પેરુત્ઝ, મૅક્સ ફર્ડિનાન્ડ (Perutz, Max Ferdinand) (જ. 19 મે, 1914, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી, 2002, કેમ્બ્રિજ-યુ.કે.) : ઑસ્ટ્રિયન-બ્રિટિશ આણ્વિક-જીવવિજ્ઞાની અને 1962ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા.
પેરુત્ઝે વિયેના યુનિવર્સિટીમાં અકાર્બનિક વિશ્લેષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો. તે દરમિયાન તેમને કાર્બનિક રસાયણના અભ્યાસ પ્રત્યે રસ ઉદભવ્યો, જેના લીધે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેવેન્ડિશની પ્રયોગશાળામાં સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. વિયેનામાં રસાયણનો અભ્યાસ કર્યા બાદ 1936માં પેરુત્ઝ કેમ્બ્રિજમાં સ્ફટિકી વિજ્ઞાન (crystallography)માં પીએચ.ડી.નો અભ્યાસ કરવા માટે પ્રો. જે. ડી. બરનાલ સાથે જોડાયા. 1936માં રૉકફેલર ફાઉન્ડેશનની ગ્રાન્ટની મદદથી તેઓ 1915નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર સર લૉરેન્સ બ્રેગના મદદનીશ નિમાયા અને 1945 સુધી ચાલુ રહ્યા. 1940માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
1937માં પેરુત્ઝે ક્ષ-કિરણ વિવર્તન દ્વારા હીમોગ્લોબિનનું બંધારણ શોધવા પ્રયત્ન કર્યો હતો. સર લૉરેન્સ બ્રેગે તેમને આ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે હીમોગ્લોબિન-અણુઓમાં ચોક્કસ સ્થાનોએ મર્ક્યુરી (પારો) પરમાણુ દાખલ કરવાથી વિવર્તન-ભાતમાં થોડા ફેરફાર થતા નોંધ્યા અને તેનો ઉપયોગ બંધારણ નક્કી કરવા માટે કર્યો. ઘોડાના ઑક્સિહીમોગ્લોબિનનું ત્રિપરિમાણાત્મક ક્ષ-કિરણ વિશ્લેષણ કરીને તથા માનવ – હીમોગ્લોબિનનું અપચયન કરીને ક્ષ-કિરણ-વિશ્લેષણ કર્યું. આ પરિણામોએ સ્પષ્ટ રીતે દર્શાવ્યું કે હીમોગ્લોબિનનાં અપચયન પામેલાં તથા ઑક્સિજનયુક્ત સ્વરૂપો બંધારણીય રીતે ઘણાં જુદાં પડે છે. વળી હીમોગ્લોબિનના ઑક્સિજન સાથેના જોડાણ દરમિયાન અણુ-પુનર્વિન્યાસ થતો જણાય છે.
1947માં કેમ્બ્રિજમાં પેરુત્ઝે કેન્ડ્રયૂ (Kendrew) સાથે આણ્વિક જીવવિજ્ઞાનના અભ્યાસ માટે મેડિકલ રિસર્ચ કાઉન્સિલ યુનિટની સ્થાપના કરી હતી, જ્યાં તેમણે હીમોપ્રોટીનો(hemoproteins) ઉપર સંશોધન ચાલુ રાખેલું. કેન્ડ્રયુએ માયોગ્લોબિનની આણ્વિક સંરચના પર જ્યારે પેરુત્ઝે પોતે હીમોગ્લોબિન અણુ પરત્વે ધ્યાન કેન્દ્રિત કરેલું. તેમણે જણાવ્યું કે હીમોગ્લોબિન-અણુ ચાર જુદી પૉલિપેપ્ટાઇડ શૃંખલાઓનો બનેલો છે તથા અણુની સપાટી (surface) પાસે ચારહીમ સમૂહો (heme groups) સાથે તે ચતુષ્ટયી રચના (Tetrameric structure) બનાવે છે. ત્યારપછી તેમણે જણાવેલું કે ઑક્સિજનયુક્ત હીમોગ્લોબિનમાં ચાર શૃંખલાઓ પુનર્વિન્યાસ પામેલી હોય છે. આ સંશોધન દ્વારા તેમણે હીમોગ્લોબિન-અણુમાં ‘ઑક્સિજન-પરિવહન (transport) અને મુક્તિ(છુટકારા)ની’ આણ્વીય કાર્યવિધિ (molecular mechanism) અંગે સંપૂર્ણ સંશોધનનું નિદર્શન કર્યું હતું.
1938માં પેરુત્ઝે બરફના હિમનદીય બરફમાં થતા રૂપાંતર માટે સ્ફટિક સંરચનાત્મક(crystallographic) અભ્યાસ દ્વારા હિમનદીના પ્રવાહ અંગે સંશોધન કર્યું હતું. તેમણે હિમનદીના વેગ-વિતરણ(velocity distribution)ની માપણીની પ્રથમ વાર શોધ કરી હતી. તેમણે પુરવાર કરેલું કે સૌથી ઝડપી પ્રવાહ સપાટી (surface) ઉપર અને સૌથી ધીમો પ્રવાહ હિમનદીના તળિયે (bed) જોવા મળે છે.
પેરુત્ઝે રૉયલ સોસાયટીના ફેલો છે. 1962માં તેમને કંપેનિયન (companion) ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર બનાવાયા. તેઓ અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સના માનાર્હ સભ્ય પણ છે.
1962થી 1979 સુધી (એટલે કે નિવૃત્તિકાળ સુધી) તેઓ મેડિકલ રિસર્ચ કાઉન્સિલની મૉલેક્યુલર બાયૉલૉજી લૅબોરેટરી(સ્કૂલ ઑવ્ ક્લિનિકલ મેડિસિન, કેમ્બ્રિજ)ના અધ્યક્ષ તરીકે રહેલા. 1979માં તેમને કોપ્લે ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
1962નો નોબેલ પુરસ્કાર તેમને કેન્ડ્રયુ સાથે ગ્લૉબ્યુલર પ્રોટીનના બંધારણીય અભ્યાસ માટે મળેલું.
જ. પો. ત્રિવેદી
પ્રહલાદ બે. પટેલ