઘાત (paralysis), ફિક્કાશ (pallor), નાડીના ધબકારા બંધ થવા અને ચામડી પૂરેપૂરી બહેરી થઈ જવી – એ લક્ષણો જોવા મળે છે. પગ ઠંડો પડી ગયો હોય છે. આ સમયે યોગ્ય સારવારથી પેશીનાશ થતો અટકાવી શકાય છે.

(2) આર્દ્ર પેશીનાશ : જ્યારે હાથ કે પગની ધમની તથા શિરા એમ બંને પ્રકારની નસોમાં અચાનક અવરોધ ઉદભવે છે ત્યારે આર્દ્ર પેશીનાશ થાય છે. હાથપગમાં મધુપ્રમેહના રોગ સિવાય તે ભાગ્યે જ જોવા મળે છે; પરંતુ શરીરની અંદરના અવયવોમાં સામાન્ય રીતે આર્દ્ર પેશીપાશ થયેલો હોય છે. તે ભાગમાં લોહીના કોષો તથા પ્રવાહીનો ભરાવો થાય છે. તેને રુધિરભારિતા (congestion) કહે છે. આર્દ્રતાને કારણે તે સ્થળે જીવાણુઓની ઝડપી સંખ્યાવૃદ્ધિ થાય છે અને પેશીનાશનો વિસ્તાર પણ ફેલાવો પામે છે. પેશીનાશવાળી આર્દ્ર મૃત પેશી અને સામાન્ય પેશી વચ્ચે કોઈ સુસ્પષ્ટ ભેદરેખા હોતી નથી. અસરગ્રસ્ત ભાગ સૂજેલો અને કાળો પડી ગયેલો હોય છે.

જ્યારે સારણગાંઠ ફસાઈ જાય અને તેમાં રૂંધામણ થાય તો તેને રુદ્ધ સારણગાંઠ (strangulated hernia) કહે છે. કેટલીક વખતે આંતરડાંના ગાળાઓ (loops) એકબીજા પર આમળ ચઢાવી દે તો તેને આંત્રીય આમળ (intestinal torsion) કહે છે. ક્યારેક આંતરડાં એકબીજા સાથે તંતુઓથી ચોંટે તો તેને આંત્રીય બદ્ધતંતુતા (intestinal adhesions) કહે છે. રુદ્ધ સારણગાંઠ, આંત્રીય આમળ તથા આંત્રીય બદ્ધતંતુતામાં આંતરડાંના જે તે ભાગનો લોહીનો પુરવઠો ખોરવાઈ જાય છે અને તેની નસો દબાઈ ગયેલી હોય છે. તેથી આંતરડામાં આર્દ્ર પેશીનાશ થાય છે. અસરગ્રસ્ત આંતરડાની લહરગતિ અટકી જાય છે. તેને આંત્રરોધ (intestinal obstruction) કહે છે. આંતરડાંના પેશીનાશને આંત્રીય પેશીનાશ (gangrene of bowel) કહે છે. ફેફસામાં ગૂમડું (સપૂય ગડ) થાય ત્યારે ફેફસી પેશીનાશ (gangrene of lung) થાય છે. ફેફસી સપૂય ગડ (lung abscess) થાય ત્યારે તેમાંની મૃત પેશી(debris)માં મૃતપેશીભક્ષી (saphrophytic) જીવાણુઓ ચેપ કરે છે. તેને કારણે કાળા-લીલા રંગની અનેક ગુહાઓ ઉદભવે છે. જેમાં ગંધાતું પ્રવાહી એકઠું થાય છે તેને ફેફસી પેશીનાશ કહે છે.

(૩) વાતજનક પેશીનાશ (gas gangrene) : યુદ્ધકાલીન ઘા કે તીવ્ર ઈજાથી થતા ઘામાંની મૃત પેશીમાં ક્યારેક મૃતપેશીભક્ષી જીવાણુઓનો ચેપ લાગે છે. ક્લોસ્ટ્રિડિયમ જૂથના કેટલાક જીવાણુઓ ઑક્સિજન વગરના (અજારક) વાતાવરણમાં ઊછરે છે અને વિવિધ પ્રકારનાં જીવાણુવિષ (bacterial toxins) અને વાયુ ઉત્પન્ન કરે છે. આ પ્રકારનો પેશીનાશ ઝડપથી ફેલાય છે અને તે લોહીમાંના રક્તકોષોનો પણ નાશ કરે છે. શસ્ત્રક્રિયા તથા પેનિસિલિન વડે સારવાર કરાય છે. વિશિષ્ટ પ્રકારનું પ્રતિજીવાણુવિષ (anti-toxin) તથા અતિદાબ ઑક્સિજન વડે સારવાર પણ કરવાનું સૂચવાય છે. રોગની તીવ્રતાને કારણે મૃત્યુદર ઊંચો રહે છે.

