પેરાઘાસ : એકદળી વર્ગના તૃણાદિ (poaceae) કુળની ઘાસની જાતિ. આ ઘાસનું શાસ્ત્રીય નામ Brachiaria mutica Stapf છે. આ એક બહુવર્ષીય ઘાસ છે. ઘાસનું પ્રકાંડ જમીન પર પથરાતું આગળ વધે છે. પ્રકાંડમાં અવસ્થા પ્રમાણે 5થી 15 સેમી.ના અંતરે ગાંઠો હોય છે. દરેક ગાંઠમાંથી પર્ણ પ્રકાંડને ભૂંગળીની માફક વીંટળાઈને આગળની ગાંઠ નજીક કે બાજુ પર ફંટાય છે. ગાંઠોના જમીન તરફના ભાગોમાંથી આગન્તુક મૂળ ઉત્પન્ન થાય છે અને ઉપરના ભાગોમાંથી 1થી 2.5 મી. ઊંચાઈ સુધીની હવાઈ શાખા ઉત્પન્ન થાય છે.
જમીન અને આબોહવાની જરૂરિયાત : પેરાઘાસ ઉષ્ણકટિબંધમાં આવેલ દક્ષિણ અમેરિકા (બ્રાઝિલ વગેરે દેશો) તથા આફ્રિકાના વિસ્તારોનું ઘાસ છે; પરંતુ સમશીતોષ્ણ આબોહવામાં 900 મી. સુધીની ઊંચાઈવાળા ભેજવાળા વિસ્તારોની નબળા નિતારવાળી જમીનમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં પુષ્કળ સેન્દ્રિય પદાર્થો મળતા હોય તેવાં ગટરનાં પાણીનાં ભરાવાવાળાં સ્થળોમાં તેનો વિકાસ ખૂબ જ થાય છે. દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ તે ઉગાડવામાં આવે છે. કેરળ રાજ્યમાં નાળિયેરીઓની વચ્ચે ઉગાડાય છે. દક્ષિણ ભારતના અન્ય ઘણા વિસ્તારોમાં પણ તે ઉગાડાય છે.
સંપ્રસારણ : ઝડપી પ્રસારણ માટે મૂળ સાથેનાં જડિયાં કે પ્રકાંડના 25થી 30 સેમી. લંબાઈના 4થી 5 ગાંઠોવાળા ટુકડા રોપી ચોમાસામાં ઉગાડી શકાય.
ખેતી-પદ્ધતિ : જમીન તૈયાર કરતી વખતે હેક્ટરદીઠ 30થી 40 ટન છાણિયું ખાતર, 50 કિગ્રા. નાઇટ્રોજન, 30 કિગ્રા. ફૉસ્ફૉરિક ઍસિડ અને 30 કિગ્રા. પોટાશ પાયાના ખાતર તરીકે અપાય છે. જડિયાં 50 સેમી. × 50 સેમી. કે 60 સેમી. × 60 સેમી.ના અંતરે રોપી શકાય છે. આ માટે હેક્ટર દીઠ 30,000થી 40,000 જડિયાંની જરૂરિયાત રહે છે. પ્રથમ કાપણી 60થી 75 દિવસે થઈ શકે અને ત્યારબાદની કાપણીઓ વૃદ્ધિને ધ્યાને લઈ 30થી 40 દિવસના અંતરે કરી શકાય છે. દરેક કાપણી પછી પૂર્તિ-ખાતર તરીકે 40 કિગ્રા. નાઇટ્રોજન પ્રતિ હેક્ટરે અપાય છે. ઘાસ પાકટ થાય તે પહેલાં અને ખાસ કરીને રુવાંટી વધુ થાય તે પહેલાં કાપવાથી પશુઓને ખાવામાં અનુકૂળતા રહે છે. વર્ષે સામાન્ય ખેતીમાં હેક્ટરે 800થી 1000 ક્વિન્ટલ જેટલું અને સુએઝનું પાણી હોય તો 2000થી 2500 ક્વિન્ટલ જેટલું લીલા ચારાનું ઉત્પાદન મળી શકે છે.
આ ઘાસ ખેતરમાં પાણીના ઢાળિયા કે પાળા ઉપર અને ક્ષારવાળી તેમજ ભીની રહેતી જમીનમાં પણ ઉગાડી શકાય છે. ખેતરમાં પદ્ધતિસર ઉગાડેલ પેરાઘાસનો પાક ત્રણ વર્ષ લીધા બાદ તેને બીજા સ્થળે રોપવું હિતાવહ ગણાય છે.
રાસાયણિક પૃથક્કરણ તથા આહારમૂલ્ય : પેરાઘાસમાં જુદી જુદી સ્થિતિ અનુસાર તેના સૂકા ભારમાં 6.9 %થી 15.4 % નત્રિલ પદાર્થો, 28.2 %થી 35.4 % રેસાવાળા પદાર્થો, 38.0 %થી 46.1 % દ્રાવ્ય કાર્બોદિત પદાર્થો, 0.8 %થી 2.9 % ઈથર-દ્રાવ્ય ચરબી અને 10.8 %થી 13.1 % ખનિજ-પદાર્થો (ક્ષારો) હોય છે. તેમાં 6.0 %થી 6.8 % પાચ્ય પ્રોટીન અને 45.6 %થી 59.5 % કુલ પાચ્ય-પોષક દ્રવ્યો (કૅલરીજનક પદાર્થો) રહેલાં હોય છે.
ઉપયોગ : ચરિયાણ તરીકે ઉગાડેલ ઘાસ વારાપદ્ધતિ પ્રમાણે વિસ્તાર નક્કી કરી પશુઓને ચરાવવાથી ઉગાવો સારો રહે છે. તેની કાપણી કરીને લીલા ચારા રૂપે પણ ઢોરોને ખવડાવી શકાય છે.
પ્રકાશચન્દ્ર મ. દેસાઈ