પેરૉક્સિઝોમ્સ : કોષમાં આવેલી હાઇડ્રોજન પેરૉક્સાઇડના સંશ્લેષણ અને વિઘટન સાથે સંકળાયેલી અંગિકા. ડી ડુવે અને તેમના સહકાર્યકરોએ (1965) કોષપ્રભાજન(cell fractionation)-પદ્ધતિ દ્વારા આ અંગિકાઓનું યકૃતકોષમાંથી અલગીકરણ કર્યું; જેમાં કેટલાક ઉપચાયી (oxidative) ઉત્સેચકો જેવા કે પેરૉક્સિડેઝ, કૅટાલેઝ, D-ઍમિનો-ઑક્સિડેઝ અને યુરેટ ઑક્સિડેઝ પુષ્કળ પ્રમાણમાં હતા. તે પ્રજીવો, યીસ્ટ, પર્ણકોષો, પાંડુરિત (etiolated) પર્ણપેશી, ભ્રૂણાગ્રચોલ(plumule), અધરાક્ષ (hypocotyl), નાસપાતી અને પ્રાણીકોષોમાં જોવા મળે છે. વનસ્પતિ-કોષોમાં કેટલીક અંગિકાઓ પ્રાણીકોષોનાં પેરૉક્સિઝોમ સાથે બાહ્યાકારકીય સામ્ય ધરાવે છે; પરંતુ તેમાં ગ્લાયૉક્સિલેટ ચક્ર માટે ઉત્સેચકો હોવાથી તેને ગ્લાયૉક્સિઝોમ કહે છે. તે ટ્રાઇગ્લિસરાઇડની ચયાપચયની ક્રિયા સાથે સંબંધિત છે. આ ચક્ર દ્વારા ફૂગ, પ્રજીવો અને વનસ્પતિઓ મેદનું કાર્બોદિતોમાં રૂપાંતર કરે છે. તે આલ્કોહૉલ અને આલ્કેનના ઉપચયન (oxidation) સાથે સંકળાયેલા ઉત્સેચકો પણ ધરાવે છે. આ ક્રિયા પ્રક્રિયાર્થી દ્વારા પ્રેરાય છે; દા. ત., યીસ્ટનું મિથેનૉલમાં સંવર્ધન કરવામાં આવે છે ત્યારે કોષનું 80 % જેટલું કદ પેરૉક્સિઝોમ દ્વારા રોકાય છે. આમ, તે બહુહેતુક અંગિકા છે.

યકૃતકોષનો વીજાણુ-સૂક્ષ્મરેખ; અહીં પેરૉક્સિઝોમમાં પ્રતિરક્ષા-કોષરસાયણ દ્વારા કૅટાલેઝનું સ્થાન-નિર્ધારણ કરવામાં આવે છે. તેની સાથે અંત:રસજાલ અને કણાભસૂત્રો ગાઢ રીતે સંકળાયેલાં જોવા મળે છે.

અલગીકૃત પેરૉક્સિઝોમનું બાહ્યકારકીય લક્ષણ-ચિત્રણ (characterization) વીજાણુ સૂક્ષ્મદર્શક(electron microscopy) દ્વારા પહેલાં શોધાયેલા સૂક્ષ્મ-કાય (micro-body) સાથે તે સંબંધિત હોવાનો નિર્દેશ કરે છે; તેથી તેને અને ગ્લાયૉક્સિઝોમ સૂક્ષ્મ-કાયના પ્રકારો ગણવામાં આવે છે. પેરૉક્સિઝોમ કદ અને આકારમાં વૈવિધ્ય દર્શાવે છે. તે ગોળ કે અંડાકાર અતિસૂક્ષ્મ કણિકા છે; જે ત્રિસ્તરીય (trilaminar) પટલ (6થી 8 મિ. માઇક્રૉન વ્યાસ) વડે આવૃત હોય છે. તેનો સરેરાશ વ્યાસ 0.6થી 0.7 માઇક્રૉન હોય છે. તેનું સરેરાશ શુષ્ક વજન 2.4 x 10-4 ગ્રા. અને વિશિષ્ટ ઘનતા 1.32 જેટલી હોય છે. યકૃત-કોષમાં તેની સંખ્યા 70થી 100 જેટલી હોય છે; જ્યારે લાયસોઝોમની 15થી 20 જેટલી હોય છે; અને પાંચ કણાભસૂત્રદીઠ એક પેરૉક્સિઝોમ જોવા મળે છે. તે અંત:કોષરસજાલ (endoplasmic reticulum) સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોય છે અને મધ્યમાં એકત્રિત થયેલો સૂક્ષ્મ કણિકામય પદાર્થ ધરાવે છે; જે અપારદર્શક અને સમરૂપ અંતર્ભાગ (core) બનાવે છે. અંતર્ભાગની અતિસૂક્ષ્મ સંરચના જુદી જુદી જાતિઓમાં જુદી જુદી હોય છે. ઉંદરના યકૃત-કોષમાં યુરેટ ઑક્સિડેઝ અને વનસ્પતિ-કોષમાં કૅટાલેઝના નિર્માણ સાથે તે સંકળાયેલ હોવાનું મનાય છે. તેના કણિકામય આધારકમાં અસંખ્ય સૂક્ષ્મ સર્પાકાર તંતુઓ જોવા મળે છે. કેટલીક પેશીઓના પેરૉક્સિઝોમ સ્ફટિક જેવી કાય ધરાવે છે; જે એકબીજાની નજીક ગોઠવાયેલા નલિકાકાર 11 ઉપએકમોની બનેલી હોય છે. મોટા ઉપએકમનો વ્યાસ 9.5થી 11.5 મિ. માઇક્રૉનનો હોય છે. તેની ફરતે 10 સરખા વ્યાસના ઉપએકમો આવેલા હોય છે. આ કાયની સંખ્યા યુરેટ ઑક્સિડેઝના પ્રમાણ સાથે કેટલીક વાર સંબંધિત હોય છે.