(4) પ્રકીર્ણ પ્રકારના પેશીનાશ : કેટલાક વિશિષ્ટ સ્થળે થતા પેશીનાશને અલગ સંજ્ઞાઓથી ઓળખાય છે. મોં, ભગોષ્ઠ (vulva) તથા ગુદાની આસપાસના ભાગમાં અજારક જીવાણુઓ વડે ચેપ લાગવાનું પ્રમાણ વધુ રહે છે. તેને કારણે મોંમાં કપોલછિદ્રણ (cancrum oris) કે વૃષણકોથળીમાં ફૉર્નિયરનો પેશીનાશ (gangrene of scrotum) જેવા વિકારો ઉદભવે છે.

સારવાર : પેશીનાશની મુખ્ય સારવાર શસ્ત્રક્રિયા છે. સામાન્ય રીતે અંગ (limb) કે ઉપાંગને બચાવવાનો પ્રયત્ન કરાય છે. જો કોક પ્રકારની વાહિની-રચના(angioplasty)વાળી શસ્ત્રક્રિયા કરીને અસરગ્રસ્ત પેશીનો લોહીનો પુરવઠો શરૂ કરી શકાતો હોય તો તે પહેલું જોવાય છે. તે માટે જરૂર પડે નસના ટુકડાને ઉપપસારવાહિની (bypass vessel) તરીકે વાપરીને ધમનીમાં જ્યાં અવરોધ હોય તેની પહેલાં અને તેની પછી જોડી દેવાય છે. તેને કારણે અવરોધકારી ભાગ એક બાજુ રહી જાય છે અને એક પ્રકારનો કૃત્રિમ પસારમાર્ગ (artificial bypass) બનાવાય છે. તેને કારણે અંગના કોઈ મોટાભાગનું ઉચ્છેદન કરવાની સ્થિતિ અટકાવી શકાય છે. જોકે ખૂબ ખરાબ રીતે કચડાઈ ગયેલા, અતિશય પીડા કરતા કે વાયવી પેશીનાશ થયો હોય એવા ભાગનું જીવન બચાવવાના હેતુથી અંગોચ્છેદન (amplutation) કરવું પડે છે. અસરગ્રસ્ત પેશીને ઑક્સિજનનો પુરવઠો પૂરતો મળી રહે માટે અન્ય અવયવોના રોગો; દા.ત., પાંડુતા (anaemia) અથવા ફેફસાંના કે હૃદયના રોગોની પણ સારવાર કરાય છે. મધુપ્રમેહ હોય તો તેને કાબૂમાં લેવો જરૂરી છે. દુખાવો કાબૂમાં લેવા માટે નશો ન કરે તેવાં પીડાશામકો અપાય છે.

અસરગ્રસ્ત અંગ કે ઉપાંગને સુક્કું રખાય છે અને તેના પર પવન નાંખવાથી દુખાવો ઘટે છે. તેને કદી ગરમ કરવાનું કે શેક કરવાનું સૂચવાતું નથી. અસરગ્રસ્ત ભાગનું રક્ષણ કરવા માટે જરૂર પડ્યે વિશિષ્ટ પ્રકારની પોચી પથારીનો ઉપયોગ કરાય છે. જો પોપડો બાઝેલો હોય તો તેને સાચવીને દૂર કરાય છે અને અંદર રહેલું પરુ કાઢી નંખાય છે. મધુપ્રમેહના દર્દીમાં ચેતાઓનો વિકાર પણ હોય છે તેથી તેમાં ફેલાતો ચેપ ઘણી વખત પીડા કરતો નથી. માટે ઘણો વ્યાપક પેશીનાશ થઈ જવાની સંભાવના રહે છે. મધુપ્રમેહને કાબૂમાં લઈને જીવાણુજન્ય કે ફૂગજન્ય ચેપની સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