પેરૉક્સાઇડ : પેરૉક્સી સમૂહ (-O-O-) ધરાવતું રાસાયણિક સંયોજન. પેરૉક્સાઇડને હાઇડ્રોજન પેરૉક્સાઇડનાં સંયોજનો ગણી શકાય. કાર્બનિક કે અકાર્બનિક પેરૉક્સાઇડમાં હાઇડ્રોજન પેરૉક્સાઇડ- (H2O2)ના એક અથવા બંને હાઇડ્રોજન વિસ્થાપન પામેલા હોય છે. ઉપચયન, સંશ્લેષણ, બહુલીકરણ તથા ઑક્સિજન બનાવવામાં પેરૉક્સાઇડ ઉપયોગમાં લેવાય છે. અકાર્બનિક પેરૉક્સાઇડમાં પરસલ્ફેટ, H2O2, Na2O2, તથા અન્ય ધાતુના પેરૉક્સાઇડ વગેરેને ગણાવી શકાય. પેરૉક્સીઍસેટિક ઍસિડ, ડાઇબેન્ઝૉઇલ પેરૉક્સાઇડ, ક્યુમીન પેરૉક્સાઇડ વગેરે કાર્બનિક પેરૉક્સાઇડ છે. આ સંયોજનો ઝડપથી પરમાણુક ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
હાઇડ્રોજન પેરૉક્સાઇડ પાણી જેવું પ્રવાહી છે, જેમાં લગભગ 35 %થી 90 % H2O2 (વજનથી) રહેલો હોય છે. મોટા પાયા ઉપર નિર્જળ H2O2 પણ હવે પ્રાપ્ય છે. H2O2 દહનશીલ હોતો નથી તથા પાણી વડે જરૂર મુજબ મંદ કરી શકાય છે.
કાર્બનિક સંયોજનો સાથે H2O2 સ્ફોટક મિશ્રણો બનાવે છે. H2O2 સાથે કામ કરવા માટે આવદૃશ્યક સલામતી-સૂચનો, તેને સંઘરવાની આવદૃશ્યક શરતો વગેરે તેના ઉત્પાદકો તરફથી, સરકાર તરફથી તથા વેપારી-સંઘો દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. H2O2નું ઉત્પાદન વિદ્યુત-વિભાજનની રીતથી તથા કાર્બનિક ઉપચયન દ્વારા કરવામાં આવે છે.
H2O2ની મદદથી ઇપૉક્સાઇડ, ગ્લાયકૉલ વગેરે તથા અસંતૃપ્ત પેટ્રોલ હાઇડ્રોકાર્બનમાંથી ટર્પિન્સ, કુદરતી ચરબીજ ઍસિડ વગેરે બનાવવામાં આવે છે. આ નીપજો સુઘટ્યતાકારકો (plasticizers), સ્થાયિકો (stabilizers), મંદકો (diluents), વિનાઇલ પ્લાસ્ટિકના દ્રાવક વગેરેમાં વપરાય છે. H2O2ના ઉદ્દીપકીય વિઘટન દ્વારા મળતી ગરમ ઑક્સિજન-બાષ્પનું મિશ્રણ રૉકેટના નોદક (propellent) તરીકે વાયુયાન (વિમાન), મિસાઇલ્સ, ટૉર્પીડો તથા સબમરીન વગેરેમાં વપરાય છે.
કાર્બનિક પેરૉક્સાઇડ પૈકી પરઍસેટિક ઍસિડ મુખ્યત્વે ઇપૉક્સાઇડ બનાવવા માટે વપરાય છે. ડાઇબેન્ઝૉઇલ પેરૉક્સાઇડ સફેદ પાઉડર છે, જે સ્થાયી છે; પરંતુ ગરમ કરવાથી ધડાકા સાથે સળગે છે. બહુલકોના ઉત્પાદનમાં તે ઉદ્દીપક તરીકે વપરાય છે. આછા પીળા રંગનું પ્રવાહી ક્યુમીન પેરૉક્સાઇડ આઇસોપ્રોપાઇલ બેન્ઝિનના ઉપચયન દ્વારા મેળવાય છે. ઍસિડિક માધ્યમમાં તે વિઘટન પામી ફીનૉલ તથા ઍસિટોન આપે છે. ઍસિટોનના મોટા પાયે ઉત્પાદન માટે આ રીત પ્રચલિત છે.
અકાર્બનિક પેરૉક્સાઇડમાં સોડિયમ પેરૉક્સાઇડ (Na2O2) તથા Ba, Ca, Sr, Mg અને Znના પેરૉક્સાઇડ ઔદ્યોગિક રીતે પ્રાપ્ય છે. લેડ ડાયૉક્સાઇડ(PbO2)ને ખોટી રીતે પેરૉક્સાઇડ કહે છે. સોડિયમ પરબોરેટ બ્લીચિંગ માટે, ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં, સૌંદર્યપ્રસાધનો વગેરેમાં તથા હાઇડ્રૉપેરૉક્સિડેટ સૌંદર્યપ્રસાધનો અને ફોટોગ્રાફીમાં વપરાય છે.
જ. પો. ત્રિવેદી