યકૃત અને મૂત્રપિંડના અંતર્ભાગ ધરાવતા પેરૉક્સિઝોમથી વિરુદ્ધ અન્ય કોષોમાં પેરૉક્સિઝોમ વધારે નાનાં અને અંતર્ભાગરહિત હોય છે. આ સૂક્ષ્મપેરૉક્સિઝોમ (microperoxisome) બધા કોષોમાં હોય છે.

પેરૉક્સિડેઝ માટેની પેશી-રાસાયણિક (histochemical) પ્રક્રિયા દ્વારા પેરૉક્સિઝોમ અને સૂક્ષ્મ પેરૉક્સિઝોમનું અવલોકન વીજાણુ-સૂક્ષ્મદર્શક નીચે કરી શકાય છે; જેમાં H2O2ની હાજરીમાં 3′-3′ ડાઇઍમિનોબેન્ઝિડીન(DAB)નું ઉપચયન કરવામાં આવે છે. બીજી ખાસ પદ્ધતિમાં પ્રતિરક્ષા-કોષરસાયણ (immuno-cytochemistry) દ્વારા કૅટાલેઝનું સ્થાન-નિર્ધારણ (localization) કરવામાં આવે છે. પેરૉક્સિડેઝ કે ફેરેટિન વડે અંકિત (labelled) ઍન્ટિકૅટાલેઝ પ્રતિદ્રવ્યોનો ઉપયોગ કરી જ્યાં કૅટાલેઝ નિક્ષેપિત થયો હોય તે સ્થાનો શોધી શકાય છે. આ ઉત્સેચક પેરૉક્સિઝોમના આધારકમાં હોય છે; પરંતુ અંત:કોષરસજાલ કે ગૉલ્ઝી સંકુલની પુટિકા(cisterna)માં હોતો નથી, જે દર્શાવે છે કે કૅટાલેઝનું સંશ્લેષણ અંત:કોષરસજાલમાં થતું નથી, પરંતુ કોષરસના આધાર-દ્રવ્યમાં થાય છે.

પેરૉક્સિઝોમના જીવજનન (biogenesis) માટે મિશ્ર પ્રતિરૂપ (mixed model) આપવામાં આવ્યું છે, જેમાં (1) પટલ-બદ્ધ (membrane-bound) રાઇબોઝોમ પર તેના આવરણના પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. (2) તેના ઉત્સેચકોનું સંશ્લેષણ કોષરસના આધાર-દ્રવ્યમાં મુક્ત રાઇબોઝૉમ પર થાય છે.

યુરેટ ઑક્સિડેઝ, D-ઍમિનો ઑક્સિડેઝ અને α-હાઇડ્રૉક્સિલિક ઍસિડ ઑક્સિડેઝ H2O2 ઉત્પન્ન કરે છે અને કૅટાલેઝ તેનું વિઘટન કરે છે. આ અંગિકાઓ ફૅટી ઍસિડના β-ઉપચયન સાથે સંકળાયેલી હોય છે અને ઉષ્મા-ઉત્પાદન(thermogenesis)માં મહત્વનો ભાગ ભજવે છે. પેરૉક્સિઝોમમાં થતા ચયાપચયના પથ કોષરચના આધારદ્રવ્ય અને કણાભસૂત્રમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ સાથે આંતર-સંબંધ ધરાવે છે. કોષ માટે ભયજનક પેરૉક્સાઇડ માટે કૅટાલેઝ સલામતી-વાલ્વ તરીકે કાર્ય કરે છે. પેરૉક્સિઝોમ કણાભસૂત્રની બહાર કોષરસમાં આવેલા NADHનું ઉપચયન કરી NAD+ ઉત્પન્ન કરે છે.

વનસ્પતિઓમાં પેરૉક્સિઝોમ પ્રકાશશ્વસન(photorespiration)ની પ્રક્રિયા કરે છે; જેની સાથે કણાભસૂત્ર અને હરિતકણ સંકળાયેલાં હોય છે. ગ્લાયૉક્સિઝોમ એવી વનસ્પતિ અંગિકા છે, જેના દ્વારા સંચિત લિપિડની ચયાપચયની ક્રિયા થાય છે.

વિનોદ સોની