પેલોસી, નાન્સી (જ. 26 માર્ચ 1940 બાલ્ટીમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.) : જાન્યુઆરી, 2007થી અમેરિકાની ધારાસભાના નીચલા ગૃહ હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ.
તેઓ સાન્ફ્રાંસિસ્કો રાજ્યનાં વતની છે અને તેમના પતિ પૉલ પેલોસી પણ આ જ રાજ્યના વતની છે અને પાંચ બાળકોનું કુટુંબ ધરાવે છે. 1962માં તેઓ સ્નાતક બન્યા. તેમનું કુટુંબ ‘જાહેર સેવા’ની મજબૂત પરંપરા ધરાવે છે.
તેમણે શૈક્ષણિક ક્ષેત્રે, કામદારોના રક્ષણ માટે, જાહેરસ્વાસ્થ્ય અને તેમાંય મહિલા-સ્વાસ્થ્યના ક્ષેત્રે તેમજ પર્યાવરણીય પ્રદૂષણ અને લાંબા ગાળાના રોગો(chronic diseases)ના ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે. વિશ્વભરમાં તેઓ માનવ-અધિકારોનાં પુરસ્કર્તા રહ્યાં છે. તેમણે ચીનના માનવ-અધિકારના ક્ષેત્રે પણ કામ કર્યું છે તથા તિબેટની પ્રજાના સ્વાતંત્ર્યના પ્રયાસોને સમર્થન પૂરું પાડ્યું છે. વિવિધ દેશોમાં હાથ ધરાતાં વિકાસલક્ષી પ્રોજેક્ટમાં પર્યાવરણની ઉચિત કાળજી લેવાયા બાદ જ તેમને મંજૂરી મળે અને વિશ્વબૅંક તથા અન્ય બૅંકોની આર્થિક લોન કે સહાય પ્રાપ્ત થાય તેવા સુધારાઓનો તેમણે આગ્રહ રાખ્યો હતો, જે ‘પેલોસી સુધારાઓ’ તરીકે જાણીતા છે.
જાહેરક્ષેત્રની આ સુદીર્ઘ કારકિર્દીને કારણે 1987માં તેઓ કૅલિફૉર્નિયા રાજ્યમાંથી ચૂંટાયાં અને તે પછી તો વારંવાર પ્રતિનિધિ તરીકે ચૂંટાતાં રહ્યાં. અમેરિકાના નીચલા ગૃહમાં ડેમૉક્રૅટિક પક્ષનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત તેઓ પક્ષનાં દંડક(whip)ની કામગીરી બજાવતાં અને ગૃહમાં પક્ષની વ્યૂહરચના નક્કી કરતાં. આ બંને કાર્યો સફળતાપૂર્વક કર્યા બાદ જાન્યુઆરી, 2007માં તેમણે નીચલા ગૃહનાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ ચૂંટાઈને હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝમાં વિશેષ કીર્તિમાન રચ્યો છે.
રક્ષા મ. વ્યાસ